અમરેલીમાં 'થર્ટી ફર્સ્ટ'ની ઉજવણી પર પોલીસનો સપાટો: ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને દારૂના 131થી વધુ કેસ દાખલ
પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 100 અને દારૂના 31 જેટલા કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Published : January 1, 2026 at 2:25 PM IST
અમરેલી: થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણીને લઈને અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નશાખોરો પર લગામ કસવા માટે પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના 100 અને દારૂના 31 જેટલા કેસ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
31 ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ અમરેલીમાં પ્રવેશતા તમામ મુખ્ય માર્ગો પર ૩૧ જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી હતી. ખાસ કરીને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દીવથી પરત ફરતા પ્રવાસીઓ અને નશાખોરોને ઝડપી પાડવા માટે પોલીસે રાતભર ચેકિંગ ચાલુ રાખ્યું હતું.
ASP કક્ષાના અધિકારીઓનું મોનિટરિંગ
આ સમગ્ર ઓપરેશનનું મોનિટરિંગ ASP કક્ષાના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. ASP જયવીર ગઢવી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોતે હાઈવે પર ઉતરીને ચેકિંગમાં જોડાયા હતા. અલગ-અલગ ટીમો બનાવીને વાહન ચાલકોનું બ્રેથ એનાલાઈઝર દ્વારા પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
વિવિધ તાલુકાઓમાં પોલીસની તવાઈ
અમરેલી જિલ્લાના રાજુલા, ખાંભા, ટીમ્બી અને સાવરકુંડલા સહિતના પોલીસ મથકોમાં નશાખોરો વિરુદ્ધ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. દીવ તરફથી નશો કરીને આવતા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી હતી અને સ્થળ પર જ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની આ કડક કાર્યવાહીને પગલે નશાખોરોમાં ફફડાટ ફેલાયો હતો, જ્યારે શાંતિપ્રિય નાગરિકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી.
છેલ્લા બે દિવસથી અમરેલી પોલીસ 31 ડિસેમ્બરના લોન લઈને એલર્ટ હતી અને ચાવંડ, સાવરકુંડલા, ટીંબી, ખાંભા, લાઠી, અમરેલી સહિતના ગામોમાં ચેકપોસ્ટો ગોઠવી હતી. જે ચેકપોસ્ટ પર નિયમિત ચેકિંગ થતું હતું અને રિંગ ડ્રાઈવ અહીં રોજ થતી હતી ત્યારે દીવ અમરેલીથી નજીક હોય અને ડ્રીંક કરીને અમરેલીમાં પ્રવેશતા લોકો પર પોલીસની તવાઈ હતી અને 131 લોકો પર કુલ દારૂના કેસ અમરેલી પોલીસ દ્વારા કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:
- સુરેન્દ્રનગર જિલ્લામાં ભરશિયાળે માવઠાથી જીરાના પાકમાં સુકારો, ખેડૂતો પર ચિંતાના વાદળ છવાયા
- દમણમાં નવા વર્ષની ધમાકેદાર ઉજવણી, 2026નું કર્યુ ભવ્ય સ્વાગત, શહેરમાં માનવ કિડયારૂ ઉભરાયું
- થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણીને લઈને દમણ ‘હાઉસફુલ’, પોર્ટુગીઝ નગરીને દુલ્હનની જેમ શણગારાઈ
- થર્ટી ફર્સ્ટને લઈ ગીર સોમનાથ પોલીસ એક્શન મોડમાં, દીવ સરહદ સહિત સમગ્ર જિલ્લામાં ચુસ્ત બંદોબસ્ત

