2036 ઓલમ્પિકની તૈયારી કરતા જુનાગઢના સિદી આદિવાસી ખેલાડી, સ્પોર્ટ્સ ટ્રેનરની ETV ભારત સાથે એક્સક્લુઝિવ વાતચીત
સીદી આદિવાસી સ્પોર્ટ્સ ટ્રેનર શહેનાઝ લોબી એ ETV ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીત કરી હતી.

Published : January 4, 2026 at 8:57 PM IST
|Updated : January 5, 2026 at 8:56 PM IST
જુનાગઢ: શારીરિક રીતે ખડતલ બાંધો અને ઊંચી કદ કાઠી, સીદી આદિવાસી સમાજની વિશેષ ઓળખ વિશ્વમાં છવાયેલી છે. રમત-ગમતના કોઈ ક્ષેત્રમાં સીદી ખેલાડીઓએ પોતાનો દબદબો સ્થાપિત ન કર્યો હોય તેવી ઘટના શોધવી મુશ્કેલ છે, ત્યારે જુનાગઢમાં પણ નવાબના સમયથી આવીને વસેલા સીદી આદિવાસી યુવાન ખેલાડીઓ વર્ષ 2036 ના ઓલમ્પિકને લઈને વિશેષ તાલીમ મેળવી રહ્યા છે. સીદી આદિવાસી સ્પોર્ટ્સ ટ્રેનર શહેનાઝ લોબી તાલીમ આપીને 2036 ના ઓલમ્પિકમાં સીદી ખેલાડી ભારતનું પ્રતિનિધિત્વ કરે તે દિશામાં કામ કરી રહી છે.
2036 ઓલમ્પિકની તૈયારી
વર્ષ 2036 ના ઓલમ્પિક રમતોત્સવમાં ભારત તરફથી ગુજરાતના સીદી આદિવાસી ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ કરે તે પ્રકારના હકારાત્મક દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવાબના સમયમાં આજથી 150 વર્ષ પૂર્વે સિંહ અને ગિરનાર જંગલની રક્ષા અને મજૂરી કામ માટે ખાસ આફ્રિકાથી સીદી આદિવાસીઓને જુનાગઢ રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. આજે એક સદી કરતા પણ વધારે સમયથી જુનાગઢ અને સોરઠ વિસ્તારમાં જોવા મળતા સીદી આદિવાસીઓ આજે રમતગમતના ક્ષેત્રમાં પણ ખૂબ સારું પ્રદર્શન કરવા માટે આગળ આવી રહ્યા છે.
સીદ્દી સ્પોર્ટ્સ ટ્રેનર આપી રહી છે તાલીમ
સિદ્દિ આદિવાસી શારીરિક ખડતલ બાંધો અને ઊંચી કદ કાઠી ધરાવતી વિશ્વની સૌથી ખડતલ માનવજાત છે, જેને લઇને તેઓ રમતગમતના મેદાનમાં પોતાનો વિશેષ દબદબો અને ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે. સોરઠ પંથકના આદિવાસી યુવાન બાળકો કે જે આવનારા સમયમાં ખૂબ સારા રમત-ગમતના ખેલાડી બની શકે તે માટે સ્વયંમ રાષ્ટ્રીય ખેલાડી રહી ચૂકેલી અને હાલ સીદ્દી સમાજમાંથી આવતી શહેનાજ લોબી સીદ્દી આદિવાસી બાળકોને રમત-ગમતની એબીસીડી શીખવાડી રહી છે. પોતે શાળા કક્ષાએથી રમત-ગમતની શરૂઆત કરીને રાષ્ટ્રીય પદ્ક જીતી ચૂકી છે, ત્યારે સીદી બાળકોમાં રહેલી ખૂબીઓને ખૂબ નજીકથી જાણીને હવે 2036 માં આયોજિત થનારા ઓલમ્પિક માટે સીદી ખેલાડીઓને તૈયાર કરવા કમર કસી રહી છે.



શહેનાજ લોબીની ETV ભારત સાથે વાતચીત
હાલ સ્પોટ્સ ટ્રેનર તરીકે કામ કરી રહેલી સીદી મહિલા ટ્રેનર શહેનાજ લોબી એ ETV ભારત સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીત માં તેમણે જણાવ્યું હતું કે, તેઓ સ્વયમ નવમા ધોરણથી રમતગમત સાથે ડી.એલ.એસ.એસ સ્કૂલમાં જોડાઈ હતી. સીદ્દી આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો ભણતરની સામે રમતગમત ને સૌથી વધારે પ્રાધાન્ય આપે છે જેથી તેમણે રમત ગમતને પસંદ કર્યું અને ડી એલ એસ એસ સ્કૂલમાં તાલીમ લીધા બાદ છત્તીસગઢમાં આયોજિત રાષ્ટ્રીય એથલેટીક્સ સ્પર્ધામાં ગોળા ફેક જેવી રમતમાં રજત પદક મેળવીને સીદી સમાજને માન સન્માન અપાવવાનું કાર્ય શરૂ કર્યું હતું.



રાષ્ટ્રીય મેડલ જીત્યા બાદ શહેનાજ લોબી સ્પોર્ટ્સ ટ્રેનરની તાલીમ મેળવીને આજે તેની માફક જ સીદી સમાજના અન્ય યુવાન બાળકો કે જે સારા ખેલાડી બનવાની તમામ ક્ષમતા રાખે છે તેને તાલીમ આપી રહી છે. હાલ તેની પાસે 40 જેટલા કુમાર અને કન્યાઓ સીદી સમાજના તાલીમ મેળવી રહ્યા છે તેની પાછળ વર્ષ 2036માં આયોજિત ઓલમ્પિકમાં સીદી સમાજના ખેલાડી ભારત તરફથી મેડલ પ્રાપ્ત કરે તે દિશામાં તૈયારીઓ કરી રહ્યા છે.


યુવાન ખેલાડીઓએ પણ કરી વાત
શહેનાજ લોબી પાસે તાલીમ મેળવી રહેલા મજગુલ નાફીસા અને મજગુલ રોનક આ બંને ખેલાડીઓ 30 અને 50 મીટર દોડમાં જિલ્લા કક્ષાએ આયોજિત ખેલ મહાકુંભમાં બીજા અને ત્રીજા ક્રમે રહ્યા છે આ બંને ખેલાડીઓ હાલ 30 અને 50 મીટરની દોડમાં વિશેષ તાલીમ મેળવી રહ્યા છે. આ બંને ખેલાડીઓએ ETV ભારત સાથે કરેલી તેમની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે, તેઓ આગામી 2036 ના ઓલમ્પિકને ધ્યાને રાખીને તૈયારી કરી રહ્યા છે અને ભારત તરફથી એથ્લેટિક્સ જેવા રમતગમતમાં પણ સારો દેખાવ કરીને ભારતને પદક અપાવીને સોરઠનું નામ ઉજવળ થાય તે માટે ખાસ તાલીમ મેળવી રહ્યા છે.
આ પણ વાંચો:

