ચોરવાડથી વેરાવળ સુધી અરબી સમુદ્રમાં, 35મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ
વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યુવાનોમાં સાહસ, શિસ્ત અને દેશપ્રેમની ભાવનાને પ્રેરણા આપતી અનોખી રમતોત્સવ તરીકે ઓળખાઈ રહી છે.

Published : February 25, 2026 at 3:21 PM IST
ગીર સોમનાથ: જિલ્લામાં ચોરવાડથી વેરાવળ સુધી અરબી સમુદ્રમાં 35 મી વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્ર તરણ સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ થયો છે. રાષ્ટ્રીય કક્ષાની આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલા તરવૈયાઓએ સાહસ અને શારીરિક ક્ષમતાનું દમદાર પ્રદર્શન કર્યું છે. વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યુવાનોમાં સાહસ, શિસ્ત અને દેશપ્રેમની ભાવનાને પ્રેરણા આપતી અનોખી રમતોત્સવ તરીકે ઓળખાઈ રહી છે.
રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલી આ સ્પર્ધામાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને પશ્ચિમ બંગાળના કુલ 25 સ્પર્ધકોએ ભાગ લીધો છે. જેમાં 18 ભાઈઓ અને 07 બહેનોનો સમાવેશ થાય છે. ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ સુધી 21 નોટિકલ માઈલ અને બહેનો માટે આદ્રીથી વેરાવળ સુધી 16 નોટિકલ માઈલનું અંતર નક્કી કરવામાં આવ્યું છે.
વહેલી સવારે જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછારે આદ્રી બીચ પરથી બહેનોની સ્પર્ધાને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો, જ્યારે ચોરવાડ ખાતે અધિકારીઓની ઉપસ્થિતિમાં ભાઈઓએ સમુદ્રમાં ઝંપલાવ્યું હતું. 18 ભાઈઓ અને 07 બહેનો સમુદ્રની ઉછળતી લહેરો સામે બાથ ભીડી પોતાના આત્મવિશ્વાસ અને તૈયારીનો પરિચય આપી રહ્યા છે.

સ્પર્ધકોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરેક તરવૈયા સાથે એક ફિશિંગ બોટ તૈનાત રાખવામાં આવી છે, જેમાં લાઈફ સેવિયર, મેનેજર અને જરૂરી સુરક્ષા સાધનો સાથે ટીમ સતત નજર રાખી રહી છે. સમુદ્રની અનિશ્ચિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય અને બચાવ વ્યવસ્થા પણ સજ્જ રાખવામાં આવી છે.


સ્પર્ધામાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને સરકાર તરફથી પ્રમાણપત્ર, નિવાસ, ભોજન અને પ્રવાસ ખર્ચની સુવિધા આપવામાં આવે છે. ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે દસ દિવસીય તરણ શિબિરનું આયોજન પણ કરવામાં આવે છે, જેના માધ્યમથી ખેલાડીઓને પ્રોત્સાહન અને તાલીમ મળે છે.
આ પણ વાંચોઃ

