ETV Bharat / sports

સુરતની 12 વર્ષીય માન્યા દ્રોલિયાએ શ્રીલંકામાં રચ્યો ઇતિહાસ, કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ

એક જ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ત્રણેય રંગના મેડલ જીતનારી તે દેશની અગ્રણી ખેલાડી બની ગઈ છે.

માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ
માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : June 1, 2026 at 2:01 PM IST

|

Updated : June 1, 2026 at 3:10 PM IST

3 Min Read
Choose ETV Bharat

સુરત: શ્રીલંકા ખાતે રમાઈ રહેલી પ્રતિષ્ઠિત 'કોમનવેલ્થ ચેસ ગેમ્સ 2026' માં ભારતીય ચેસ ખેલાડી અને સુરતની દીકરી માન્યા અભિષેક દ્રોલિયાએ શાનદાર પ્રદર્શન કરીને વૈશ્વિક મંચ પર દેશ અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. માન્યાએ અસાધારણ બુદ્ધિચાતુર્ય અને રમત કૌશલ્યનો પરિચય આપતા ત્રણ અલગ-અલગ ફોર્મેટમાં કુલ 3 મેડલ પોતાના નામે કરીને નવો ઇતિહાસ રચ્યો છે. તેણે ક્લાસિકલ ફોર્મેટમાં ગોલ્ડ, બ્લિટ્ઝ ફોર્મેટમાં સિલ્વર અને રેપિડ ફોર્મેટમાં બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એક જ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ત્રણેય રંગના મેડલ જીતનારી તે દેશની અગ્રણી ખેલાડી બની ગઈ છે.

ગોલ્ડ મેડલ સુધીની સફર અત્યંત રોમાંચક રહી

હાલ સુરતના વેસુ વિસ્તારમાં રહેતી અને 7મા ધોરણમાં અભ્યાસ કરતી 12 વર્ષીય માન્યા માટે ક્લાસિકલ ફોર્મેટમાં ગોલ્ડ મેડલ સુધીની સફર અત્યંત રોમાંચક રહી હતી. ટૂર્નામેન્ટના 8મા રાઉન્ડમાં માન્યાનો સામનો ભારતની જ મજબૂત પ્રતિસ્પર્ધી અને 1909 રેટિંગ ધરાવતી WCM (વુમન કેન્ડીડેટ માસ્ટર) પૂજા શ્રી સામે થયો હતો, જેમાં માન્યાએ શાનદાર વિજય મેળવ્યો હતો. ત્યારબાદ, છેલ્લા અને નિર્ણાયક રાઉન્ડમાં ભારે દબાણ વચ્ચે અદભુત રમત બતાવીને માન્યાએ શ્રીલંકાની 1758 રેટિંગ ધરાવતી ગોમેઝ વેનીશા ઓશિનીને માત આપીને ભારત માટે ગોલ્ડ મેડલ પાકો કર્યો હતો. આ સિવાય, ત્રીજા રાઉન્ડમાં પણ તેણે 1899 રેટિંગ ધરાવતી દિગ્ગજ WCM હલાંગોડા સાયુમી સિથુમિલાને પરાજય આપ્યો હતો.

માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ (Etv Bharat Gujarat)

શ્રેષ્ઠ અને આક્રમક ચેસ રમવાને કારણે માન્યાને ક્લાસિકલ ફોર્મેટમાં અધધધ 141 રેટિંગ પોઈન્ટ્સનો ધરખમ ફાયદો થયો છે, જે ચેસની દુનિયામાં ખૂબ મોટી ઉપલબ્ધિ માનવામાં આવે છે. પોતાની રણનીતિ વિશે માન્યાએ જણાવ્યું કે, "અમે અલગ-અલગ ઓપનિંગ્સ રમી, જેનાથી વિરોધી ખેલાડીઓ સરપ્રાઈઝ થઈ ગયા અને મિડલ ગેમ્સમાં અમે રમત પર મજબૂત પકડ બનાવી લીધી હતી."

માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ
માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ (Etv Bharat Gujarat)

મોટી બહેનને જોઈને ચેસ રમવાની શરૂઆત કરી

સાડા સાત વર્ષની ઉંમરે પોતાની મોટી બહેનને જોઈને ચેસ રમવાની શરૂઆત કરનાર માન્યાએ ટ્રોફીઓ કલેક્ટ કરવાના શોખને જ પોતાની જિંદગી બનાવી દીધી છે. તે અત્યાર સુધીમાં નાના-મોટા બધા થઈને 85 મેડલ મેળવી ચૂકી છે, જેમાં 20 મેડલ નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાના છે. શાળાના અભ્યાસ સાથે તાલમેલ વિશે વાત કરતા માન્યાએ જણાવ્યું કે, તે ભણવા પાછળ દિવસના 1-2 કલાક આપતી હતી, જ્યારે ચેસ બોર્ડ પર વિજય મેળવવા માટે દૈનિક 5 થી 6 કલાક આકરી મહેનત કરતી હતી. ચેસ બોર્ડ પર હંમેશા આક્રમક એટેકિંગ ગેમ રમવી એ જ તેની જીતનો મૂળ મંત્ર છે.

માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ
માન્યા દ્રોલિયાએ કોમનવેલ્થ ચેસ ગેમ્સમાં જીત્યા ત્રણેય રંગના મેડલ (Etv Bharat Gujarat)

માન્યાની આ ઐતિહાસિક સફળતા પાછળ તેના કોચ રોહન જુલ્કાની સચોટ રણનીતિ અને માર્ગદર્શન જવાબદાર છે. કોચના જણાવ્યા મુજબ, માન્યા 5 વાર સ્ટેટ ચેમ્પિયન, ખેલ મહાકુંભ ચેમ્પિયન અને નેશનલ ઇન્ટર સ્કૂલમાં ત્રીજું સ્થાન મેળવી ચૂકી છે. આ ઉપરાંત, વર્ષ 2025 માં સર્બિયા ખાતે રમાયેલી વૈશ્વિક ટૂર્નામેન્ટમાં પણ તે વિશ્વમાં ચોથો રેન્ક લાવી ચૂકી છે.

20 વર્ષથી સુરતમાં સ્થાયી છે દ્રોલિયા પરિવાર

મૂળ બિહારના અને છેલ્લા 20 વર્ષથી સુરતમાં સ્થાયી થયેલા કાપડ વેપારી અને માન્યાના પિતા અભિષેક કુમાર દ્રોલિયા તથા માતા અર્ચા દ્રોલિયાએ દીકરીની આંતરરાષ્ટ્રીય સિદ્ધિ પર ગર્વ વ્યક્ત કર્યો છે. પરિવારના જણાવ્યા મુજબ, એક દીકરી હોવાના નાતે માતાએ દરેક ટૂર્નામેન્ટમાં તેની સાથે ઓલ ટાઈમ રહેવું પડે છે અને આ સફરમાં દાદા-દાદી સહિત આખા પરિવારે પૂરો સપોર્ટ આપ્યો છે.

દેશના વડાપ્રધાન અને ગુજરાતના ગૃહમંત્રીને ખાસ સંદેશ

દીકરી આગળ જઈને ઇન્ટરનેશનલ લેવલે દેશનું નામ વધુ રોશન કરે તે માટે પિતા અભિષેક દ્રોલિયાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ ખાસ અનુરોધ કર્યો છે કે તેઓ તેમની દીકરીને પૂરતો સપોર્ટ, પ્રોત્સાહન અને સરકારી સહાય પૂરી પાડે જેથી તે ભવિષ્યમાં દેશ માટે વધુ ગોલ્ડ મેડલ લાવી શકે.

આ પણ વાંચો:

  1. IPL 2026 FINAL: આજે અમદાવાદમાં મળશે ચેમ્પિયન, ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટાઈટલ માટે જંગ
  2. IPL 2026 FINAL: છેલ્લા પાંચ વર્ષમાં છઠ્ઠી ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં, જાણો ફાઈનલ મેચોનો કેવો રહ્યો છે ઇતિહાસ
Last Updated : June 1, 2026 at 3:10 PM IST