ETV Bharat / state

ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાયા નહીં, તેથી તેમને કાયદાકીય રીતે હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો: ગોપાલ ઈટાલિયા

author img

By ETV Bharat Gujarati Team

Published : July 3, 2026 at 6:58 PM IST

1 Min Read
Choose ETV Bharat

નર્મદા: નર્મદાના ધારાસભ્ય ચૈતર વસાવાના કેસને લઈને રાજકીય માહોલ ફરી ગરમાયો છે. આપના નેતા ગોપાલ ઇટાલિયાએ ભાજપ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા છે, જ્યારે સાંસદ મનસુખ વસાવાએ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે. ચૈતર વસાવા અને અન્ય આઠ આરોપીઓને સાત વર્ષની સજા મળ્યા બાદ સમગ્ર મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ દરમિયાન ચૈતર વસાવાની બહેન શકુંતલા વસાવાને, જેઓ 18 દિવસના બાળક સાથે જેલમાં હતા, અમદાવાદ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે.

AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવાને ચૂંટણીમાં હરાવી શકાયા નહીં, તેથી તેમને કાયદાકીય રીતે હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમણે દાવો કર્યો કે હાઈકોર્ટમાં સરકારી વકીલના નિવેદનથી સરકારની ભૂમિકા અંગે સવાલો ઊભા થયા છે. ઇટાલિયાના કહેવા મુજબ, ચૈતર વસાવા અને તેમના સાથીઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવ્યા છે અને આ સમગ્ર કાર્યવાહી આદિવાસી સમાજના નેતૃત્વને દબાવવાનો પ્રયાસ છે. તેમણે સાંસદ મનસુખ વસાવાને પણ અપીલ કરી કે, જો તેઓ ખરેખર આદિવાસી સમાજની ચિંતા કરતા હોય તો ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે પ્રયાસ કરે.

ગોપાલ ઇટાલિયાના ભાજપ સરકાર પર ગંભીર આરોપો (ETV Bharat Gujarat)

બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ તમામ આરોપોને ફગાવ્યા છે. તેમણે કહ્યું કે, ચૈતર વસાવા સામેના કેસો વ્યક્તિગત ફરિયાદોના આધારે નોંધાયા હતા અને તેમાં સરકાર કે ભાજપનું કોઈ ષડયંત્ર નથી. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, શકુંતલા વસાવા ગર્ભવતી હોવાની માહિતી ટ્રાયલ દરમિયાન કોર્ટ સમક્ષ યોગ્ય રીતે રજૂ કરવામાં આવી નહોતી. બાદમાં આ બાબત ધ્યાને આવતા હાઈકોર્ટે તેમને જામીન આપ્યા. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, હવે સમગ્ર મામલાને રાજકીય રંગ આપીને ભાજપને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

મનસુખ વસાવાએ આરોપો ફગાવ્યા (ETV Bharat Gujarat)

ચૈતર વસાવા કેસને લઈને આપ અને ભાજપ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે. એક તરફ રાજકીય ષડયંત્રના આરોપો છે, તો બીજી તરફ ભાજપ તેને સંપૂર્ણપણે નકારી રહી છે. હવે આ સમગ્ર મામલે સૌની નજર અદાલતી પ્રક્રિયા અને આગામી કાનૂની કાર્યવાહી પર રહેશે.

આ પણ વાંચો:

  1. આપ MLA ચૈતર વસાવા પરિવાર હાઇકોર્ટની શરણે, શકુંતલા વસાવાએ સજા સામે કરી અપીલ
  2. સુરતમાં વરસાદી આફત: માત્ર 3 દિવસમાં જ 24 સ્થળે રસ્તા બેસી ગયા, તંત્ર દ્વારા એજન્સીઓને નોટિસ