ETV Bharat / state

અયોધ્યા દર્શનાર્થે જતા ગુજરાતઓ માટે 80 કરોડના ખર્ચે 'યાત્રી નિવાસ' બનશે, અંદર હોટલ જેવી સુવિધા મળશે

રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય યાત્રી નિવાસ તૈયાર કરવામાં આવશે.

રાજ્ય સરકારની મોટી ભેટ
રાજ્ય સરકારની મોટી ભેટ (gujaratinformation)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 8, 2026 at 11:23 AM IST

1 Min Read
Choose ETV Bharat

ગાંધીનગરઃ ગુજરાતમાંથી અયોધ્યા દર્શનાર્થે જતા પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓને સર્વશ્રેષ્ઠ સુવિધા, આતિથ્ય અને દિવ્ય અનુભવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય યાત્રી નિવાસ તૈયાર કરવામાં આવશે. અયોધ્યા ખાતે નિર્માણાધીન ટાઉનશીપમાં કુલ 6929.28 વર્ગ મીટર જમીન વિસ્તારમાં રૂ. 80.25 કરોડના ખર્ચે ભવ્ય ‘યાત્રી નિવાસ’ સુવિધા વિકસાવવામાં આવશે.

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા આકાર પામી રહેલા આ અત્યાધુનિક યાત્રી નિવાસમાં 308 બેડની ક્ષમતા ધરાવતા વિવિધ પ્રકારના રૂમ અને 864 સીટીંગ કેપેસીટીવાળો વિશાળ હોલ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત રિસેપ્શન સેન્ટર, વિઝીટર લાઉન્જ, સોવેનીયર શોપ, મલ્ટીપર્પઝ હોલ, ઓડીટોરિયમ, મીટીંગ રૂમ, ડાઈનીંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી અધતન સુવિધાઓથી આ સંકુલ સજ્જ કરવામાં આવી રહ્યું છે. આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે અને આગામી એક વર્ષમાં આ યાત્રી નિવાસ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વર્ષ 2024માં અયોધ્યા ખાતે શ્રી રામચંદ્રજી ભગવાનના નવસર્જિત ભવ્ય મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ અને રામભક્તો દર્શનાર્થે પધારી રહ્યા છે. શ્રદ્ધાળુઓના પ્રવાહને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે પ્રવાસન ક્ષેત્રે ગૌરવવંતી પહેલ કરી છે.

ગુજરાત સરકારની આ જનકલ્યાણ અને શ્રદ્ધા-કેન્દ્રિત પહેલથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓ માટે ઘર જેવી સુખ-સુવિધા સુનિશ્ચિત થશે. આ યાત્રી નિવાસ માત્ર એક આવાસ નથી, પરંતુ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સેતુને વધુ મજબૂત બનાવનારું ઉત્કૃષ્ટ પ્રતીક બનશે.