ઉમરપાડાના કાટણવાડીના જંગલમાં પ્રેમી યુગલે જીવન ટૂંકાવ્યું, પોલીસે શરુ કરી તપાસ
પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.

Published : January 7, 2026 at 5:05 PM IST
સુરત: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના કાટણવાડી ગામની હદમાં આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવસારીના યુવક અને ઉમરપાડાની યુવતીએ સામૂહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો પ્રેમ પ્રકરણનો હોવાનું પોલીસ અનુમાન લગાવી રહી છે.
જંગલમાં ઝાડ પર લટકતા મૃતદેહો મળ્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, ધાણાવડ નજીક કાટણવાડી જંગલ વિસ્તારમાંથી પસાર થતા સ્થાનિકોની નજર એક ઝાડ પર પડી હતી, જ્યાં એક યુવક અને યુવતીના મૃતદેહ જોવા મળ્યા હતા. આ ઘટનાની જાણ વાયુવેગે પંથકમાં ફેલાતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
મૃતકોની ઓળખ
યુવતી: બંસરી શૈલેષભાઈ પટેલ (ધોડિયા પટેલ), રહે. ચોખવાડા, તા. ઉમરપાડા
યુવક: નીરજ બાબુભાઈ પટેલ (ધોડિયા પટેલ), રહે. નવસારી
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ ઉમરપાડા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહોને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ અંગે ઉમરપાડા પીઆઈ જે.જી. મોઢે જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસમાં બંને પ્રેમી હોવાનું જણાઈ રહ્યું છે. હાલ મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી છે અને તેમના વાલીઓનો સંપર્ક કરવાની તજવીજ શરૂ કરી છે."
પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આ યુગલે કયા સંજોગોમાં અંતિમ પગલું ભર્યું તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો:

