ઉનામાં દારૂડિયા પતિના ત્રાસથી કંટાળી મહિલાએ ન્યાય માટે રોડ પર ધરણા કર્યા, પોલીસ અધિકારીઓ દોડતા થયા
ઉનામાં પતિના સતત ત્રાસથી કંટાળેલી એક મહિલા જાહેર રોડ પર બેસી ગઇ, ન્યાય માટે અવાજ ઉઠાવ્યો

Published : January 2, 2026 at 10:44 PM IST
ઉના: ઉનામાં નવા વર્ષની શરૂઆત સાથે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઉનામાં પતિના સતત ત્રાસથી કંટાળેલી એક મહિલા જાહેર રોડ પર બેસી ગઇ હતી અને ન્યાય માટે અવાજ ઉઠાવ્યો હતો.
ઉનામાં પતિના ત્રાસથી મહિલા ધરણા પર બેઠી
ઉનાના એક વિસ્તારમાં રહેતા મહિલા પતિના ત્રાસથી કંટાળી જાહેર રોડ પર ધરણા પર બેસી ગઈ હતી. મહિલાનો આરોપ છે કે પતિ રોજ તેની સાથે મારપીટ કરતો હતો અને તેની દીકરી પર જીવજંતુ મારવા વપરાતો હિટ સ્પ્રે છાંટી હિંસા આચરતો હતો. નવા વર્ષના દિવસે પણ પતિ-પત્ની વચ્ચે ફરી ઉગ્ર ઝઘડો થયો હતો અને આ ઝઘડો રસ્તા પર આવી ગયો હતો. સમાજના આગેવાનો દ્વારા મહિલાના પતિને સમજાવવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા છતા તે સમજવા તૈયાર નહતો.
મહિલાએ આરોપ લગાવ્યો હતો કે તેનો પતિ દારૂના નશામાં અવાર નવાર મારપીટ કરતો હતો તેમજ તેના લાખો રૂપિયાના દાગીના વહેંચી નાખ્યા છે. દીકરીના આંગણવાડીના 5 હજાર રૂપિયા પણ વાપરી નાખ્યા છે. છેવટે અંતે કંટાળીને મહિલા ઉનાના જાહેર રોડ પર ધરણા પર બેસી ગઇ હતી. ઉના પોલીસ સ્ટેશનમાં અનેક વખત પતિ વિરૂદ્ધ ફરિયાદો કરવામાં આવી છતા પણ કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ના હોવાનો આરોપ મહિલાએ લગાવ્યો હતો. અંતે મહિલા બે કલાક સુધી ધરણા પર બેસી ગઇ હતી. આ દરમિયાન તેની પાંચ વર્ષની દીકરીએ પણ સાથ આપ્યો હતો.
બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમજાવટ બાદ મહિલા અને તેની દીકરીને પોલીસ સ્ટેશને લઇ જવામાં આવ્યા હતા. મહિલાએ પતિ સામે લેખિત અરજી આપી હતી.
"મહિલાના પતિ વિરૂદ્ધ હાલ પોલીસ ફરિયાદ નોંધવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે." ચિરાગ પટેલ, ASI, ઉના વડલા પોલીસ ચોકી
આ પણ વાંચો:

