ગિરનાર પર્વત પર મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી: પોષી પૂનમએ ભક્તોનો મહેરામણ
ગિરનાર પર્વત પર માતા પાર્વતીના ઉદરનો ભાગ પડ્યો, તેથી અહીં તેઓ 'ઉદયન શક્તિપીઠ' તરીકે પૂજાય છે.

Published : January 3, 2026 at 7:50 AM IST
જુનાગઢ: પોષ મહિનાની પૂર્ણિમાનો દિવસ શક્તિસ્વરૂપા મા જગદંબા (મા અંબા)નો પ્રાગટ્ય દિવસ છે, જેને પોષી પૂનમ તરીકે ઉજવાય છે અને આ દિવસે જગદંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થાય છે, આ ઉપરાંત તેને શાકંભરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક અને ધાર્મિક મહત્વ ધરાવતો દિવસ છે. જેને લઈને જુનાગઢના ગિરનાર પર્વત પર આવેલા માં અંબા મંદિરમાં પ્રાગટ્ય મહોત્સવને લઈને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મા અંબાના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.
પોષ મહિનાની પૂર્ણિમા માં અંબાનો પ્રાગટ્ય દિન:
પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે શક્તિ સ્વરૂપા જગતજનની માં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં માતા પાર્વતીના અંશરૂપે 52 સ્થળો પર શક્તિપીઠના રૂપમાં મા જગદંબા પૂજાઈ રહ્યા છે ત્યારે જૂનાગઢના ગિરનાર પર્વત પર આવેલા મા અંબા મંદિરમાં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે. ખાસ દર્શન માટે આવેલા માઈ ભક્તોએ મા અંબાના પ્રાગટ્ય દિવસે તેમના પવિત્ર અને ઔલોકિક દર્શન કરીને તેમની જાતને ધન્ય કરી હતી.

પોષી પૂનમ એટલે મા અંબાનો પ્રાગટ્ય દિન:
શિવ પુરાણ અને ધાર્મિક માન્યતા અનુસાર મહાદેવ અને માતા પાર્વતીનો જન્મ થયો નથી પરંતુ તેમનું પૃથ્વી પર પ્રાગટ્ય થયું છે. પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીના અંશ સમાન શક્તિ સ્વરૂપા જગતજનની મા જગદંબાનો પ્રાગટ્ય દિવસ ઉજવવામાં આવે છે. ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં પણ મા અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આજે વિશેષ પ્રસંગે ખૂબ મોટી સંખ્યામાં માઇ ભક્તોએ મા અંબાના દરબારમાં આવીને તેમના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી.

પ્રાગટ્ય મહોત્સવ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા:
માં જગદંબાના પ્રાગટ્ય મહોત્સવ સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ ખૂબ જ ગાઢ રીતે જોડાયેલી જોવા મળે છે, જેનો શિવ પુરાણમાં પણ વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોષ મહિનાની પૂર્ણિમાના દિવસે માતા પાર્વતીના પિતા દક્ષને ત્યાં યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં દેવાધિદેવ મહાદેવને નિમંત્રણ નહીં મળતા મહાદેવના થયેલા ઘોર અપમાન માતા પાર્વતી દ્વારા સહન નહીં થતાં તેમણે યજ્ઞ કુંડમાં પોતાની જાતને આહુતિ આપી હતી. જે જોઈને મહાદેવે માતા પાર્વતીના દેહને ખભા પર મૂકીને તાંડવ શરૂ કર્યું હતું ત્યારે શ્રી હરિ વિષ્ણુએ માતા પાર્વતીના દેહના તેમના ચક્ર વડે 52 ટુકડાઓ કર્યા હતા અને આ ટુકડા જે જગ્યા પર પડ્યા ત્યાં માતા પાર્વતીના અંશ સમાન શક્તિ સ્વરૂપે માં જગદંબાના શક્તિપીઠની સ્થાપના થઈ હતી. ગિરનાર પર્વત પર માતા પાર્વતીના ઉદરનો ભાગ પડ્યો, તેથી અહીં તેઓ 'ઉદયન શક્તિપીઠ' તરીકે પૂજાય છે.

આજના દિવસે શક્તિ સ્વરૂપના દર્શનનો છે વિશેષ મહિમા:
દેવના શક્તિપુંજ તરીકે દેવી શક્તિ માં અંબાના રૂપે આજે સમગ્ર જગત પર પ્રાગટ્ય થયા હતા. માં અંબાના પ્રાગટ્ય મહોત્સવ દિવસે તેમના દર્શન કરવાનો પણ વિશેષ ધાર્મિક મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આજના દિવસે પહેલા પહોરમાં માતાજીને બાલ્ય મધ્યાન સમયે યુવા અને સાંજના સમયે વૃદ્ધા ના વસ્ત્રોનો શણગાર કરાય છે. વધુમાં આજના દિવસે મા અંબાને અન્નકૂટ અને રાજભોગ પણ ધરવામાં આવે છે, જેના દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં માઈ ભક્તો ગિરનાર પર્વત પર આવી રહ્યા છે. માતાજીના પ્રાગટ્ય દિવસે મા અંબાના ગરબાનું ધાર્મિક આયોજન પણ વિશેષ મહત્વ રાખે છે. સનાતન ધર્મગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ અનુસાર, આજે જગતજનની માં જગદંબાના ચરણોમાં અન્નકોટ રાજભોગ અને ગરબાનું આયોજન કરીને વિશેષ સ્વરૂપે માં અંબાના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સમગ્ર દિવસ દરમિયાન કરવામાં આવશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં દેશ માંથી આવેલા માઈ ભક્તો ભાગ લેશે.

આ પણ વાંચો:

