ETV Bharat / state

સિદ્ધપુરમાં 500 વર્ષ જૂના ચોપડામાં રાજા-મહારાજાઓથી માંડીને મહાપુરુષો સુધીની નામાવલી સચવાઈ, નરસિંહ મહેતાના નામનો પણ ઉલ્લેખ

સિદ્ધપુરના ચોપડાઓમાં સચવાયેલો પેઢીઓનો ઇતિહાસ સિદ્ધપુર એટલે ભારતભરમાં માતૃગયા તીર્થ તરીકે ઓળખાતું પવિત્ર ધામ.

સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ
સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 10, 2026 at 9:52 PM IST

3 Min Read
Choose ETV Bharat

પાટણ: દેવોના મોસાળ અને ધાર્મિક નગરી તરીકે પ્રખ્યાત સિદ્ધપુરનું સ્થાન ભારતભરમાં માતૃશ્રાદ્ધ અને માતૃતર્પણ વિધિ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. સિદ્ધપુરના પવિત્ર બિંદુસરોવર ખાતે દેશવિદેશમાંથી હજારો શ્રદ્ધાળુઓ પોતાના સ્વજનોના મોક્ષાર્થે માતૃતર્પણ વિધિ કરાવવા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે સિદ્ધપુરમાં એવા પ્રાચીન ચોપડાઓ પણ સચવાયેલા છે જેમાં અનેક પરિવારોની સાતસાત પેઢીની વંશાવલી અને તેમના પૂર્વજોનાં નામોનો ઇતિહાસ મળી રહે છે. સિદ્ધપુરના તીર્થગોર મંડળ પાસે સચવાયેલા આ ચોપડાઓમાં માત્ર સામાન્ય પરિવારો જ નહીં, પરંતુ રાજા-મહારાજાઓ, સંતો-મહંતો અને અનેક મહાનુભાવોના નામો પણ નોંધાયેલાં હોવાનું ગોરમંડળ જણાવે છે.

સિદ્ધપુરના ચોપડાઓમાં સચવાયેલો પેઢીઓનો ઇતિહાસ સિદ્ધપુર એટલે ભારતભરમાં માતૃગયા તીર્થ તરીકે ઓળખાતું પવિત્ર ધામ. અહીં આવેલા બિંદુસરોવર ખાતે માતૃતર્પણ અને શ્રાદ્ધવિધિનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. દેશના જુદાજુદા રાજ્યોમાંથી આવતા યજમાનો પોતાના કુળગોર પાસે ધાર્મિક વિધિ કરાવે છે. આ દરમિયાન તેમના પરિવારની વંશાવલી પૂર્વજોના નામ મૂળ ગામ અને અટક જેવી વિગતો ચોપડામાં નોંધવામાં આવે છે. યજમાન પોતાના પરિવારની ઓળખ આપતાં જ કુળગોર પાસે ઉપલબ્ધ જૂના ચોપડાઓના આધારે તેના પૂર્વજો વિશેની માહિતી મેળવી શકે છે. આ ચોપડાઓ માત્ર ધાર્મિક પરંપરાનું પ્રતીક નથી. પરંતુ અનેક પરિવારોના ભૂતકાળને જોડતો ઐતિહાસિક દસ્તાવેજી વારસો પણ છે.

સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ (ETV Bharat Gujarat)

500થી 550 વર્ષ જૂની પરંપરા હોવાનો દાવો
સિદ્ધપુર બિંદુસરોવર ખાતેના તીર્થગોર મંડળના જણાવ્યા અનુસાર અહીં સચવાયેલા ચોપડાઓનો ઇતિહાસ અંદાજે 500થી 550 વર્ષ જૂનો છે. આ ચોપડાઓમાં ભારતના કાશ્મીરથી કન્યાકુમારી અને કચ્છથી કટક સુધીના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યજમાનોની વંશાવલી અને નામાવલી મળી રહે છે. એટલું જ નહીં નેપાળ, ભૂતાન અને પાકિસ્તાન સહિતના દેશો સાથે જોડાયેલા પરિવારોની નોંધો પણ અહીંના ચોપડાઓમાં હોવાનું જણાવવામાં આવે છે. વિદેશમાં વસતા ભારતીય પરિવારોની વંશાવલીની વિગતો પણ આ ચોપડાઓમાં જોવા મળે છે. આમ, પેઢી દર પેઢી સચવાયેલી આ નોંધો પરિવારના મૂળ અને પૂર્વજોની ઓળખ મેળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ
સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ (ETV Bharat Gujarat)

રાજા-મહારાજાઓથી માંડીને મહાનુભાવોનાં નામોનો સંગ્રહ
સિદ્ધપુરના ગોરમંડળ પાસેના ચોપડાઓમાં વિવિધ સમાજો અને વર્ગોના લોકોની નામાવલી તથા વંશાવલી સચવાયેલી હોવાનું જણાવવામાં આવે છે. ગોરમંડળના જણાવ્યા અનુસાર આ ચોપડાઓમાં રાજા-મહારાજાઓ ધર્માચાર્યો મઠાધિપતિઓ શંકરાચાર્યો વલ્લભાચાર્યો સહિત અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં નામોનો ઉલ્લેખ મળે છે. મહારાણા પ્રતાપ, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જલારામ બાપા જેવા મહાનુભાવોના નામોનો ઉલ્લેખ પણ આ વારસાની વિશેષતા તરીકે કરવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ રજવાડાંના રાજવી પરિવારો અને અન્ય જાણીતી હસ્તીઓ સાથે સંકળાયેલી વંશાવલીની નોંધો પણ અહીં સચવાયેલી હોવાનું ગોરમંડળ જણાવે છે.

ગોર મંડળના સભ્ય કપિલભાઈએ ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમારે 40 જેટલાં ગોરમંડળના સભ્યો છીએ અને દરેક ગોર ભૂદેવ પાસે તેમના જજમાન અલગ હોય છે. તેમને ત્યાં અમિતાભ બચ્ચન, RSSના ગોવાળકર જયારે અહીં સરાવવા આવ્યા હતા તેની નોંધ અમે ફ્લેક્સ બેનર પર પ્રિન્ટ કરાવીને રાખી છે. ગાયકવાડથી માંડી તમામ રાજાઓ અને ભારતીય રાજકારણની મહાનહસ્તીઓ તેમજ ફિલ્મીહસ્તીઓ અને તેમના વંશની નામાવલી સંગ્રહાયેલી છે.

જય દત્ત શુક્લાએ ETV ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે, અમને અને અમારી પેઢીને નરસિંહ મહેતાના ગોર તરીકે ઓળખવામાં આવે છે. કારણકે નરસિંહ મહેતા જયારે તેમની માતાનું શ્રાદ્ધ અહીં કયુઁ ત્યારે તેમની નોંધ છે. જેમાં અંગુઠો ચોપડામા બાંધ્યો હતો. નરસિંહ મહેતાના માતૃ શ્રાદ્ ની વિધિ તેમના દાદા પરદાદા દ્વારા કરવામાં આવી હતી.

સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ
સિદ્ધપુરમાં સચવાયેલો 7 પેઢીનો ઇતિહાસ (ETV Bharat Gujarat)

ડિજિટલાઇઝેશનની તાતી જરૂરિયાત

સમયની સાથે કાગળ પર લખાયેલા આ પ્રાચીન ચોપડાઓનું જતન કરવું વધુને વધુ જરૂરી બની રહ્યું છે. વર્ષો જૂના આ દસ્તાવેજોમાં અનેક પરિવારોના પૂર્વજોની ઓળખ અને પેઢીઓનો ઇતિહાસ સમાયેલો છે. જો આ ચોપડાઓનું વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ કરવામાં આવે અને તેનું કમ્પ્યુટરાઇઝેશન તથા ડિજિટલાઇઝેશન થાય તો આવનારી પેઢીઓ માટે આ અમૂલ્ય વારસો સુરક્ષિત રહી શકે. તીર્થગોર મંડળ દ્વારા સરકાર અને યાત્રાધામ વિકાસ બોર્ડ આ દિશામાં ધ્યાન આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.

સિદ્ધપુરના આ પ્રાચીન ચોપડાઓ માત્ર નામોનો સંગ્રહ નથી. પરંતુ પેઢીઓ વચ્ચેની કડી અને આપણા સામાજિક સાંસ્કૃતિક વારસાની ઓળખ છે. આધુનિક ટેક્નોલોજીના યુગમાં આ ઐતિહાસિક દસ્તાવેજોનું યોગ્ય જતન અને ડિજિટલાઇઝેશન કરવામાં આવે તો દેશ-વિદેશમાં વસતા અનેક પરિવારોને પોતાના મૂળ અને પૂર્વજોની ઓળખ મેળવવામાં મદદ મળી શકે છે. હવે જોવાનું એ રહેશે કે સરકાર અને સંબંધિત તંત્ર આ અમૂલ્ય વારસાના સંરક્ષણ માટે ક્યારે નક્કર પગલાં ભરે છે.

આ પણ વાંચો:

  1. નવરાત્રી પહેલાં બહુચરાજી શક્તિપીઠમાં વિશેષ પ્રક્ષાલન વિધિ, 7 સવારી અને આભૂષણોનું શુદ્ધિકરણ
  2. જૂનાગઢ: નવરાત્રી પૂર્વે વાઘેશ્વરી માતાના મંદિરે અંધ કન્યા છાત્રાલયની દિવ્યાંગ યુવતીઓની ગરબાની રમઝટ