રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 130મી જન્મજયંતી, જૂનાગઢ સાથે તેમનો શું હતો ખાસ નાતો? જાણો...
જૂનાગઢમાં અભ્યાસ દરમિયાન મેઘાણી દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થી ભવનમાં રોકાયા હતા અને આજે પણ ત્યાંના રજિસ્ટરમાં 33મા ક્રમે તેમનું નામ સચવાયેલું છે.

Published : August 27, 2026 at 6:20 PM IST
જૂનાગઢ: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આજે 130મી જન્મજયંતી મનાવવામાં આવી રહી છે. વર્ષ 1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક અઘોરવાસમાં આવેલી પોલીસ કોલોનીમાં ફોજદાર કાળીદાસ મેઘાણીના ઘરે ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો.
55 વર્ષની આયુમાં સાહિત્યથી લઈને કવિતા અને શૌર્ય તેમજ દેશપ્રેમના ગીતોથી આઝાદીની લડાઈમાં યુવાનોને જોમ પૂરું પાડનાર ઝવેરચંદ મેઘાણી ખાસ સંસ્કૃતના અભ્યાસ માટે જૂનાગઢની સૌથી પ્રાચીન બહાઉદ્દીન કૉલેજમાં સંસ્કૃતના શિક્ષણ માટે આવ્યા હતા અને અહીં દશા શ્રીમાળી વિદ્યાર્થી ભવનમાં રોકાયા હતા. ઝવેરચંદ મેઘાણીની સાહિત્યની સાથે દેશપ્રેમની સફર 09 માર્ચ 1947ના દિવસે બોટાદમાં વિરામ લીધો અને મેઘાણી અનંતની વાટે ચાલ્યા ગયા. ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી પર તેમના જીવન સાથે જોડાયેલી અનેક જાણી-અજાણી ઘટનાઓ સામે આવી છે.
ઝવેરચંદ મેઘાણીની 130મી જન્મજયંતી
જેમને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા રાષ્ટ્રીય શાયરનું ઉપનામ આપવામાં આવ્યું હતું, તેવા લેખક, સાહિત્યકાર, પત્રકાર, વિવેચક, કવિ અને શૌર્યગીતોના રચયિતા ઝવેરચંદ મેઘાણીની આજે 130મી જન્મજયંતી મનાવવામાં આવી રહી છે.
1896માં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામમાં આવેલ અઘોરવાસના પોલીસ હેડ ક્વાર્ટરમાં તેમનો જન્મ થયો હતો. બ્રિટિશ કાળમાં પોલીસમાં ફોજદાર તરીકે કામ કરતા કાળીદાસ મેઘાણી અને ધોળીબેન મેઘાણીના ઘરે તેમનો જન્મ થયો હતો. સાહિત્યકાર, લેખક, પત્રકાર અને દેશપ્રેમી સાથે શૌર્યગીતોના રચયિતા ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનું અવસાન 9મી માર્ચ 1947ના દિવસે બોટાદમાં થયું હતું.

ઝવેરચંદ મેઘાણીનો જૂનાગઢમાં અભ્યાસ
ઝવેરચંદ મેઘાણીના શૈક્ષણિક કાર્યની શરૂઆત અમરેલીની સરકારી હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યા બાદ થઈ હતી. 1913માં તેઓ ભાવનગરની શામળદાસ કોલેજમાં અંગ્રેજી અને સંસ્કૃત વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સના વિદ્યાર્થી તરીકે જોડાયા હતા.
આ સમયે ગુજરાતની ત્રીજા નંબરની સૌથી શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના સંસ્કૃત વિષયના વિદ્વાન અધ્યાપક પ્રો. મહાદેવ મલ્હાર જોશી પાસે સંસ્કૃતનું શિક્ષણ મેળવવા માટે તેઓ જૂનાગઢ આવ્યા હતા. મેઘાણીના જૂનાગઢ અભ્યાસની સાથે તેમના સહપાઠી તરીકે ધૂમકેતુએ પણ મેઘાણી સાથે શિક્ષણ મેળવ્યું હતું.
બહાઉદ્દીન કોલેજમાં શિક્ષણ મેળવવાની સાથે જૂનાગઢમાં આવેલી દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થી ભવનમાં તેઓ રોકાયા હતા. 100 વર્ષ પૂર્વેની આ ઘટનાની આજે પણ સાક્ષી દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થી ભવનના રજિસ્ટરમાં નોંધાયેલી છે, જેમાં 33મા ક્રમના વિદ્યાર્થી તરીકે ઝવેરચંદ મેઘાણીનું નામ આજે પણ સચવાયેલું જોવા મળે છે.

ઝવેરચંદ મેઘાણીની સાહિત્ય સફર
રાષ્ટ્રીય શાયરનું ઉપનામ ધરાવતા ઝવેરચંદ કાળીદાસ મેઘાણીએ કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવનચરિત્ર, ઇતિહાસ, જીવનવર્ણન, લોકકથા, લોકગીતો, લોકસાહિત્ય સંશોધનો અને વિવેચનની સાથે શૌર્ય અને દેશપ્રેમના ગીતો જેવા 25 વર્ષમાં 100 જેટલા પુસ્તકો પણ લખ્યા હતા. ગુલામી કાળમાં યુવાનોમાં દેશપ્રેમ અને શૌર્ય જગાવનાર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો પર બ્રિટિશ સરકારે પ્રતિબંધ લગાવીને તેમને કારાવાસમાં પણ ધકેલી દીધા હતા.
ઝવેરચંદ મેઘાણીનું અન્ય સાહિત્ય
ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટિયા, સોરઠ તારા વહેતા પાણી, રા' ગંગાજળિયો, સોરઠી સંતો, પુરાતન જ્યોત જેવા પુસ્તકોની રચના પણ કરી હતી, જેમાં કેન્દ્ર સ્થાને જૂનાગઢ જોવા મળતું હતું.
બહાઉદ્દીન વિનયન કોલેજના પ્રિન્સિપાલ ડૉ. જે. આર. વાંઝા, ગુજરાતી વિષયના અધ્યાપક હરીશ વરુ, ગુજરાતી ભાષામાં શિક્ષણ મેળવનાર દેવલ કટારા અને દશા શ્રીમાળી વણિક વિદ્યાર્થી ભવનના મંત્રી વી. એસ. દામાણીએ ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતી નિમિત્તે તેમને ખૂબ જ ગર્વ સાથે યાદ કરીને ભારતના અને વર્તમાન જગતના સૌથી શ્રેષ્ઠ એવા સાહિત્યકાર અને વ્યક્તિ તેમની સંસ્થામાં અભ્યાસ કરવા માટે આવ્યા હતા, તેનો ગર્વ સાથે સ્વીકાર કરીને ઝવેરચંદ મેઘાણીને તેમની જન્મજયંતી નિમિત્તે વિશેષ યાદ કર્યા હતા.
આ પણ વાંચો...

