ગુજરાતની વિસરાતી જતી વાનગી પાનકીનો સ્વાદ લોકોની દાઢે વળગ્યો, કેવી રીતે બને છે આ સ્વાદિષ્ટ ડીશ? જાણો રેસિપી
અમદાવાદમાં વિસરાતી વાનગીઓના સાત્વિક મહોત્સવ 2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટ્રેડિશનલ ફૂડની મજા માણવા માટે પાંચ દિવસ નક્કી કરવામાં આવ્યા છે.

Published : December 28, 2025 at 10:19 AM IST
|Updated : December 30, 2025 at 2:36 PM IST
અમદાવાદ: ગુજરાતમાં ઘણી બધી ટ્રેડિશનલ વાનગી છે જેનો સ્વાદ લોકોને દાઢે વળગે છે પણ તેમાંથી કેટલીક લોકોને બનાવતા આવડતી નથી. આવી જ એક વાનગી છે પાનકી. અમદાવાદમાં વિસરાતી જતી વાનગીઓનો ફૂડ ફેસ્ટિવલ શરૂ થયો છે જેમાં પાનકી ડીશ ખાવા માટે લોકો શોખથી પહોંચી રહ્યાં છે. પાનકી શું છે? અને તે કેવી રીતે બનાવવામાં આવે છે? તેના વિશે જાણીયે...
અમદાવાદ સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં આ વખતે પાનકીનો સ્ટોલ ચલાવનાર હિનલ શાહ છેલ્લા 10 વર્ષથી સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લે છે. હિનલ શાહ દર વર્ષે અલગ અલગ વિસરાતી જતી વાનગીઓ આ ફૂડ ફેસ્ટિવલમાં લાવે છે અને લોકોને તેનો સ્વાદ ચખાડે છે. આ વખતે તેમણે પાનકી સહિતની વાનગીઓનો સ્ટોલ ઉભો કર્યો છે.
ફૂડ ફેસ્ટિવલમાં પાનકીનો સ્ટોલ ચલાવનાર હિનલ શાહ કહે છે, " છેલ્લા 10 વર્ષથી અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં ભાગ લઇએ છીએ અને અમારો એક સ્ટોલ છે. આ વખતે અમારી પાસે પાનકી-ચટણી મકાઇ-વટાણા-વેજીટેબલ, રાગી વેજીટબેલ), દાલ મખણી, પાલક રાઇસ,લીલા નારીયેલનો માંગરોળનો હલવો, દહીં ભલ્લે વીથ સ્પાઉટ્સ, અલગ અલગ જ્યુસનો સ્વાદ માણી શકો છો."

પાનકી ડીશ કેવી રીતે તૈયાર થાય છે?
પાનકી ગુજરાતની ડીશ છે પણ તે કોઇ જગ્યાએ વધારે મળતી નથી. આ બહુ ડિફરન્ટ વાનગી છે અને એને ખાવા માટે લોકોની ભારે ભીડ લાગે છે.આ વાનગી કેવી રીતે બને છે અને કઇ કઇ વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે તેના વિશે હિનલ શાહ પાસેથી સમજો રેસિપી...
પાનકી માટે ખીરૂ બનાવવાની રેસિપી
- ચોખાનો લોટ
- દહીં
- આદુ-મરચાની પેસ્ટ
- ઘી
- જીરૂં
- હિંગ
- હળદર
- મીઠું (સ્વાદ પ્રમાણે)
- પાણી- (જરૂર મુજબ)
ફુદીનાની ચટણી માટેની રેસિપી
- લીલા મરચા
- શેકેલા સીંગદાણા
- ફુદીનાના પાન
- આદુ
- ખાંડ
- મીઠું
- લીંબુનો રસ
- કેળના પાન
- તેલ
પાનકી બનાવવાની રીત
- પાનકી બનાવવા માટે સૌ પ્રથમ કેળાના પાનને ધોઇને સ્વચ્છ કપડાથી લૂછી લો.જો કેળાના પાન ઉપલબ્ધ ના હોય તો તમે હળદર કે કમળના પાનનો પણ ઉપયોગ કરી શકો છે.
- પાનના શાઇનિંગવાળા ભાગ ઉપર થોડું તેલ લગાવો.તેલ લગાવવાથી પાનકી પાન પર ચોંટશે નહીં અને સરળતાથી નીકળી જશે.
- એક તવા પર ગરમ કરવા મુકો, ગેસની આંચ ધીમી રાખવી.
- જે ખીરૂ તૈયાર કરીને રાખ્યું હોય તેને ફરીથી એકવાર હલાવો અને તેલ લગાવેલા પાન પર દોઢ ચમચી જેટલું ખીરૂ એકસરખું પાથરી દો અને તેની ઉપર તેલ લગાવેલ બીજું પાન મૂકી દો.
- આ પાનને તવા પર મુકો અને ધીમા ગેસ પર શેકાવા દો. પાનકીને હલકા હાથે દબાવતા રહો જેથી પાનકી અંદરથી પણ બરાબર શેકાઇ જાય.
- પાનકી શેકાઇ જાય ત્યારે તેને પાન સાથે જ સર્વિંગ પ્લેટમાં કાઢો અને તૈયાર કરેલી લીલી ચટણી સાથે સર્વ કરો.
પાનકી ખાવા માટે સાયન્સ સીટી રોડ પરથી આવેલા નિરલ બેને જણાવ્યું કે, "આજે હું સાત્વિક ફૂડ ફેસ્ટિવલમાં નવી નવી વાનગીઓને ટ્રાય કરવા માટે આવી છું. અહીંયા અલગ જાતની ક્યાંય પણ ના મળે એવી ઓર્ગેનિક અને વિસરાતી વાનગીઓ મળી રહી છે. અમે રાગીની પાનકી ખાધી જે સૌથી બેસ્ટ હતી. આ વાનગીને બધી જગ્યાએ મળતી નથી. નાના બાળકો માટે પણ આ બહુ જ મસ્ત ડીશ છે. આ વાનગીની સાથે દહીં ભલ્લે વીથ સ્પાઉટ્સ લીધી હતી.આ વિસરાતી જતી વાનગીઓની લિજ્જત અને મજા માણવા માટે અહીં આવ્યા છીએ."


આ પણ વાંચો:

