ભાવનગરમાં આવેલું 'મીની કેદારનાથ', લોક ભાગીદારીથી નિર્માણ પામ્યું ભવ્ય શિવાલય
ભાવનગરમાં લોકફાળાથી સ્થપાયેલું મીની કેદારનાથ આજે શહેર અને જિલ્લાવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જાણો મઢીથી લઈને ભવ્ય શિવાલય સુધીની સંપૂર્ણ સફર વિશે વિસ્તારથી...

Published : August 31, 2026 at 5:38 AM IST
ભાવનગર: ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં આવેલા એક વિશાળ પ્લોટમાં શિવાલયનું નિર્માણ કરવામાં આવેલું છે. આ અંગે મંદિરની કમિટીના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, 2019માં દેવનાથ મહાદેવની સ્થાપના કરવામાં આવી, ત્યારે અહીં મઢી ટાઈપનું એક મંદિર હતું. આજે આ મંદિર મીની કેદારનાથ તરીકે પ્રચલિત છે. અહીં આજુબાજુના જિલ્લામાંથી લોકો આવે છે અને લોકોની ઈચ્છાઓ ભોળાનાથ પરીપૂર્ણ પણ કરે છે. આ મંદિરના નિર્માણમાં સૌ કોઈએ નાનો મોટો ફાળો આપેલો છે.
આ મંદિરના મહંત મુકેશગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 2018માં અહીં સ્થાપના થયા બાદ 2023માં મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો. ત્યારથી જ આ મંદિરનું નામ મીની કેદારનાથ પડી ગયું. મંદિરે દર્શનાર્થે આવતા નર્મદાશંકરભાઈ મહેતા નામના શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, દેવુબાગમાં નવું શિવાલય બન્યું છે, તે પહેલા પ્લાસ્ટિકના ઓરડામાં બનાવ્યું અને પછી કમિટી બની અને લોકોના સાથ સહકારથી આ મંદિરનું નિર્માણ થયું. શ્રાવણ મહિના સહિત અન્ય તહેવારોમાં અહીં આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે, આજુબાજુમાં રહેતા તેમજ શહેરના વિવિધ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં મહાદેવના દર્શન કરવા માટે આવે છે.
મંદિર સાથે સંકળાયેલા રવિભાઈ ઠક્કર નામના એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, આ મંદિરની સ્થાપના એટલે કે હાલમાં મંદિરના ગર્ભગૃહમાં જે શિવલિંગ છે તે પાલીતાણા થી મંગાવવામાં આવ્યું હતું અને નર્મદેશ્વરના પથ્થરમાંથી બનાવેલું છે. ત્યારે અમે ત્રણ મિત્રોએ આ શિવલિંગ ત્યાંથી લાવ્યા બાદ અહીંયા સ્થાપના કરી અને નાની એવી મઢી બનાવી હતી.

રવિભાઈ ઠક્કરે વધુમાં જણાવ્યું હતું કે, સૌ પહેલા અહીં નાનું એવું પતરાના ફેબ્રિકેશન શેડમાં મંદિર હતું, પછી એક કમિટી બની અને નક્કી કર્યું કે અહીં મંદિર બનાવવું છે. કમિટીએ નક્કી કર્યા બાદ 2022માં મંદિર નવનિર્માણ કર્યું. આખા દેવુબાગ અને અનંતવાડી, સાધના સોસાયટી, નવજીવન સોસાયટી, વિજયરાજનગર અજુબાજુના લોકોએ તન મન ધનથી કાર્ય કર્યું. જોકે, જ્યારે મંદિર નિર્માણનું કામ શરૂ થયું ત્યારે ફંડ ફાળો ઓછો હતો.

વડીલો માર્ગદર્શન સાથે મંદિરનું નિર્માણનું કાર્ય કમિટીના યુવાનોએ ઉપાડી લીધું અને તે દરમિયાન દેવુબાગમાં રહેતા હર્ષદભાઈ ગજ્જર નામના એક એન્જિન્યિરનો સંપર્ક થયો અને મંદિરના કામમાં તેમણે વિનામૂલ્યે સેવા આપી અને મંદિર નિર્માણકાર્યમાં સહભાગી થયા.

રવિભાઈ ઠક્કર ઉમેરે છે કે, જ્યારે મંદિરનું કાર્ય શરૂ કર્યું ત્યારે ફાળો નહોતો મળ્યો એટલે એન્જિનિયર સાહેબનો સંપર્ક કર્યો અને તેમના એક મિત્ર આવેલા તેને સીધી જ 500 સિમેન્ટ થેલી આપી દીધી હતી. ત્યારબાદ અમે મંદિરના પાયા ખોદવાની શરૂઆત કરી શિલાન્યાસ કર્યો. ત્યારે નવજીવન સોસાયટીમાં રહેતા નીરવભાઈ મહેતા નામના વ્યક્તિ તરફથી શિલાન્યાસ થયું હતું. નીરવભાઈ કહેતા હતા કે જે લોકો કેદારનાથ નથી જઈ શકતા તે અહીંયા મીની કેદારનાથમાં દર્શન કરી શકશે.

મંદિરના નિર્માણમાં પાયાથી શરૂઆત થયા બાદ લોકોનો ફાળો આવતો ગયો પછી જ્યારે સ્લેબ સુધી પહોંચ્યા એટલે પૈસાની અછત આવી, જો કે યુવાનોએ ફંડ ફાળો શરૂ કર્યો અને એક મહિના બાદ ફરી કામ શરૂ થયું હતું. નિર્માણ પહેલા પણ એક વિઘ્ન આવેલું કે જેમાં નાનું મંદિર હતું તેમા, શિવલિંગ હતું તેની જગ્યા ફેરવવાની વાત હતી. કમિટીમાં કોઈ હા પાડતું હતું તો, કોઈ ના પાડતું હતું. ત્યારે ખોદવાનું કામ શરૂ થયું શિવલિંગની બાજુમાં ખોદાણ શરૂ કર્યું પણ શિવલિંગ હલ્યું નહીં. એન્જિનિયરનું માનવું હતું કે, શિવલિંગ ફેરવીએ તો મંદિરનો ઉઠાવ સારો આવે પણ મહાદેવને કંઈક માન્ય ન હોય તેમ શિવલિંગ ત્યાંને ત્યાં રહ્યું.

રવિભાઈ ઠક્કર જણાવે છે કે, આજની મોંઘવારીમાં શિવાલય બનાવવું મુશ્કેલ છે, પણ ફાળો સામેથી આવ્યો ક્યાંય માંગવા જવું પડ્યું નથી. આ મંદિર નિર્માણ પાછળ આશરે 90 થી 95 લાખનો ખર્ચો થયો હોવાનું તેઓ જણાવી રહ્યા છે. રવિભાઈનું કહેવું છે કે, આ દેવનાથ મહાદેવ ઈચ્છાપૂર્તિ વાળા મહાદેવ છે તમે નહીં માનો લોકો દાન પેટીમાં પોતાની ઈચ્છા મુજબની ચિઠ્ઠીઓ નાખીને જાય તે નીકળે છે એટલું નહીં ઈચ્છાઓ પૂર્ણ થયા બાદ પણ ભગવાને તેમની ઈચ્છા પૂર્ણ કરી છે તેવી પણ ચિઠ્ઠીઓ નીકળે છે.
આ પણ વાંચો

