પાલનપુરના ગણેશપુરાનો પરિવાર દુબઈ ફરવા ગયોને ફ્લાઈટ રદ થતા ફસાયો, માતા-પિતાએ મદદ માંગી
ઇરાનમાં અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં સર્વોચ્ચ વડા આયાતુલ્લાહ ખામેનેઇના નિધન બાદ મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ છે

Published : March 3, 2026 at 8:55 AM IST
પાલનપુર: ઇરાનમાં અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં સર્વોચ્ચ વડા આયાતુલ્લાહ ખામેનેઇના નિધન બાદ મિડલ ઇસ્ટમાં તણાવની સ્થિતિ છે. ઇરાને પણ જડબાતોડ જવાબ આપતા હુમલા શરૂ કર્યા છે. મિડલ ઇસ્ટમાં તણાવપૂર્ણ સ્થિતિમાં બનાસકાંઠાના પાલનપુરના ગણેશપુરાનો પરિવાર દુબઇમાં ફસાયો છે. દુબઇમાં ફસાયેલા પરિવારને લઇને માતા-પિતા ચિંતિંત જોવા મળ્યા હતા.
પાલનપુરનો પરિવાર દુબઇમાં ફસાયો
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધના તણાવ વચ્ચે પાલનપુરના ગણેશપુરા વિસ્તારનો એક પરિવાર હાલ દુબઈમાં ફસાયો છે. 23 ફેબ્રુઆરીએ સુભાષ પટેલ પરિવાર સાથે દુબઈ ફરવા ગયા હતા અને સોમવારે પાલનપુર પરત ફરવાના હતા પરંતુ રવિવાર અને સોમવાર બંને દિવસ તેમની ટિકિટ રદ થઈ ગઈ છે. યુદ્ધના તણાવને કારણે ફ્લાઈટ સેવાઓ પ્રભાવિત થતાં તેમની ટિકિટ સતત બીજા દિવસે માટે પણ રદ થઈ હતી.
પાલનપુરમાં રહેલા તેમના વૃદ્ધ માતા-પિતા સતત ચિંતિત છે. દર કલાકે વીડિયો કોલ કરીને પરિવારની સલામતી અંગે માહિતી મેળવી રહ્યા છે. પરિવારજનોએ જણાવ્યું છે કે હાલ તેઓ દુબઈમાં સુરક્ષિત છે પરંતુ પરત ફરવાની અનિશ્ચિતતાને કારણે ચિંતા વધી રહી છે. પરિવારે સરકાર પાસે વિનંતી કરી છે કે વિદેશમાં ફસાયેલા ભારતીયોને જલ્દીથી જલ્દી સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવે. દુબઈમાં પાલનપુરના અનેક લોકો વ્યવસાય અને નોકરી કરે છે જેના કારણે સમગ્ર શહેરમાં પણ ચિંતા વ્યાપી છે.
ફ્લાઈટ સેવાઓ રદ થવાને કારણે પરત ફરવાની ટિકિટ નથી મળી રહી. ટિકિટ રદ થવાના કારણે પરિવારને દુબઈમાં જ રહેવું પડે તેવી પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ છે.
આ પણ વાંચો:

