શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓ માટે ABVPનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન, કલેક્ટરને આપ્યુ આવેદનપત્ર
વિરોધ પ્રદર્શન બાદ ABVPના પ્રતિનિધિમંડળે ગાંધીનગર કલેક્ટરને આવેદનપત્ર આપી વંચિત વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા રજૂઆત કરી હતી.

Published : August 25, 2026 at 6:56 PM IST
ગાંધીનગર: શિષ્યવૃત્તિથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના હક અને ન્યાયની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના ગાંધીનગર જિલ્લા એકમ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા અને શિષ્યવૃત્તિના પ્રશ્ને સરકાર તથા તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.
ગાંધીનગરમાં ઉદ્યોગ ભવનની બહાર, GH-4 ગાર્ડન નજીકથી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિદ્યાર્થીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી તરફ આગળ વધ્યા હતા. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, શિષ્યવૃત્તિ ન મળવાને કારણે અનેક વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સમયસર શિષ્યવૃત્તિની ચુકવણી કરવામાં આવે અને વંચિત વિદ્યાર્થીઓને તેમનો હક મળે તેવી માંગ સાથે ABVP દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું.
આ બાબતે ABVPના કાર્યકર અનિરુદ્ધસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના પ્રશ્નને લઈને સરકાર સામે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મહત્વપૂર્ણ સહાય છે. તેથી પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી વંચિત રાખવામાં ન આવે અને બાકી રહેલી શિષ્યવૃત્તિની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
આ વિરોધ બાદ ABVPના પ્રતિનિધિમંડળ દ્વારા ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં શિષ્યવૃત્તિથી વંચિત વિદ્યાર્થીઓના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા અને પાત્ર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની રકમ ઝડપથી ચૂકવવાની માંગ કરવામાં આવી હતી.
આ પણ વાંચો...

