ભાવનગર - સોમનાથ નેશનલ હાઇવે પર રોડ અકસ્માતમાં સિંહણનું મોત, વન વિભાગે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રોડ ક્રોસ કરતી વખતે થયેલી ટક્કરમાં સિંહણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.

Published : January 5, 2026 at 6:52 PM IST
અમરેલી: અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના હેમાળ ગામ નજીક ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે પર મોડી રાત્રે એક સિંહણનું અજાણ્યા વાહનની અડફેટે આવી દુઃખદ મોત થયું હતું. રોડ ક્રોસ કરતી વખતે થયેલી ટક્કરમાં સિંહણને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ જાફરાબાદ રેન્જના વનવિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વનવિભાગ દ્વારા સિંહણના મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થે બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ અંગે આરએફઓ જાફરાબાદ જી.એલ. વાઘેલાએ જણાવ્યું હતું કે, “હેમાળ નજીક નેશનલ હાઈવે પર સિંહણનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી મળતા અમે અમારી ટીમ સાથે સ્થળ પર પહોંચ્યા હતા. હાલ આ અકસ્માત અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી છે. હાઈવે પરના તેમજ નજીકના ગામો અને હોટલોના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવામાં આવશે અને અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલક સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.”
વનવિભાગની ટીમમાં આરએફઓ, ફોરેસ્ટ ગાર્ડ અને ટ્રેકર્સ સહિતના કર્મચારીઓએ તપાસ શરૂ કરી છે. અજાણ્યા વાહનચાલકને શોધવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રાજુલા–જાફરાબાદ પંથકમાંથી પસાર થતો ભાવનગર–સોમનાથ નેશનલ હાઈવે સિંહો માટે સતત જોખમી સાબિત થઈ રહ્યો છે. અગાઉ પણ આ માર્ગ પર સિંહબાળ સહિત અનેક વન્યપ્રાણીઓના અકસ્માતમાં મોત થયાના બનાવો સામે આવી ચૂક્યા છે. ટીંબી, છેલણા, હેમાળ, દુધાળા, નાગેશ્રી, કાગવદર, ચારનાળા, હિંડોરણા અને કડિયાળી જેવા હાઈવે નજીકના ગામડાઓમાં સિંહો દ્વારા રોડ ક્રોસ કરવાની ઘટનાઓ રોજબરોજ બનતી રહે છે, જેના કારણે સિંહોની સુરક્ષા પર સવાલો ઊભા થયા છે.
આ ઘટનાને લઈ સિંહપ્રેમી પણ ચિંતા સેવી રહ્યા છે અને ઊંડો શોક વ્યક્ત કરી રહ્યા છે . અને વનવિભાગને અકસ્માત કરનાર વાહનચાલકને ઝડપથી શોધી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ નેશનલ હાઈવે પર વધતી વાહન અવરજવરને ધ્યાનમાં રાખી સિંહોની સુરક્ષા માટે પેટ્રોલિંગ વધારવા તથા સિંહોને સુરક્ષિત રીતે રોડ ક્રોસ કરાવવા અસરકારક વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગણી પણ કરી હતી.
રાજુલાથી ઉના સુધી નેશનલ હાઈવે પર અનેક સિંહો અકસ્માતે મૃત્યુ પામ્યા છે ત્યારે આ નેશનલ હાઈવે પર નિયમિત રેકોર્ડ દ્વારા પ્રેરણા કરવામાં આવે તે જરૂરી છે. અહીં બૃહદગીરનો વિસ્તાર છે અને મોટી પ્રમાણમાં સિંહોની સંખ્યા છે જેથી સ્વતંત્ર અહીં સતેજ બની નિમિત પેટ્રોલિંગ કરે તેવી પણ માંગ ઉઠવા પામી છે.
આ પણ વાંચો:

