પાવરગ્રીડ કંપનીના વિરોધમાં સુરેન્દ્રનગર જિલ્લાના 500થી વધુ ખેડૂતોએ રેલી યોજી કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ
યોગ્ય કાર્યવાહી ન થઈ તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી

Published : May 30, 2026 at 9:49 PM IST
સુરેન્દ્રનગર: પાવરગ્રીડ કંપની દ્વારા સુરેન્દ્રનગર હાલના તબક્કે જિલ્લાના કોંઢ અને કલ્યાણપુર નજીક 720 KW વીજ લાઈનના થાંભલાઓ ઊભી કરવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોય અને ખાસ કરીને વીજકંપની દ્વારા કોરીડોરમાં રહીને કામગીરી ન કરવામાં આવતી હોવાના કારણે ખેડૂતોમાં રોષ છે, જેને લઈને 500થી વધુ ખેડૂતો સુરેન્દ્રનગર શહેરના મેળાના મેદાનથી લઈ કલેક્ટર કચેરી સુધી પગપાળા સુત્રોચ્ચાર સાથે રેલી યોજી પહોંચ્યા હતા.
આ મામલે ખેડૂતો અને આગેવાનો દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કલેકટર કચેરીના કમ્પાઉન્ડમાં રામધૂનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. કંપનીઓ પોતાની કામગીરી પૂર્ણ કરવા માટે પોલીસનો ઉપયોગ કરી રહી છે ત્યારે પોલીસ ઉપર પણ ખેડૂત નેતાઓ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. રજૂઆત સમયે માત્ર પાંચ લોકોને કલેકટર કચેરીમાં પ્રવેશ આપવાની પોલીસ વિભાગ દ્વારા વાત કરવામાં આવતા મામલો ઉગ્ર બન્યો હતો. લાલજી દેસાઈ, પાલ આંબલીયા, નૌશાદ સોલંકી, કરસનબાપુ અને ગીતા પટેલને કલેકટર કચેરીની અંદર પ્રવેશ આપવા માટે અટકાવ્યા હતા અને મામલો ઉગ્ર બની ગયો હતો.
બાદમાં પોલીસ અને નેતાઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તે દરમિયાન કલેક્ટર કચેરીનો ઘેરાવ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મામલો વધુ ઉગ્ર બનતા ખુદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી આવ્યા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. આ સંદર્ભે 10 જેટલા ખેડૂતો અને પાંચ જેટલા ખેડૂત નેતાઓને કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપવા દેવામાં આવ્યો હતો અને જિલ્લા કલેકટર ગુણવંતસિંહ સોલંકી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી
રજૂઆત દરમિયાન ખેડૂતો રડી પડ્યા
ત્યારબાદ ખેડૂત નેતાઓ અને ખેડૂતો સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરને મળ્યા હતા અને જે પોલીસ વિભાગની દાદાગીરી સામે આવી હતી તે અંગેની રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે આ અંગે રજૂઆત દરમિયાન ખેડૂતોની આંખોમાં પણ આંસુ જોવા મળ્યા હતા. ખેતરોમાં વીજ કંપનીઓ દ્વારા મશીનોનો ઉપયોગ કરી ખાડાઓ ખોદવામાં આવે છે અને ભારે નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. આદેશ પ્રમાણે 720 કેવી લાઈનનું 67 મીટરના કોરીડોરમાં કામ કરવાનું છે તેના સ્થાને આખું ખેતર જાણે કંપનીનું માલિકીનું હોય તે પ્રમાણે કામગીરી અને દાદાગીરી અને વર્તન પોલીસને આગળ કરી કરવામાં આવતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે. કામગીરી મામલે પૂરતું વળતર ચૂકવવામાં આવે અને કોરીડોરમાં રહી કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કંપની અને પોલીસની જે દાદાગીરી છે તે બંધ કરવામાં આવે અને ખેડૂતો સાથે આંતકવાદી જેવું વર્તન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો.
કલેક્ટર રબબર સ્ટેમ્પ છે, રજુઆત કરવી નકામી - ગીતા પટેલ, કૉંગ્રેસ નેતા
કલેક્ટર કચેરીએ ખેડૂત નેતાઓ અને ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થયું હતું અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો હતો ત્યારે આ સંદર્ભે કોંગ્રેસ નેતા ગીતા પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સુરેન્દ્રનગરના કલેક્ટર રબર સ્ટેમ્પની મારફતે કામગીરી કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી, આગેવાનો દ્વારા પણ રજૂઆતો કરવામાં આવી પરંતુ તે સાંભળવામાં આવી ન હતી અને કલેક્ટર રબર સ્ટેમ્પની જેમ બેસી રહ્યા હતા. પ્રજાના પૈસા અને ટેક્સના પૈસે જે અધિકારીઓ પગાર થાય છે તે પ્રજાનું અને ખેડૂતોનું નથી વિચારતા તે પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, ખરેખર પ્રજા હેરાન થતી હોય અને ખેડૂતો હેરાન થતા હોય ત્યારે આવા અધિકારીઓ મુકપ્રેક્ષક તરીકે ની ભૂમિકા ગંભીર ગણી શકાય.
જેલમાં ગયેલ પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલે કંપની સાથે મોટો ખેલ પાડ્યો - પાલ આંબલિયા, ખેડૂત નેતા
ખેડૂત આગેવાન પાલ આંબલીયાએ જેલમાં ગયેલા પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલે કંપની સાથે મોટો ખેલ પાડ્યા હોવાનો આરોપ લગાવ્યો છે. ખાસ કરીને કોંઢ ગામની જમીનમાં જે થાંભલાઓ ઊભા કરવામાં આવી રહ્યા છે તે જમીન પિયત હોવા છતાં પણ દર્શાવવામાં આવી છે અને હુકમ કરવામાં આવ્યો હોય તેમાં પણ બિનપિયત જમીન પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ દ્વારા દેખાડવામાં આવી છે અને ભૂલ ભરેલો અને કંપનીને લાભ થાય તે પ્રકારના હુકમો કરવામાં આવ્યા છે જેને લઈ ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે આ અંગે નિર્ણય કરવામાં આવે ખેડૂતોને પૂરતું વળતર મળે અને કોરિડોરમાં રહી અને કંપની કામ કરે તેવી માંગ છે માંગ નહીં સંતોષાય તો ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે.
આ ઉપરાંત ખેડૂત નેતા કરસનબાપુ અને પીડિત ખેડૂત વિપુલભાઈ દ્વારા તંત્રની કાર્યવાહી સામે આક્ષેપ કરવામાં આવ્યા છે. તેમનું કહેવું છે કે, વીજ કંપનીઓને ઈશારે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યા છે અને તેમની મરજી વિરુદ્ધ તેમની જમીન પર અડ્ડો જમાવી ગેરકાયદેસર કામગિરી થઈ રહી છે. જો સરકાર આ દિશામાં યોગ્ય પગલાં નહીં લે તો આગામી દિવસોમાં મોટું આંદોલન કરવામાં આવશે.
આ પણ વાંચો:

