પાકિસ્તાનની જેલમાં ગુજરાતના 128 માછીમારો બંધ, બે વર્ષમાં 3નાં મોત થયા; સરકારે આપ્યો જવાબ
ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં પાકિસ્તાનની જેલમાં બંધ ગુજરાતના માછીમારોને લઇને સવાલ પૂછ્યો હતો.

Published : February 20, 2026 at 3:56 PM IST
ગાંધીનગર: પાકિસ્તાનની જેલમાં 20 જાન્યુઆરી 2026 સુધી ગુજરાતના કુલ 128 માછીમારો કેદ હોવાની માહિતી સામે આવી છે. આ ચિંતાજનક અંગે રાજ્ય સરકાર દ્વારા વિધાનસભામાં સત્તાવાર જવાબ આપવામાં આવ્યો છે.
આ મુદ્દો ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં ઉઠાવતા પાકિસ્તાન જેલમાં બંધ ભારતીય, ખાસ કરીને ગુજરાતના માછીમારોની સ્થિતિ અંગે પ્રશ્ન કર્યો હતો, તેના જવાબમાં રાજ્યના મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ આંકડા રજૂ કર્યા છે.
પાકિસ્તાનની જેલમાં છેલ્લા બે વર્ષમાં 3 માછીમારના મોત
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, 21 જાન્યુઆરી 2024થી 20 જાન્યુઆરી 2025 દરમિયાન પાકિસ્તાન જેલમાં બંધ બે ગુજરાતી માછીમારોના મોત થયા હતા ત્યારબાદ 21 જાન્યુઆરી 2025થી 20 જાન્યુઆરી 2026 દરમિયાન વધુ એક માછીમારનું મોત નોંધાયું છે. આમ, છેલ્લા બે વર્ષમાં કુલ ત્રણ માછીમારોના મૃત્યુ થયા હોવાનું સ્પષ્ટ થયું છે.
અરબી સમુદ્ર વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક માછીમારી દરમિયાન અનેકવાર માછીમારો અજાણતા સરહદ પાર કરી જાય છે, જેના કારણે પાકિસ્તાન મેરિટાઇમ સિક્યુરિટી એજન્સી દ્વારા તેઓને ઝડપી લેવામાં આવે છે. કાનૂની કાર્યવાહી અને રાજદ્વારી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ તેમની વતન વાપસી શક્ય બને છે, જેના કારણે ઘણા માછીમારો લાંબા સમય સુધી જેલમાં રહેવા મજબૂર બને છે.
રાજ્ય સરકારે જણાવ્યું કે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલય સાથે સતત સંકલન રાખીને કેદ માછીમારોની વહેલી તકે મુક્તિ માટે પ્રયાસ કરવામાં આવે છે. સમયાંતરે બંને દેશો વચ્ચે માનવતાના આધારે કેદીઓની યાદી વહેંચવામાં આવે છે અને છોડાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.
પરંતુ સતત મોતની ઘટનાઓ અને વધતી સંખ્યા રાજ્ય માટે ચિંતાનો વિષય બની છે. માછીમાર પરિવારોમાં ભય અને અનિશ્ચિતતા યથાવત છે. હવે પ્રશ્ન એ છે કે સરહદે સુરક્ષા વ્યવસ્થા અને જાગૃતિ માટે કયા વધારાના પગલાં લેવામાં આવશે? ગુજરાતના દરિયાકાંઠે વસતા હજારો પરિવારો માટે આ માત્ર આંકડા નથી, પરંતુ જીવન-મરણનો પ્રશ્ન છે. સરકારના પ્રયત્નો છતાં, પાકિસ્તાન જેલમાં બંધ 128 માછીમારોની વતન વાપસી ક્યારે થશે — તે પ્રશ્ન હજુ અનઉત્તરિત છે.
આ પણ વાંચો:

