વરૂણદેવને રિઝવવા માટે જૂનાગઢના માંગનાથ મંદિરમાં પ્રાજાપત્ય યજ્ઞ...મહાદેવને મેઘમહેરની પ્રાર્થના
ચોમાસામાં વરસાદ મોડો થાય ત્યારે આવી સ્થિતિમાં વરૂણદેવ સૃષ્ટિ પર વરસાદના રૂપમાં હેત વરસાવે તે માટે આ યજ્ઞ મહત્વનો માનવામાં આવે છે.

Published : June 30, 2026 at 12:26 PM IST
જુનાગઢ: ચોમાસા દરમિયાન વરસાદ મોડો થાય આવી સ્થિતિમાં આજે પણ પ્રાજાપત્ય યજ્ઞ કરવાની એક વિશેષ પરંપરા સનાતન સંસ્કૃતિમાં દર્શાવવામાં આવી છે, આવી એક માન્યતા અનુસાર પાણી ભરેલા મોટા વાસણમાં લોકો બેસીને યજ્ઞમાં આહુતિ આપતા હોય છે. ત્યારબાદ વરૂણદેવની કૃપા વરસતી હોય છે.
ચોમાસામાં વરસાદ મોડો થાય ત્યારે આવી સ્થિતિમાં વરૂણદેવ સૃષ્ટિ પર વરસાદના રૂપમાં હેત વરસાવે તે માટે આ યજ્ઞ મહત્વનો માનવામાં આવે છે. ત્યારે જૂનાગઢના માંગનાથ મંદિરમાં પણ મહાદેવને સાક્ષી રાખીને પ્રાજાપત્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
વરૂણદેવને રિઝવવા પ્રાજાપત્ય યજ્ઞ
ચોમાસાના વરસાદનુ આગમન મોડું થાય અથવા તો ચોક્કસ સમયને લઈને વરસાદ ખેંચાઈ, ત્યારે આવી સ્થિતિમાં પ્રાજાપત્ય યજ્ઞ કરવાનું એક વિશેષ મહત્વ જોવા મળે છે. સનાતન સંસ્કૃતિ માન્યતા અનુસાર પ્રાજાપત્ય યજ્ઞ કરવાથી વરૂણદેવની કૃપા સૃષ્ટિ પર વરસતી હોય છે. જેથી આ યજ્ઞને વિશેષ મહત્વનો માનવામાં આવે છે. યજ્ઞની વિધિમાં કોઈપણ વ્યક્તિ મોટા વાસણમાં પાણી ભરીને તેમાં બેસીને ચોક્કસ સમય અવધીને ધ્યાને રાખીને યજ્ઞમાં આહુતિ આપતા હોય છે. આ યજ્ઞ બાદ વરૂણદેવની કૃપા પ્રાપ્ત થાય છે આવી એક પ્રબળ માન્યતા જોવા મળે છે.

યજ્ઞમાં જોડાયો સ્વયં મહાદેવનો પરિવાર
જૂનાગઢમા આવેલા એક સદી કરતા પણ વધારે પૌરાણિક અને જેનું ખૂબ જ ધાર્મિક મહત્વ છે, તેવા માંગનાથ મહાદેવ મંદિરમાં પણ પ્રાજાપત્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયમ મહાદેવ, માતા પાર્વતી અને સમગ્ર શિવનો પરિવાર પ્રાજાપત્ય યજ્ઞમાં બેસીને આહૂતિ આપતો હોય તે પ્રકારનું દ્રશ્ય શિવ ભક્તો માટે એક અનેરા આનંદનો અહેસાસ પણ કરાવી રહ્યું હતું. સામાન્ય રીતે પ્રાજાપત્ય યજ્ઞમાં પૃથ્વી લોક પર કોઈ પણ આસ્થા ધરાવનાર વ્યક્તિ જોડાતા હોય છે, પરંતુ માંગનાથ મંદિરમાં મહાદેવ તેના સમગ્ર પરિવાર સાથે આ યજ્ઞમાં જોડાયા હતા જેથી પણ તેને ખૂબ જ મહત્વનો પ્રસંગ માનવામાં આવે છે

પ્રાજાપત્ય યજ્ઞને આપણે ઓળખીએ છીએ પ્રજન્ય યજ્ઞ તરીકે
લોક બોલીમાં આપણે જેને પ્રજન્ય યજ્ઞ તરીકે ઓળખીએ છીએ, તે વાસ્તવમાં પ્રાજાપત્ય યજ્ઞ છે. જેને વૈદિક પરંપરાના મહત્વના યજ્ઞ તરીકે પણ માનવામાં આવે છે. આ યજ્ઞમાં સમર્પણ આહુતિ અને પવિત્ર કાર્ય દ્વારા સૃષ્ટિના રચયિતા ભગવાન બ્રહ્માને સમર્પિત કરવામાં આવે છે, જેના થકી સૃષ્ટિ પ્રજા ઉત્પતિ અને કલ્યાણ માટે કરવામાં આવે છે. પૃથ્વી કલ્યાણની સાથે પ્રજા કલ્યાણની સાથે પ્રાજાપત્ય યજ્ઞ લગ્ન વિધિ માટે પણ આટલો જ મહત્વનો માનવામાં આવે છે. જેમાં નવ દંપતી કામવાસના માટે નહીં પરંતુ ધર્મ અને સમાજ માટે એક થવાનો નિર્ણય કરે છે. આ યજ્ઞને સંતાન ઉત્પત્તિના યજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેના થકી સક્ષમ અને મજબૂત સમાજનું નિર્માણ પણ થાય છે, રામાયણ કાળમાં પણ અયોધ્યાના રાજા દશરથે બાળકો પર સારા સંસ્કારો આવે તેના માટે પણ પ્રાજાપત્ય યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં એકમાત્ર મંત્ર પ્રજાપતયે સ્વાહા કહીને યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. જેનો અર્થ એવો થાય છે કે, અમને શ્રેષ્ઠ પ્રજા આપો. રામાયણ કાળમાં પણ રાજા દશરથે પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો હતો, જે પ્રાજાપત્ય યજ્ઞનો જ એક પ્રકાર છે. રાજા દશરથ દ્વારા કરવામાં આવેલા યજ્ઞની પૂર્ણાહૂતિ થતા જ વરસાદ થયો અને પછી થોડા જ સમયમાં દશરથના ઘરે ભગવાન રામનો પુત્રરત્ન તરીકે જન્મ થયો.

ધર્મ ગ્રંથોમાં પ્રાજાપત્ય યજ્ઞનો અર્થ
સનાતન ધર્મ સંસ્કૃતિના ભાગવત ગીતાના 3.14 ના શ્લોકમાં સ્પષ્ટ લખેલું છે કે,'અન્ન થી પ્રાણી પેદા થાય અને અન્ન વરસાદથી થાય, વરસાદ યજ્ઞથી થાય અને યજ્ઞ કર્મથી થાય, એટલે વૈદિક પરંપરા અનુસાર યજ્ઞ વરસાદ અન્ન પ્રજા અને ફરી યજ્ઞ આ પ્રકારની એક શ્રૃંખલા સતત ફરતી જોવા મળે છે. જેથી પ્રાજાપત્ય યજ્ઞને વરસાદ લાવવાના મૂળ યજ્ઞ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઋગ્વેદ અનુસાર વરસાદના દેવ ઇન્દ્ર છે, પણ ઈન્દ્રને પણ ભગવાન બ્રહ્માએ ઉત્પન્ન કર્યા છે, એટલે મૂળ વરસાદના દેવ તરીકે બ્રહ્મા છે અને તૈત્તિરીય સંહિતા અનુસાર પણ ભગવાન બ્રહ્મા જ વરસાદ આપે છે, જેથી પ્રાજાપત્ય યજ્ઞનું ખૂબ જ મહત્વ જોવા મળે છે.

પ્રાજાપત્ય યજ્ઞમાં કરવામાં આવતી વિધિ
રાજાકીય યજ્ઞ સામૂહિક રીતે ભેગા થઈને ભગવાન બ્રહ્માની સ્થાપના કરવામાં આવે છે. જેમાં હોમ પ્રજાપતિ સ્વાહા શ્લોકની 1008 આહુતિ આપવામાં આવે છે, જેમાં જવ તલ ઘી હોમાય છે, જે વરસાદને ખેંચી લાવવા માટે મહત્વના માનવામાં આવે છે, અને યજ્ઞના અંતે વરૂણદેવનું આહવાન થાય છે, જેને જળના દેવ તરીકે ઉજવવામાં આવે છે. જેથી યજ્ઞની સમાપ્તિ બાદ વરસાદ થતો હોય છે, સનાતન સંસ્કૃતિની એક માન્યતા અનુસાર પ્રજા અને ધર્મ ઘટે ત્યારે વરસાદ પણ અનિશ્ચિત બની જાય છે, જેથી પ્રાજાપત્ય યજ્ઞથી પ્રજા વધારોનો સંકલ્પ થાય એટલે પ્રકૃતિ પ્રસન્ન થઈને વરસાદ વરદાન રૂપે આપતી હોય છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ યજ્ઞનું વૈદિક મહત્વ
વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ પ્રાજાપત્ય યજ્ઞ ખૂબ જ મહત્વ માનવામાં આવે છે યજ્ઞમાં આહૂતિ દરમિયાન અર્પણ કરાયેલા ઘીના બળવાથી ઈથોલિન અને પ્રોપીલીન ઓક્સાઇડ જેવા વાયુ વાતાવરણમાં ભળે છે, જેથી તે વરસાદી વાદળોને એક જૂથ કરવામાં મહત્વના બને છે, અને વાદળોનો ખૂબ મોટો સમૂહ એકઠો થાય છે અને વરસાદ પડે છે. આજ પ્રકારનો પ્રાજાપત્ય યજ્ઞ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીએ 1990 માં 108 કુંડીનો કર્યો હતો, ત્યાર બાદ 48 કલાકના સમયમાં વરસાદ આવ્યો હોવાના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.

