મહેસાણામાં 300થી વધુ સોસાયટીના રહીશોએ થાળી-વેલણ વગાડી તંત્રને જગાડવાનો કર્યો પ્રયાસ; શું છે ઘટના
મહેસાણામાં પીવાના પાણીના ટ્યુબવેલ અને સંપની બાજુમાં જ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવતા હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થયું

Published : January 9, 2026 at 7:05 PM IST
|Updated : January 9, 2026 at 7:45 PM IST
મહેસાણા: મહેસાણામાં પીવાના પાણીના ટ્યુબવેલ અને સંપની બાજુમાં જ ગટરનું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવતા હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ ઉભુ થયું છે. 300થી વધુ સોસાયટીના રહીશોએ થાળી-વેલણ વગાડી રસ્તા પર ઉતરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો.
મહેસાણામાં હજારો લોકોના સ્વાસ્થ્ય પર જોખમ
મહેસાણા શહેરમાં વિકાસના કામોની સાથે હવે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના સધી માતાના મંદિર પાસે આવેલા હયાત વોટર વર્કસ (હેડ વર્કસ) કમ્પાઉન્ડમાં જ નગરપાલિકા અને GUDC દ્વારા અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક રહીશો અને જાગૃત નાગરિકોમાં રોષ ફેલાયો છે.
નિવૃત્ત ઈજનેરે શું ચેતવણી આપી?
આ વિસ્તારની શ્રીરંગ સોસાયટીમાં રહેતા અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નિવૃત્ત ડેપ્યુટી ઈજનેર પી.આઈ. પટેલે આ કામગીરી સામે ટેકનિકલ વાંધો ઉઠાવ્યો છે.
"હું પોતે ટેકનિકલ માણસ છું અને અહીંથી જ નિવૃત્ત થયો છું. હાલમાં જ્યાં ગટરનું 6 એમએલડી (6 MLD)નું પમ્પિંગ સ્ટેશન બની રહ્યું છે, તેની બિલકુલ બાજુમાં જ પીવાના પાણીના બે સક્રિય ટ્યુબવેલ અને 50 લાખ લિટરની ક્ષમતા વાળો પાણીનો સંપ આવેલો છે." પી.આઇ.પટેલ, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નિવૃત ડેપ્યુટી ઇજનેર
આ સાથે જ તેમણે ગંભીર ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, આ પમ્પિંગ સ્ટેશન 11 મીટર ઊંડુ બનશે જેમાં સતત ગટરનું ગંદુ પાણી ભરેલું રહેશે. ભવિષ્યમાં કાળક્રમે જો પમ્પિંગ સ્ટેશનના સ્ટ્રક્ચરમાં કોઇ તિરાડ પડે કે લીકેજ થાય તો ગટરનું દૂષિત પાણી બાજુમાં રહેલા ટ્યુબવેલ અને સંપના પાણીમાં ભળી શકે છે.
રહીશોની માંગ શું છે?
સ્થાનિક લોકો અને નિવૃત્ત ઈજનેરની સ્પષ્ટ માંગ છે કે તેઓ વિકાસના કામ કે પમ્પિંગ સ્ટેશનનો વિરોધ નથી કરી રહ્યા. ગટર વ્યવસ્થા માટે પમ્પિંગ સ્ટેશન જરૂરી છે તે તેઓ સમજે છે. પરંતુ તંત્ર દ્વારા ભવિષ્યના જોખમને ધ્યાનમાં રાખીને આ સ્ટેશનને પીવાના પાણીના સ્ત્રોત (ટ્યુબવેલ અને સંપ) થી સુરક્ષિત અંતરે થોડે દૂર બનાવવું જોઈએ, જેથી લોકોના સ્વાસ્થ્ય સામેનું જોખમ ટાળી શકાય.
આ પણ વાંચો:

