આદિવાસી પરિવારની તેલાઈ માતા પ્રત્યેની આસ્થા, જાણો શું છે અનાજ અર્પણ કરવા સહિતની વિવિધ માન્યતાઓ
છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલા તેલાઈ માતા મંદિર ખાતે ફાગણ સુદ અગિયારસના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે.

Published : February 28, 2026 at 2:03 PM IST
|Updated : February 28, 2026 at 2:28 PM IST
છોટાઉદેપુર: આદિવાસી બાહુલ્ય ધરાવતા છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના બારાવાડ ગામે આવેલા તેલાઈ માતા મંદિર ખાતે ફાગણ સુદ અગિયારસના દિવસે ભવ્ય લોકમેળો યોજાય છે. માન્યતા છે કે પાવાગઢના મહાકાળી માતાના મોટા બહેન તરીકે અહીં તેલાઈ માતાની પૂજા કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસી પરિવારો આ મેળા દરમિયાન નવા ધાન્ય પાકો તેલાઈ માતાને અર્પણ કરે છે.
માતાજીના દર્શનનો મહિમા
દર વર્ષે ફાગણ સુદ અગિયારસના પાવન દિવસે અહીં હજારો ભક્તો ઉમટી પડે છે. છેક મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી દર્શનાર્થીઓ અહીં તેલાઈ માતાજીના દર્શન કરવા માટે આવે છે. મંદિરની સામે આવેલા ધરામાં પવિત્ર સ્નાન કર્યા બાદ ભક્તો ડુંગર પર ચઢીને અહીં સ્થિત માતાજીના મંદિરે દર્શન કરે છે.
આસ્થા પરંપરા અને લોક વિશ્વાસનો સંગમ
આસ્થા, પરંપરા અને લોકવિશ્વાસનો અનોખો સંગમ એટલે બારાવાડનો તેલાઈ માતાનો મેળો. આ મેળામાં મહાકાળી માતાના મોટા બહેન "તેલાઈ માતા" પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસને પગલે લોકો ચપટી અનાજ લઈને આવે છે, અને અનાજ સારું પાક્યું તે બદલ માતાજી પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરે છે, અને માતાજીના પ્રાગણમાં સહ પરિવાર મુઠ્ઠીમાં અનાજ લઇ વેરે છે.

સુખ-સમૃદ્ધિ અને સારા પાક માટે પ્રાર્થના
અગિયારસની આગલી રાત્રે એટલે કે દશમની રાત્રીથી અહીં આવવા માટે ભાવિકોનો પ્રવાહ શરૂ થઈ જાય છે. જેને સ્થાનિક બોલી માં "ઉંજાળિયું" તરીકે ઓળખવામાં આવે છે, રાત્રીના આદિવાસીઓ અહીંયા ઢોલ માંદલના તાલે નૃત્ય કરે છે અને પરિવારની સુખ-સમૃદ્ધિ અને સારા પાક માટે પ્રાર્થના કરે છે.

ચામડીના રોગ મટતા હોવાની માન્યતા
માતાજીના મંદિરની સામે એક ધરો આવેલો છે, સ્થાનિકોની માન્યતા મુજબ અહીં ધરામાં સ્નાન કરવાનીથી અને અહીંની માટીથી ચામડીના રોગો દૂર થવાની પણ શ્રદ્ધા અને માન્યતા છે. તેથી અહીં ઘણા લોકો અહીંની કોતરમાથી માટી લઈને શરીર પર લેપ લગાવે છે અને પછી ધરામાં સ્નાન કરે છે.

અસ્થિ-વિસર્જનનો મહિમા
આદિવાસી સમાજમાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો તેની અસ્થિ વિસર્જનનો પણ અહીં મહિમા જોડાયેલો છે, અને મૃતકના સ્વજન ઓરસંગ નદીના કિનારે વાળ ઉતારી સૂતક અહીંયા કરે છે.
માતાજીનો ફોટો નહિં પડતો હોવાની માન્યતા
ડુંગરની તળેટીમાં બિરાજમાન માતાજીનો ફોટો કેમેરામાં સ્પષ્ટ ન આવતો હોવાની દંતકથા પણ પ્રચલિત છે. લોક વાયકા મુજબ આ મંદિરની ફિલ્મ બનાવવા માટે એક ફિલ્મ પ્રોડયુસર આવ્યા હતા, ત્યારે તેમના બધા જ કેમેરા બંધ થઇ ગયા હોવાની પણ લોક મુખે વાયકા પ્રચલિત છે,

પાલ પ્રદેશમાં એક સદી જૂનું પ્રાચીન મંદિર
બરાવાડ ગામ સદીઓ પહેલા પાલ પ્રદેશનો વિસ્તાર માનવામાં આવે છે, જે આગિયારસનો મેળો હોળી પહેલા યોજાતો હોવાના લઈને હોળીની કલગીનો લોકમેળો હોવાની પણ માન્યતા પ્રચલિત છે, પાંડવ કાલીન પ્રાચીન મંદિરો પણ અહીંયા જોવા મળે છે, તો રજવાડાના સમયમાં એક મહેલ આવેલો છે જેનું કામ અડધું જ થયેલું જોવા મળે છે.

રેત ખનનથી પ્રાચીન મંદિર પ્રભાવિત થયું
બીજી તરફ ઓરસંગ નદીમાં બેફામ રેત ખનન થવાના કારણે મંદિરના કિનારાનું ધોવાણ થયું છે, જે કિનારા ધોવાય જવાથી મંદિરના કેટલાક અવશેષો પણ પાણીના પ્રવાહમાં ધોવાય ગયા છે,ત્યારે સ્થાનિક લોકોની માંગ છે કે આ મંદિર ની આગળ ચેક વોલ બનાવવામાં આવે અને આ ધાર્મિક સ્થાનને પ્રવાસન ધામ તરીકે વિક્સવવામા આવે.

