ETV Bharat / state

‘મહાદેવની કૃપાથી હેમખેમ પરત ફર્યા’, નેપાળ પૂરમાં માંડ માંડ બચ્યા વડોદરાના 34 યાત્રિકો

નેપાળમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે વડોદરાના 34 લોકો માંડ માંડ બચ્યા છે.

નેપાળ પૂરમાં માંડ માંડ બચ્યા વડોદરાના 34 યાત્રિકો
નેપાળ પૂરમાં માંડ માંડ બચ્યા વડોદરાના 34 યાત્રિકો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 27, 2026 at 5:55 PM IST

3 Min Read
Choose ETV Bharat

વડોદરા: નેપાળમાં ભારે વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે મોતનો આંકડો ધીમે ધીમે વધી રહ્યો છે. નેપાળ પૂરમાં ગુજરાતના પણ કેટલાક લોકો ફસાયા હોવાના સમાચાર છે. નેપાળમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે વડોદરાના 34 લોકો માંડ માંડ બચ્યા છે અને આ ઘટનાના થોડા સમય પહેલા જ તેઓ ત્યાંથી નીકળી ગયા હતા. જોકે, યાત્રા દરમિયાન મદદ કરનારા નેપાળ અને તિબેટના ગાઇડ તથા શેરપાઓ આ હોનારતમાં ગુમ થયા હોવાની જાણ થતાં યાત્રિકો હચમચી ગયા છે.

વડોદરાના 34 યાત્રિકો સુરક્ષિત પરત ફર્યા

વડોદરાથી કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા 34 યાત્રિકો કુદરતી હોનારતમાંથી માંડ માંડ બચીને સહીસલામત પરત ફર્યા છે. 9 ઓગસ્ટે વડોદરાથી ગયેલુ યાત્રિકોનું ગ્રુપ 18 દિવસની યાત્રા પૂર્ણ કરીને પરત ફર્યું છે. નેપાળ પૂરની પરિસ્થિતિની જાણ પરત ફર્યા બાદ તેમની આપવીતી સામે આવી છે.

નેપાળ પૂરમાં માંડ માંડ બચ્યા વડોદરાના 34 યાત્રિકો (ETV Bharat Gujarat)

યાત્રિક તુષાર ભટ્ટે ETV ભારતને જણાવ્યું હતું કે, તેઓ કૂલ 34 લોકોના ગ્રુપ સાથે યાત્રાએ ગયા હતા જેમાંથી ચાર લોકો મુક્તિનાથ દર્શન માટે પણ ગયા હતા. 12 ઓગસ્ટ અને 19 ઓગસ્ટે તિમુરે ચાઇનીઝ ઇમિગ્રેશન ચેક પોસ્ટ ક્રોસ કરીને કૈલાસ માનસરોવર યાત્રા પૂર્ણ કરી હતી. 19 ઓગસ્ટે દર્શન કરીને પરત આવ્યા બાદ મુક્તિનાથ અને પોખરાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ 25 ઓગસ્ટની રાત્રે તેઓ કાઠમાંડુ પહોંચ્યા હતા અને 26 ઓગસ્ટે સવારે 8 વાગ્યે કાઠમાંડુથી પરત આવવા નીકળ્યા હતા.

તુષાર ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે, ચાઇનીઝ સમય પ્રમાણે સવારે 10:30થી 11 વાગ્યાની આસપાસ જ્યારે તિમુરે વિસ્તારમાં આ ભયાનક ઘટના બની ત્યારે તેમનું ગ્રુપ ત્યાંથી નીકળી ગયું હતું. ટૂર ઓપરેટરને ઘટનાની જાણ થઇ હતી, પરંતુ યાત્રિકો ગભરાઇ ન જાય તે માટે તેમને તાત્કાલિક જાણ કરવામાં આવી નહોતી. દિલ્હી પહોંચ્યા બાદ તેમને સમગ્ર ઘટનાની ગંભીરતા અંગે જાણ થઇ હતી.

તિમુરે ઇમિગ્રેશન પોસ્ટ આસપાસ સામાન્ય રીતે 300થી 400 લોકોની અવરજવર રહેતી હોવાનું યાત્રિકોએ જણાવ્યું હતું. આ ઉપરાંત નેપાળી અને ચાઇનીઝ સ્ટાફ, કામદારો તથા રોજિંદા મુસાફરોની પણ મોટી સંખ્યામાં અવરજવર રહે છે. આવા ભારે અવરજવરવાળા વિસ્તારમાં જ હોનારત સર્જાતા મોટી જાનહાનિ થઈ હોવાનું યાત્રિકોએ જણાવ્યું હતું.

નેપાળ અને તિબેટના ગાઇડ ગુમ

સૌથી વધુ ભાવુક કરનારી વાત એ છે કે, યાત્રા દરમિયાન યાત્રિકોને મદદ કરનારા નેપાળ અને તિબેટના કેટલાક શેરપા અને ગાઇડ હવે ગુમ થયા હોવાનું સામે આવ્યું છે. તુષાર ભટ્ટે જણાવ્યું કે, આ લોકો યાત્રિકોની રહેવા-જમવાની અને મુસાફરીની વ્યવસ્થા સરળ બનાવતા હતા. મહાદેવની કૃપાથી પોતાના ગ્રુપના તમામ લોકો સુરક્ષિત પરત આવ્યા, પરંતુ મદદ કરનારા લોકો અંગેના સમાચારથી ભારે આઘાત લાગ્યો છે.

પરીતાબેન શુક્લાએ જણાવ્યું હતું કે, જે બિલ્ડિંગ પાસે ઊભા રહીને તેમણે સેલ્ફી અને ફોટા પડાવ્યા હતા, એ જ બિલ્ડિંગ પાછળથી પૂર આવ્યું અને આખી ઇમારત ધરાશાયી થઈ ગઈ હતી. એક તરફ નદી અને બીજી તરફ પહાડ હોવાથી લોકોને બચવા માટે પણ પૂરતી જગ્યા મળી નહોતી.

તેમણે વધુમાં જણાવ્યું કે, તેમની સાથે એક નેપાળી ગાઇડ પણ હતા, જે યાત્રા દરમિયાન સતત મદદ કરતા હતા. લેન્ડસ્લાઇડિંગ સમયે પણ તેમણે યાત્રિકોને સુરક્ષિત રીતે બીજી બસમાં બેસાડી આગળ મોકલ્યા હતા. આજે એ ગાઇડ તેમની વચ્ચે નથી રહ્યા, તે વાતનું દુઃખ યાત્રિકોએ વ્યક્ત કર્યું છે.

નેપાળની આ ભયાનક હોનારત વચ્ચે વડોદરાના 34 યાત્રિકોનો આબાદ બચાવ થયો છે. ઘટનાના થોડા સમય પહેલાં જ તિમુરે વિસ્તાર છોડવાને કારણે તેઓ મોટી દુર્ઘટનાનો ભોગ બનતા બચી ગયા. યાત્રિકો સહીસલામત વડોદરા પરત ફર્યા છે, પરંતુ તેમની આંખો સામેના દ્રશ્યો અને યાત્રા દરમિયાન મદદ કરનારા લોકો ગુમ થવાની ઘટનાએ તેમને અંદરથી હચમચાવી દીધા છે. યાત્રિકોએ મૃતકોની આત્માની શાંતિ અને લાપતા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાય તેવી પ્રાર્થના કરી છે.

આ પણ વાંચો: