ETV Bharat / sports

વડોદરાના ક્રિકેટ રસિકો માટે મોટી ખુશખબર! કોટંબી સ્ટેડિયમમાં રમાશે મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની મેચો

વડોદરાના ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. ICC મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027 ભારત હોસ્ટ કરશે.

સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌર
સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌર (IANS)
author img

By ETV Bharat Sports Team

Published : September 3, 2026 at 2:04 PM IST

2 Min Read
Choose ETV Bharat

વડોદરા: વડોદરાના ક્રિકેટ રસિકો માટે મોટી ખુશખબર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ એટલે કે ICCએ મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027ના નવા યજમાન તરીકે ભારતની પસંદગી કરી છે. ટુર્નામેન્ટનું આયોજન 14થી 28 ફેબ્રુઆરી 2027 દરમિયાન કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટની મેચો માટે વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમને પણ યજમાની મળી છે.

ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ભારતના બે શહેરોમાં

ICC દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન ભારતના બે શહેરોમાં કરવામાં આવશે. જેમાં વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ઉપરાંત મુંબઈના ક્રિકેટ ક્લબ ઓફ ઇન્ડિયા ખાતે પણ મેચો રમાશે. આ નિર્ણયથી વડોદરાને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટના મોટા આયોજન સાથે જોડાવાની વધુ એક તક મળી છે.

કોટંબી સ્ટેડિયમમાં રમાશે મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027ની મેચો (Etv Bharat Gujarat)

ચેમ્પિયન્સ ટ્રોફી કુલ 6 ટીમો ભાગ લેશે

મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફી 2027માં કુલ 6 ટીમો ભાગ લેશે. તેમાં યજમાન ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાની ટીમનો સમાવેશ થાય છે. ટુર્નામેન્ટ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાશે. એટલે કે લીગ તબક્કામાં ભાગ લેનારી ટીમો વચ્ચે મુકાબલા યોજાશે અને પોઈન્ટ ટેબલના આધારે આગળની સ્થિતિ નક્કી થશે. લીગ તબક્કા બાદ પોઈન્ટ ટેબલની ટોચની બે ટીમો વચ્ચે ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે.

ICC દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી

અગાઉ શ્રીલંકાને આ ટુર્નામેન્ટના યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. જોકે, સરકારી હસ્તક્ષેપને કારણે શ્રીલંકા પાસેથી યજમાની છીનવાયા બાદ વ્યસ્ત સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેલેન્ડર વચ્ચે ભારતને નવા યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ICC દ્વારા હવે ભારત ખાતે ટુર્નામેન્ટ યોજવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.

ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહનો માહોલ

વડોદરામાં કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આંતરરાષ્ટ્રીય સ્તરની મેચો યોજાવાની સાથે સ્થાનિક ક્રિકેટ રસિકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને મહિલા ક્રિકેટને લઈને શહેરમાં રસ વધવાની સાથે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને નજીકથી રમતા જોવાની તક વડોદરાના ક્રિકેટ ચાહકોને મળશે.
આ ઉપરાંત, વડોદરાના કોટંબી સ્ટેડિયમ માટે આગામી સમયગાળો આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દૃષ્ટિએ મહત્વનો રહેવાનો છે.

ભારત-ઝિમ્બાબ્વે મેચ પણ વડોદરામાં રમાશે

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા ઝિમ્બાબ્વે મહિલા ટીમના ભારત પ્રવાસનું શેડ્યૂલ અગાઉ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની ત્રણેય વન-ડે મેચો 23થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.

એકતરફ ઓક્ટોબર 2026માં ભારત અને ઝિમ્બાબ્વે મહિલા ટીમ વચ્ચેની વન-ડે સિરીઝની ત્રણ મેચો વડોદરામાં રમાશે, તો બીજી તરફ ફેબ્રુઆરી 2027માં મહિલા T20 ચેમ્પિયન્સ ટ્રોફીની મેચોની પણ યજમાની વડોદરાને મળી છે. જેના પગલે કોટંબી ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ આગામી સમયમાં મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના મહત્વના કેન્દ્ર તરીકે વધુ એક વખત ચર્ચામાં રહેશે.

આ પણ વાંચો:

  1. ICC ની મોટી જાહેરાત: મહિલા ચેમ્પિયન્સ ટ્રોફી ભારત કરશે હોસ્ટ, વડોદરા અને મુંબઈમાં રમાશે મેચો
  2. તિલક વર્માની ટીમની ફાઈનલમાં એન્ટ્રી, ઇશાન કિશન અને વૈભવ સૂર્યવંશીની ટીમ સાથે થશે ટાઇટલ માટે ટક્કર