સુરત સ્ટેશને ટ્રેનમાં દારૂની મોટી ખેપ ઝડપાઈ, મુસાફરોએ AC કોચમાંથી શોધી-શોધીને દારૂની બેગ કાઢીને પોલીસ બોલાવી
મુસાફરોએ આખા કોચમાં જાતે જ સર્ચ કરતાં દારૂની 10થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી.

Published : August 29, 2026 at 9:51 PM IST
સુરત: ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં દારૂબંધીના કાયદાના અમલ અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે સુરત રેલવે વિસ્તારમાંથી દારૂની હેરાફેરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બાંદ્રા ટર્મિનસથી ભુજ જઈ રહેલી ટ્રેનના થર્ડ AC કોચમાં મુસાફરોને સીટ નીચે બિનવારસી બેગો નજરે પડતાં શંકા ગઈ હતી. મુસાફરોએ જાતે જ બેગોની તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો, બિયરના કેન અને ક્વાર્ટરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ત્યારબાદ મુસાફરોએ આખા કોચમાં જાતે જ સર્ચ કરતાં દારૂની 10થી વધુ પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવી હતી.
આ દરમિયાન દારૂની ખેપ સાથે સંકળાયેલા હોવાની શંકા ધરાવતા ત્રણ શખ્સોને મુસાફરોએ ઘેરીને પકડી લીધા હતા. જ્યારે અન્ય બે શખ્સો ભીડ અને હોબાળાનો લાભ લઈને ટ્રેનમાંથી ફરાર થઈ ગયા હતા. સુરત સ્ટેશન પર ટ્રેન પહોંચતાં મુસાફરોએ ત્રણેય શખ્સો તેમજ દારૂનો જથ્થો RPF અને GRPને સોંપ્યો હતો. સમગ્ર મામલે પાંચ અલગ-અલગ FIR નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.
મુસાફરોએ કોચમાં જ શરૂ કર્યું સર્ચ ઓપરેશન
દારૂનો જથ્થો મળ્યા બાદ મુસાફરોએ માત્ર એક-બે બેગ સુધી તપાસ મર્યાદિત ન રાખી આખા કોચમાં સર્ચ શરૂ કરી દીધું હતું. સીટની નીચે, કોચના ખૂણાઓમાં તેમજ અન્ય જગ્યાએ તપાસ કરતાં એક પછી એક દારૂની પેટીઓ, થેલીઓ અને પ્લાસ્ટિકની કોથળીઓ મળી આવવા લાગી હતી.
મુસાફરોએ મળેલો સમગ્ર જથ્થો કોચના ટોઇલેટ નજીક અને વેસ્ટિબ્યુલ વિસ્તારમાં એકઠો કર્યો હતો. થોડી જ વારમાં અહીં દારૂનો મોટો જથ્થો એકઠો થઈ ગયો હતો. આ દૃશ્ય જોઈ મુસાફરોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. મુસાફરોએ તાત્કાલિક ટ્રેનના TTEને સમગ્ર ઘટનાની જાણ કરી હતી અને ટ્રેનમાં આટલો મોટો દારૂનો જથ્થો કેવી રીતે પહોંચ્યો તે અંગે સવાલો ઉઠાવ્યા હતા.
સુરત સ્ટેશને RPF અને GRPનો કાફલો દોડી આવ્યો
ટ્રેનમાં દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હોવાની જાણ રેલવે કંટ્રોલ રૂમને કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચતાં જ RPF અને GRPનો કાફલો પ્લેટફોર્મ પર પહોંચી ગયો હતો. મુસાફરોએ પકડી રાખેલા ત્રણેય શખ્સોને પોલીસને સોંપ્યા હતા. સાથે જ કોચના ટોઇલેટ પાસે અને વેસ્ટિબ્યુલ વિસ્તારમાં એકઠો કરાયેલો દારૂનો જથ્થો પણ પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 3 મોટી ટ્રાવેલ બેગ અને આશરે 6 પ્લાસ્ટિક પાર્સલ કબજે કર્યા હોવાનું જાણવા મળે છે. સમગ્ર જથ્થાની ગણતરી અને તેની કિંમત અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પાંચેય સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી
રેલવે પોલીસે જણાવ્યું હતું કે, આ મામલે રેલવે પોલીસ મથકે કુલ 5 અલગ-અલગ FIR નોંધવામાં આવી છે. પાંચેય શખ્સો સામે પ્રોહિબિશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ ત્રણ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે ફરાર થયેલા બે શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો:

