ભાવનગરમાં 200 રૂપિયાની નકલી નોટો સાથે શખ્સ ઝડપાયો, 55,800નો મુદ્દામાલ જપ્ત
ભાવનગરમાં નકલી નોટ બજારમાં વટાવે તે પહેલા જ એક શખ્સ ઝડપાયો, અમદાવાદ કનેક્શન સામે આવ્યું

Published : January 6, 2026 at 8:37 AM IST
ભાવનગર: ભાવનગરમાં નકલી નોટ બજારમાં વટાવવા મામલે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે. આ ઘટનામાં અમદાવાદના એક શખ્સનું પણ નામ ખુલ્યું છે જેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ભાવનગરમાં 200 રૂપિયાની નકલી નોટ વટાવવા જતા શખ્સ ઝડપાયો
ભાવનગર LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તેમણે બાતમી મળી હતી કે રેલવે સ્ટેશન રોડ, તખ્તસિંહજી વિશ્રાન્તિ ગૃહ સામે ભારત ડ્રાયક્લીનર્સ પાસે નંબર પ્લેટ વગરની એક્સેસ લઇને ઉભેલો શખ્સ નકલી ચલણી નોટો વટાવવા ઉભો છે. આ બાતમીના આધારે LCB પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બાતમીવાળો શખ્સ મળી આવતા તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેની પાસેથી અસલી અને નકલી ચલણી નોટો મળી આવી હતી.
LCB પોલીસે અજય ઉર્ફે ઘુઘો પોપટભાઇ બુધેલીયા (રહેવાસી-રાજપરા)ની પૂછપરછ કરી તપાસ હાથ ધરી હતી જેમાં તેની પાસેથી બનાવટી ચલણી નોટો 200 રૂપિયાના દરની કૂલ 343, ભારતીય ચલણની અસલી નોટ 200ના દરની 2 અને 100ના દરની 4 નોટ, મોબાઇલ અને સ્કૂટર મળી કૂલ 55,800 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા જપ્ત કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં અમદાવાદના શખ્સનું નામ ખુલ્યું
બનાવટી નોટો સાથે પકડાયેલા શખ્સની વધુ પૂછપરછ કરતા અમદાવાદના નારોલમાં રહેતા ચિંતન અનિલ કનોજીયાનું નામ ખુલ્યું હતું. LCB પોલીસે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં આ શખ્સ નકલી નોટ કેવી રીતે લાવ્યો, તેની સાથે કોણ કોણ સામેલ છે અને ક્યા ક્યા તેને વટાવી હતી તેને લઇને પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો:

