નવસારીના જામલિયા વણાંક પાસે એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 2ના મોત, 5થી વધુ મુસાફરોને ઈજા
જામલિયા વણાંક પાસે ભારે વરસાદના કારણે રોડ પર થયેલી ચિકાશમાં એસટી બસ સ્લિપ થઈ અને ટ્રક સાથે ધડકાભેર અથડાઈ હતી.

Published : July 1, 2026 at 1:07 PM IST
નવસારી: વાંસદા તાલુકાના જામલિયા વણાંક પાસે ભારે વરસાદ દરમિયાન સર્જાયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં બે લોકોના મૃત્યું થયા છે. ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ અને સામેથી આવી રહેલી ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે પાંચથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, ધરમપુરથી પાલનપુર જતી એસટી બસ જામલિયા વણાંક નજીક પહોંચી હતી ત્યારે ભારે વરસાદના કારણે રસ્તા પર ચીકાશ થઈ ગઈ હતી. જેના કારણે બસ અચાનક સ્લીપ થઈ ગઈ અને સામેથી સોનગઢથી કપરાડા તરફ જઈ રહેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ આખી ફરી ગઈ હતી, જ્યારે બસનો પાછળનો ભાગ અને ટ્રકની આગળની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

આ દુર્ઘટનામાં ટ્રકના ક્લીનર, તાપી જિલ્લાના ટેમકા ગામના રહેવાસી વિજય બાબુભાઈ ગામીતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બસમાં સવાર એક અજાણ્યા મુસાફરને ગંભીર હાલતમાં વલસાડ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેમનું પણ મૃત્યું થયું હતું. મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.

અકસ્માતમાં ટ્રક ચાલક સહિત આયેશા (અમદાવાદ), નવીન ભગુભાઈ ગામીત (બીલપુડી, ધરમપુર) અને સુલતાના પુલયા શેખ (વ્યારા) સહિત પાંચથી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સમગ્ર મામલે વાંસદા પોલીસ ઇન્સ્પેક્ટર જયદીપસિંહ ચાવડાએ જણાવ્યું હતુ કે, અકસ્માતની જાણ થતાં વાંસદા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે ટ્રાફિકને ફરી રાબેતા મુજબ શરૂ કરાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ભારે વરસાદ અને રસ્તા પર થયેલી ચીકાશના કારણે બસ સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

