ETV Bharat / sports

RCBની જીત માટે જામનગરના યુવકની અનોખી ભક્તિ, શરીરે 20 કિલોની સાંકળ બાંધી પગપાળા ગીર સોમનાથ જવા નીકળ્યો

વીરેન્દ્રસિંહ પોતાના શરીર પર 20 કિલો વજનની લોખંડની સાંકળ બાંધીને જામનગરથી ગીર સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પગપાળા રવાના થયા છે.

RCB FAN WALKS TO GIR SAMNATH
RCB FAN WALKS TO GIR SAMNATH (Etv Bharat & IANS)
author img

By ETV Bharat Sports Team

Published : June 3, 2026 at 8:09 PM IST

2 Min Read
Choose ETV Bharat

જામનગર: ક્રિકેટ પ્રત્યેનો ક્રેઝ ભારતમાં નવો નથી, પરંતુ જ્યારે વાત ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની આવે ત્યારે ચાહકોની દીવાનગી ચરમસીમાએ પહોંચી જાય છે. આવો જ એક આશ્ચર્યજનક અને દિલ જીતી લેનારો કિસ્સો જામનગર જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં IPL 2026માં RCBની ભવ્ય જીત થતાં જ એક પરમ પ્રશંસક પોતાની અનોખી માનતા પૂરી કરવા માટે પગપાળા યાત્રાએ નીકળ્યો છે.

20 કિલોની સાંકળ સાથે કઠિન પદયાત્રા

જામનગરના ઝાખર ગામના રહેવાસી રાઠોડ વીરેન્દ્રસિંહ નામના યુવકે RCB પ્રત્યેની પોતાની અતૂટ શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરવા માટે એક અત્યંત કઠિન રસ્તો પસંદ કર્યો છે. વીરેન્દ્રસિંહ પોતાના શરીર પર 20 કિલો વજનની લોખંડની સાંકળ બાંધીને જામનગરથી ગીર સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે પગપાળા રવાના થયા છે. આ કળજળતી ગરમી અને શારીરિક કષ્ટ વચ્ચે પણ તેમનો ઉત્સાહ જરાય ઓછો થયો નથી.

શું હતી વીરેન્દ્રસિંહની માનતા?

ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં રાઠોડ વીરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, તેઓ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ટીમના ખૂબ જ મોટા અને કટ્ટર ચાહક છે. તેમણે મનોમન ભગવાન સોમનાથ મહાદેવ સમક્ષ માનતા રાખી હતી કે જો IPL 2026માં RCBની ટીમ ટ્રોફી જીતશે અથવા શાનદાર વિજય મેળવશે, તો તેઓ શરીરે ૨૦ કિલોની સાંકળ બાંધીને પગપાળા ગીર સોમનાથ જશે. ટીમની જીત થતાં જ તેઓ પોતાની આ બાધા પૂરી કરવા નીકળી પડ્યા છે. "જ્યારે પણ RCBની મેચ હોય છે, ત્યારે ટેન્શન અને ઉત્સાહના કારણે હું જમતો પણ નથી. હું માત્ર ભગવાનને ટીમની જીત માટે સતત પ્રાર્થના કરતો રહું છું."

સતત બીજા વર્ષે માનતા પૂરી કરી

નવાઈની વાત એ છે કે, વીરેન્દ્રસિંહે આવું પહેલીવાર નથી કર્યું. ગત વર્ષે પણ RCBની શાનદાર જીત થતાં તેઓ આ જ રીતે પગપાળા ચાલીને ગીર સોમનાથ દાદાના શરણે ગયા હતા. ક્રિકેટ જગતમાં હાર-જીત તો ચાલ્યા કરે છે, પરંતુ વીરેન્દ્રસિંહ જેવો સાચો અને સમર્પિત ફેન મેળવવો એ કોઈપણ ટીમ માટે ગર્વની બાબત છે.

ટીમ સાથે મુલાકાત કરવાનું મોટું સપનું

વીરેન્દ્રસિંહનું એકમાત્ર મોટું સપનું એ છે કે, તેઓ એક દિવસ પોતાની આ મનપસંદ ટીમ એટલે કે RCBના ખેલાડીઓને રૂબરૂ મળે. તેમને આશા છે કે તેમની આ અનોખી ભક્તિ અને તપસ્યા ક્યારેક ને ક્યારેક RCB મેનેજમેન્ટ અથવા ખેલાડીઓ સુધી ચોક્કસ પહોંચશે. હાલમાં તો હાઈવે પરથી પસાર થતા લોકો શરીરે સાંકળ બાંધીને જતા આ અનોખા ક્રિકેટ ફેનને જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે અને તેમની આ દીવાનગી સોશિયલ મીડિયા પર પણ જોરદાર ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો:

  1. RCB BEAT GT: RCB એ રચ્યો ઇતિહાસ, ફાઇનલમાં ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવી સતત બીજી વખત ટાઇટલ જીત્યું
  2. 'નામ હી કાફી હૈ' વૈભવ સૂર્યવંશીની અસર, શ્રીલંકામાં રમાનાર ત્રિકોણીય-શ્રેણીની મેચોનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે