'પાણીનો ખોટો બગાડ કરશો તો દંડાશો', ગાંધીનગરના પેથાપુરમાં પાણીનો બગાડ કરનારા 9 આસામીઓ પાસેથી સ્થળ પર દંડ વસુલાયો
ગાંધીનગર મહાનગરપાલિકાની સિવિલ ઈજનેરી શાખાની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધરી કુલ 9 આસામીઓને પાણીનો બગાડ કરતા ઝડપી સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો.

Published : August 25, 2026 at 7:56 AM IST
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા પેથાપુર વિસ્તારમાં પીવાના પાણીનો બેફામ બગાડ કરતા આસામીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકાની સિવિલ ઈજનેરી શાખાની ટીમોએ સઘન ચેકિંગ હાથ ધરી કુલ 9 આસામીઓને પાણીનો બગાડ કરતા ઝડપી સ્થળ પર જ દંડ વસૂલ્યો હતો.
તપાસ દરમિયાન લીક થતા નળ, ઓવરફ્લો થતી પાણીની ટાંકીઓ, ખુલ્લા પાઇપ મારફતે બિનજરૂરી રીતે પાણી વહાવવું તેમજ સફાઈના કામમાં પીવાના પાણીનો બેફામ ઉપયોગ થતો હોવાનું સામે આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનરની સૂચના બાદ નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.
પેથાપુર વિસ્તારમાં પાણીનો બગાડ કરનારા સામે ગાંધીનગર મહાનગરપાલિકા અગાઉ પણ કાર્યવાહી કરી ચૂકી છે. અગાઉની તપાસ દરમિયાન પણ પાણીનો બેફામ ઉપયોગ કરનારા આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે ફરી 9 આસામીઓ સામે કાર્યવાહી થતા પાણીનો બગાડ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
મનપા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, શુદ્ધ નર્મદા જળ અમૂલ્ય સંપત્તિ છે અને તેનો બિનજરૂરી બગાડ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના બગાડ સામે ચેકિંગ અને દંડની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
મહાનગરપાલિકાએ નાગરિકોને નળ અને પાણીની ટાંકીના લિકેજ તાત્કાલિક રિપેર કરાવવા તેમજ પીવાના પાણીનો કરકસરપૂર્વક અને યોગ્ય ઉપયોગ કરવા અપીલ કરી છે.
આ પણ વાંચો

