ગાંધીનગરમાં આરોગ્ય અધિકારી સામે મહિલા કર્મચારીએ કરી છેડતીની અરજી, મામલો પોલીસ સુધી પહોંચ્યો
જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારી સામે એક મહિલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા છેડતીના આક્ષેપો સાથે અરજી કરવામાં આવી હોવાની ચર્ચાએ આરોગ્યતંત્રમાં ભારે ચકચાર જગાવી છે.

Published : August 26, 2026 at 7:41 AM IST
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં મહિલા સશક્તિકરણ અને મહિલાઓની સુરક્ષાને લઈને તંત્રની કામગીરી સામે સવાલો ઉભા કરતો કિસ્સો સામે આવ્યો છે. જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારી સામે એક મહિલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા છેડતીના આક્ષેપો સાથે અરજી કરવામાં આવી હોવાની ચર્ચાએ આરોગ્યતંત્રમાં ભારે ચકચાર જગાવી છે. આ અરજી ગાંધીનગર કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હોવાનું જાણવા મળે છે.
મહિલા કર્મચારી દ્વારા કરવામાં આવેલી અરજીમાં સંબંધિત અધિકારી સામે છેડતીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. જોકે, સમગ્ર મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ સત્તાવાર રીતે નોંધાઈ નથી. બીજી તરફ, સંબંધિત અધિકારીને ટૂંક સમયમાં પ્રમોશન મળવાનું હોવાથી કેટલાક તત્વો દ્વારા તેમને હેરાન કરવામાં આવી રહ્યા હોવાની ચર્ચા પણ તંત્રના વર્તુળોમાં ચાલી રહી છે.
સામાન્ય રીતે કાર્યસ્થળે મહિલાની જાતીય સતામણી કે છેડતી અંગેની ફરિયાદ થાય ત્યારે સંબંધિત વિભાગની આંતરિક જાતીય સતામણી નિવારણ સમિતિ સમક્ષ ફરિયાદ મૂકવામાં આવે છે. સમિતિ દ્વારા ફરિયાદી મહિલા તેમજ જેના ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હોય તેવા અધિકારી કે કર્મચારીના નિવેદનો લેવામાં આવે છે. જરૂરિયાત જણાય તો અન્ય કર્મચારીઓના નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે તપાસ કરવામાં આવે છે.
પરંતુ આ કિસ્સામાં એક રસપ્રદ બાબત એ પણ સામે આવી છે. અરજીના અંતે ‘પીડિત મહિલા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર’ તરીકે સહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે અરજી કરનાર મહિલા કર્મચારીની ચોક્કસ ઓળખ અને સમગ્ર ફરિયાદની સત્તાવાર પ્રક્રિયા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. અરજીના આધારે તંત્ર દ્વારા હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.
દરમિયાન, આ બાબતે ગાંધીનગરના સેક્ટર-21 પોલીસ મથકના પીઆઈ એલ.પી. દેસાઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, “આ બાબતે હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી. ફરિયાદ આવશે તો કાયદેસરની આગળની કાર્યવાહી કરવામાં આવશે.”
સેક્ટર-7 પોલીસ મથકના પીઆઈનો સંપર્ક કરવામાં આવતા તેમણે પણ ફરિયાદ હજુ સુધી પોલીસ પાસે આવી ન હોવાનું જણાવ્યું હતું અને ફરિયાદ મળશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવાની વાત કરી હતી.
આ સમગ્ર મામલે હાલ આક્ષેપો અને પ્રતિઆક્ષેપોની સ્થિતિ વચ્ચે સત્ય શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
જોકે, મહિલા કર્મચારીની ફરિયાદ, પોલીસ પાસે ફરિયાદ ન પહોંચવી અને અરજીની પ્રક્રિયાને લઈને ઊભા થયેલા સવાલોના કારણે ગાંધીનગરના આરોગ્ય વિભાગમાં ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. મહિલા સુરક્ષા અને મહિલા સશક્તિકરણની વાતો વચ્ચે ફરિયાદના નિકાલ માટે પારદર્શક અને નિષ્પક્ષ તપાસ થાય તે જરૂરી બન્યું છે.
આ પણ વાંચો

