ગીરસોમનાથઃ વડલા પોલીસ ચોકીમાં આરોપીએ ગટગટાવ્યું ફિનાઈલ, પરિવારે પોલીસ પર લગાવ્યો ગંભીર આરોપ
ઉનાના વડલા પોલીસ ચોકીમાં તપાસ દરમિયાન આરોપીએ ફિનાઈલ ગટગટાવી લેતા ચકચારી મચી ગઈ હતી.

Published : November 4, 2026 at 11:08 PM IST
ગીરસોમનાથઃ ઉનામાં આવેલી વડલા પોલીસ ચોકી ખાતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુનાના કામે વધુ તપાસ માટે જૂનાગઢ જેલમાંથી ઉના લાવવામાં આવેલા આરોપીએ પોલીસ ચોકીના શૌચાલયમાં સફાઈ માટે રાખવામાં આવેલું ફિનાઇલ પી લેતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ બાદ યુવકને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, વધુ સારવારની જરૂરિયાત જણાતાં પોલીસ બંદોબસ્ત સાથે તેને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર, ઉનાના ખોડિયારનગર વિસ્તારમાં રહેતો એક યુવક એટ્રોસિટી સહિતની કલમો હેઠળ નોંધાયેલા ગુનામાં છેલ્લા આશરે 15 દિવસથી જૂનાગઢ જેલમાં બંધ હતો. આ ગુનાના કામે વધુ તપાસ હાથ ધરવા માટે તેને જૂનાગઢ જેલમાંથી ઉના લાવવામાં આવ્યો હતો.
શૌચાલયમાં જઈને ગટગટાવ્યું ફિનાઈલ
દરમિયાન સાંજના આશરે છ વાગ્યાના સુમારે ઉનાની વડલા પોલીસ ચોકી ખાતે તપાસની કામગીરી ચાલી રહી હતી. આ સમયે આરોપી શૌચાલયમાં ગયો હતો અને ત્યાં સફાઈ માટે રાખવામાં આવેલું ફિનાઇલ તેણે પી લીધું હતું. ત્યારબાદ શૌચાલયમાંથી બહાર આવી તેણે પોતે ફિનાઇલ પીધું હોવાનું પોલીસને જણાવતાં પોલીસ કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતા સમજી વડલા પોલીસ ચોકીના PSI હરપાલસિંહ સરવૈયાએ તાત્કાલિક યુવકને ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની વ્યવસ્થા કરી હતી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત સાથે તેને ભાવનગર ખાતે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે જ ફિનાઈલ પીવડાવ્યું છેઃ પરિવાર
ફિનાઈલ પી લેનારા આરોપીના પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફિનાઈલ પી લેનારા યુવકની પત્નીનું કહેવું છે કે, પોલીસે જ શૌચાલયમાં લઈ જઈને તેને ફિનાઈલ પીવડાવ્યું છે. વધુમાં તેમણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, અમે જ્યારે તને મળવા ગયા, ત્યારે અમને મળવા દેવાની વાત તો દૂર રહી પરંતુ જોવા પણ દીધા ન હતા.
આ તરફ વડલા પોલીસ ચોકીના PSI હરપાલસિંહ સરવૈયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, આરોપીને તપાસના કામે લાવવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે પેશાબ કરવાનું કહીને શૌચાલયમાં ગયો હતો અને ત્યાં શૌચાલય સાફ કરવા માટેનું ફિનાઇલ પી ગયો હતો.
પોલીસ ચોકી ખાતે વધુ તપાસની કામગીરી દરમિયાન બનેલી આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી. હાલ યુવકને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. યુવકની હાલની તબિયત અને ફિનાઇલ પીવા પાછળનું ચોક્કસ કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે
આ પણ વાંચોઃ

