દીવના ઘોઘલા બીચ પર ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026નો ભવ્ય પ્રારંભ, રાજ્યપાલ મનોજ સિન્હા રહ્યા ઉપસ્થિત
5 થી 10 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનાર આ બીચ ગેમ્સમાં દેશભરના 31 રાજ્યોમાંથી ખેલાડીઓ અને મોટી સંખ્યામાં લોકો ભાગ લેવા ઉમટી પડ્યા છે.

Published : January 6, 2026 at 3:36 PM IST
દીવ: દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીન માર્ગદર્શન હેઠળ ભારત વૈશ્વિક સ્તરે પોતાની મજબૂત ઓળખ સ્થાપિત કરી રહ્યું છે, જેમાં રમતગમત ક્ષેત્ર પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગથિયા રૂપે, કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના રમતગમત અને યુવા બાબતો વિભાગ દ્વારા ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 ની બીજી આવૃત્તિનો ભવ્ય પ્રારંભ દીવના બ્લુ ફ્લેગ બીચ તરીકે ઓળખાતા ઘોઘલા બીચ ખાતે કરવામાં આવ્યો હતો.
5 થી 10 જાન્યુઆરી, 2026 દરમિયાન યોજાનારી આ રમતોના ઉદ્ઘાટન સમારોહમાં જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જ્યારે દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ્લ પટેલ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા. સાંજે 5 વાગ્યે યોજાયેલ ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતની લોકપ્રિય લોકગાયિકા ગીતા રબારીએ પોતાના મનમોહક ગીતોથી સમગ્ર માહોલને ઉત્સવમય બનાવી દીધો હતો.
આ યોજાયેલ બીચ ગેમ્સમાં દેશના 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આશરે 1400 ખેલાડીઓ અને કુલ 2100થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 6 દિવસ દરમિયાન યોજાનારી આ રમતોમાં 8 અલગ-અલગ બીચ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ રમાશે.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રતિષ્ઠિત ખેલાડીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ રંજીતા ધીરજ કોટિયા અને દીવ નગરપાલિકા પ્રમુખ હરેશ પાંચાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ તૃપ્તિ મુરગુંડે, નંદિની અગાસરા, નરસિંહ પંચમ યાદવ, યુવરાજ બાલ્મીકી, રાજેશ ચૌહાણ, યજ્જુ સુબ્બા રાવ સહિત અનેક જાણીતા રમતવીરોનું પણ ઉષ્માભર્યું સ્વાગત થયું હતું.
રમતગમત સચિવ અરુણ ટી. એ તમામ મહેમાનો ને આવકારતા દીવમાં રમત ગમત સંસ્કૃતિને વિકસાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પ્રશાસક પ્રફુલ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સની પ્રથમ આવૃત્તિ અને દીવમાં ભારતના પ્રથમ બીચ ગેમ્સના આયોજન અંગે પ્રેરણાદાયી વિડિયો પણ રજૂ કરવામાં આવ્યો હતો.
એશિયન ચેમ્પિયન એથ્લીટ નંદિની અગાસરાએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના મહત્વ પર પ્રકાશ પાડતો સંદેશ આપ્યો હતો, જ્યારે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિ દર્શાવતી નૃત્ય રજૂઆતે દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
2025ની ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સના વિજેતાઓ દ્વારા મશાલ સ્ટેજ પર લાવવામાં આવી અને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, પ્રશાસક પ્રફુલ્લ પટેલ તથા પ્રખ્યાત રમતગમત હસ્તીઓ દ્વારા મશાલ પ્રગટાવવામાં આવી હતી. ત્યારબાદ વિવિધ રાજ્યોના નામ સાથે ખેલાડીઓએ ભવ્ય એથ્લેટિક માર્ચ કરી દર્શકોમાં ઉત્સાહ ભરી દીધો હતો.
મુખ્ય અતિથિ તરીકે સંબોધન કરતા મનોજ સિન્હાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત રમતગમત મહાસત્તા બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે. ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026 રમત ગમત સંસ્કૃતિને મજબૂત બનાવશે, યુવા પ્રતિભાને પ્રોત્સાહન આપશે અને કેન્દ્ર શાસિત પ્રદેશની પ્રવાસન ક્ષમતામાં વધારો કરશે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંદેશનું વાચન પ્રશાસકના સલાહકાર અંકુર ગર્ગ દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ બ્લુ ફ્લેગ પ્રમાણિત ઘોઘલા બીચની પસંદગીની પ્રશંસા કરતા પર્યાવરણ સંરક્ષણ અને રમત ગમત વચ્ચેના સંતુલન પર ભાર મૂક્યો. અંતે, લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ 2026ને ઔપચારિક રીતે ખુલ્લું જાહેર કર્યું હતું. દીવની શાળાના બાળકો દ્વારા રજૂ થયેલું વંદે માતરમ ગીત, ભવ્ય આતશબાજી અને સંગીત સાથે કાર્યક્રમ યાદગાર રીતે પૂર્ણ થયો હતો.
આ પણ વાંચો:

