ETV Bharat / state

વડોદરામાં 15 વર્ષથી ડિગ્રી વગર દવાખાનું ચલાવતો 10 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો

કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર 15 વર્ષથી દર્દીઓની એલોપેથી સારવાર કરતો હતો

કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર 15 વર્ષથી દર્દીઓની એલોપેથી સારવાર કરતો હતો
કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર 15 વર્ષથી દર્દીઓની એલોપેથી સારવાર કરતો હતો (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : August 26, 2026 at 4:20 PM IST

2 Min Read
Choose ETV Bharat

વડોદરા: અકોટા વિસ્તારમાં ડિગ્રી વગર 15 વર્ષથી દર્દીઓની સારવાર કરતા બોગસ ડૉક્ટરને LCB ઝોન-2ની ટીમે ઝડપી પાડ્યો છે. માત્ર ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો આરોપી કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર એલોપેથી દવાઓ આપી દર્દીઓની સારવાર કરતો હતો. પોલીસે ક્લિનિકમાંથી સીરપ, ઇન્જેક્શન અને વિવિધ દવાઓ સહિત રૂપિયા 1.19 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

LCB ઝોન-2ની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અકોટા ગામ ગાર્ડન સામે આવેલી ક્લિનિકમાં બી. હાલદાર નામનો ઈસમ કોઈ માન્ય મેડિકલ ડિગ્રી વગર દર્દીઓને એલોપેથી દવાઓ આપી સારવાર કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે ક્લિનિક પર કાર્યવાહી કરતા બિસ્વજીત પ્રફુલ્લા હાલદાર નામનો 45 વર્ષીય ઈસમ મળી આવ્યો હતો. આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે અને તેણે માત્ર ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તે કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાયકાત વગર તે દર્દીઓની સારવાર કરતો હોવાનું જાણવા મળ્યું છે.

કોઈ માન્ય મેડિકલ ડિગ્રી કે લાઇસન્સ વગર 15 વર્ષથી દર્દીઓની એલોપેથી સારવાર કરતો હતો (ETV Bharat Gujarat)

પોલીસે ક્લિનિકમાંથી સીરપ, ઈન્જેક્શન, દવાઓના પત્તા, ટ્યુબ, ORS, કેપ્સુલ સહિત વિવિધ મેડિકલ સામગ્રીનો જથ્થો કબજે કર્યો છે. જપ્ત કરવામાં આવેલા સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,19,849 આંકવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી છેલ્લા 15 વર્ષથી અકોટા વિસ્તારમાં પ્રોમિલા ક્લિનિકના નામે દવાખાનું ચલાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. હવે આટલા લાંબા સમયથી તે કઈ રીતે અને કોની દેખરેખ હેઠળ દર્દીઓની સારવાર કરતો હતો તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.

બોગસ તબીબો દ્વારા યોગ્ય તબીબી લાયકાત વગર દર્દીઓને દવાઓ આપવાથી ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આરોપી દ્વારા કેટલા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી તેમજ તેની પ્રવૃત્તિ અંગે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઈ છે...
આ મામલે અકોટા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 125 તેમજ ગુજરાત મેડિકલ પ્રેક્ટિશનર એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે... LCBની કાર્યવાહી બાદ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો: