ગાંધીનગરમાં 127 કરોડના ખર્ચે બનશે IITEનું નવું ભવન અને હોસ્ટેલ, CM અને શિક્ષણમંત્રીએ કર્યુ ભૂમિપૂજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણમંત્રી અને શિક્ષણ રાજ્ય મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનના નવા ભવનનું ભૂમિપૂજન કર્યુ હતું.

Published : July 1, 2026 at 1:35 PM IST
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પરિકલ્પનાથી સ્થપાયેલી સ્ટેટ યુનિવર્સિટી ઈન્ડીયન ઈન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનનું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.127 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા આ નૂતન ભવનનું ભૂમિપૂજન શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા તથા રાજ્ય મંત્રીઓ ત્રિકમભાઈ છાંગા, અને રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કર્યુ હતું.
નવા ભવનમાં કેવી હશે સુવિધા
આ નવા ભવનમાં એકેડેમિક બિલ્ડિંગ, આધુનિક સાયન્સ લેબ તથા સેમીનાર રૂમ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને મ્યુઝીયમ જેવી સુવિધાઓ ઉપરાંત વિવિધ રમતો માટે પ્લે ગ્રાઉન્ડ, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવી હોસ્ટેલનું બાંધકામ હાથ ધરાશે.
ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) ના 16માં સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાના અંદાજે ₹85 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નૂતન શૈક્ષણિક-વહીવટી ભવનો અને ₹42 કરોડના ખર્ચે તૈયાર થનાર અત્યાધુનિક હોસ્ટેલ બિલ્ડિંગનું ભૂમિપૂજન સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કર્યું.… pic.twitter.com/74O2x6IIbo
— Bhupendra Patel (@Bhupendrapbjp) June 30, 2026
IITE જેવી સંસ્થાઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવશે: CM
આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એક્સ પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, "ગાંધીનગર સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE) ના 16માં સ્થાપના દિવસ નિમિત્તે સંસ્થાના અંદાજે ₹85 કરોડના ખર્ચે નિર્માણ પામનાર નૂતન શૈક્ષણિક-વહીવટી ભવનો અને ₹42 કરોડના ખર્ચે તૈયાર થનાર અત્યાધુનિક હોસ્ટેલ બિલ્ડિંગનું ભૂમિપૂજન સાથી મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં કર્યું. શિક્ષક એ રાષ્ટ્રના ભવિષ્યના ઘડવૈયા છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી પ્રેરિત થઈને વિશ્વસ્તરીય શિક્ષકો તૈયાર કરતી આ સંસ્થામાં નવી સુવિધાઓના ઉમેરાથી શિક્ષણ ક્ષેત્રે વિકાસના નવા આયામો સ્થાપાશે, અને શિક્ષણ વધુ ગુણવત્તાસભર અને મૂલ્યનિષ્ઠ બનશે. માનનીય મોદીજીના દૂરંદેશી માર્ગદર્શનમાં આજે દેશના શિક્ષણ ક્ષેત્રનો કાયાકલ્પ થઈ રહ્યો છે. નવી શિક્ષણ નીતિ (NEP) દ્વારા શિક્ષણમાં નવચેતના વ્યાપી છે, ત્યારે IITE જેવી સંસ્થાઓ ભારતના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવશે'.
આજે ગાંધીનગર ખાતે માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના વરદ્હસ્તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ના 16માં સ્થાપના દિવસના અવસરે આ સંસ્થાના અંદાજે રકમ રૂ.૧૨૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર શૈક્ષણિક ભવન, વહીવટી ભવન તથા ફેકલ્ટી બ્લોક ઉપરાંત બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલના… pic.twitter.com/D59P0AmAPU
— Dr Pradyuman Vaja (@drpradyumanvaja) June 30, 2026
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાનો પ્રતિભાવ
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે માત્ર ભવન કે મકાન નિર્માણની શરૂઆત નથી થઈ, પરંતુ ભારતના ભવિષ્યના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનારા ઉત્તમ શિક્ષકોના નિર્માણના એક નવા યુગની શરૂઆત થઈ છે. ભારત માત્ર સામાન્ય શિક્ષકો જ નહીં, પણ 'રાષ્ટ્ર નિર્માતા' શિક્ષકો તૈયાર કરીને વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવે અને વિદેશોમાં પણ શ્રેષ્ઠ શિક્ષકો પૂરા પાડે, તેવા ભગીરથ દ્રષ્ટિકોણને આ સંસ્થા આજે નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે.
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન (IITE)ના 16મા સ્થાપના દિવસના અવસરે આ સંસ્થાના નિર્માણ થનાર શૈક્ષણિક ભવન, વહીવટી ભવન તથા ફેકલ્ટી બ્લોક ઉપરાંત બોય્ઝ અને ગર્લ્સ હોસ્ટેલના નૂતન ભવનોનું મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની… pic.twitter.com/Gnues8ygtN
— Gujarat Information (@InfoGujarat) June 30, 2026
રાજ્ય સરકાર દ્વારા રૂ. 127 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ
શિક્ષણ મંત્રી વાજાએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાના શિક્ષકો તૈયાર કરવા માટે વૈશ્વિક સ્તરની સંસ્થા સ્થાપવાના ઉદ્દેશ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારથી વર્ષ-2010માં આ વિશિષ્ટ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 127 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત કેમ્પસમાં નવા એકેડેમિક અને ફેકલ્ટી બિલ્ડિંગ, અદ્યતન વર્ગખંડો, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાઇબ્રેરી, મ્યુઝિયમ તેમજ રમત-ગમતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, અંદાજે ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -NEP-2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ નવી શિક્ષણ નીતિ બહુ-વિષયક શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમ પર વિશેષ ભાર મૂકે છે. આ જ દિશામાં આગળ વધતા, IITE ને હવે એક 'મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી' તરીકે વિકસાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જ્ઞાન શાખાઓના સંકલન સાથે સર્વગ્રાહી શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપતી સાત નવી 'યુનિવર્સિટી સ્કૂલ્સ' ની રચના કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી માધ્યમ છે અને શિક્ષક વર્ગખંડમાંથી જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આજે જે ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે માત્ર સિમેન્ટ-કોંક્રિટનું માળખું નથી, પરંતુ 'વિકસિત ગુજરાત' થી 'વિકસિત ભારત' ના ઉજ્જવળ ભવિષ્યની એક મજબૂત આધારશિલા છે.
શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાનો પ્રતિભાવ
આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક વિચાર સાથે સ્થપાયેલી આ યુનિવર્સિટી માત્ર અક્ષરજ્ઞાન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે નવું ચિંતન અને સંશોધન લાવી આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવે છે. નવી શિક્ષણ નીતિ – NEP 2020ના વ્યાપક અમલીકરણ વચ્ચે, આ યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશભરમાં શિક્ષણના આચાર, વિચાર અને વ્યવહારમાં આમૂલ પરિવર્તન લાવી એક અગત્યનું સ્થાન પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ વિશેષ પ્રસંગે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરની શ્રી બી.એન. હાઈસ્કૂલમાં જે આદરણીય શિક્ષકો અને ગુરુજનો પાસેથી શિક્ષણ મેળવ્યું હતું, તે ગુરુજનોનું મુખ્યમંત્રી દ્વારા ભાવપૂર્વક અભિવાદન-સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી સહિત ઉપસ્થિત અન્ય મહાનુભાવોના હસ્તે ITEP અભ્યાસક્રમનું ડિજિટલ વિમોચન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લ, સહિત IITEના પ્રોફેસર, એકેડમિક હેડ, ડાયરેક્ટર અને આચાર્ય, વિદ્યાર્થીઓ ભાઈ- બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

