સુરતમાં ISPL-3નો ભવ્ય પ્રારંભ: અમિતાભ બચ્ચન ઉદ્યોગપતિના ઘરે પહોંચતા ભીડ બેકાબૂ, કાચનો ગેટ તૂટ્યો
પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આજથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 6 ફેબ્રુઆરી સુધી ચાલશે.

Published : January 9, 2026 at 7:45 PM IST
|Updated : January 9, 2026 at 8:44 PM IST
સુરત: ડાયમંડ સિટી સુરતમાં આજથી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (ISPL)ની ત્રીજી સીઝનનો હાઈ-ઓક્ટેન પ્રારંભ થયો છે. ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા માટે બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન, માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સાઉથના સુપરસ્ટાર સૂર્યા સુરત એરપોર્ટ પર ઉતરતા જ ચાહકોમાં ભારે ક્રેઝ જોવા મળ્યો હતો. જોકે, અમિતાભ બચ્ચન એક ઉદ્યોગપતિના ઘરે મુલાકાતે પહોંચતા ત્યાં મોટી સંખ્યામાં ઉમટેલી ભીડ બેકાબૂ બની હતી, જેમાં રેસીડેન્સીનો કાચનો મુખ્ય દરવાજો તૂટી પડ્યો હતો.
ઉદ્યોગપતિના નવા ઘરમાં અમિતાભ બચ્ચનનો ગૃહપ્રવેશ
અમિતાભ બચ્ચન સુરત એરપોર્ટથી સીધા અડાજણ વિસ્તારમાં આવેલી 'કાસારિવેરા રેસીડેન્સી' પહોંચ્યા હતા. અહીં જાણીતા ઉદ્યોગપતિ સુનિલ શાહનું નવું ઘર બનીને તૈયાર છે, પરંતુ તેમની ઈચ્છા હતી કે મહાનાયક અમિતાભ બચ્ચન તેમના ઘરમાં પ્રથમ પગલાં પાડે ત્યારબાદ જ તેઓ રહેવા જાય. આથી, અમિતાભ બચ્ચને આજે શાહ પરિવારના નવા ઘરમાં પ્રવેશ કરાવ્યો હતો.
SHOCKING ⚠️#AmitabhBachchan is mobbed..@SrBachchan was engulfed by a massive crowd of fans at Surat airport, leaving him barely any space to move 🚨
— Always Bollywood (@AlwaysBollywood) January 9, 2026
The security team had a tough time managing the situation as the crowd went out of control.
Amid the chaos, a glass panel… pic.twitter.com/aV1Wyq6G4S
ભારે અફરાતફરી: કાચનો ગેટ તૂટ્યો, પોલીસને પરસેવો છૂટ્યો
બચ્ચન અડાજણમાં આવવાના હોવાની જાણ થતા જ હજારોની મેદની ઉમટી પડી હતી. પબ્લિક કંટ્રોલ બહાર જતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી અને રેસીડેન્સીનો મેઈન કાચનો ગેટ દબાણને કારણે તૂટી ગયો હતો. ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ કાફલાએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આખરે ચુસ્ત સુરક્ષા વચ્ચે અમિતાભ બચ્ચનને બહાર કાઢી હોટલ રવાના કરાયા હતા.
ISPL-3: ગલી ક્રિકેટના સ્ટાર્સને મોટું પ્લેટફોર્મ
પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં આજથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટ 6 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ લીગનો મુખ્ય હેતુ ગલી-સોસાયટીમાં ટેનિસ બોલથી રમતા યુવાનોને પ્રોફેશનલ સ્ટેજ આપવાનો છે. સીઝન-3માં 8 ફ્રેન્ચાઈઝી વચ્ચે કુલ 44 મેચો રમાશે, જેમાં સુરતના 4 ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. ઉદ્ઘાટન મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન 'માઝી મુંબઈ' અને 'શ્રીનગર કે વીર' વચ્ચે રમાશે.
સેલેબ્રિટીઝનો જમાવડો
આજથી શરૂ થયેલા આ ક્રિકેટ ઉત્સવની ઓપનિંગ સેરેમનીમાં 200 ડાન્સર્સ પર્ફોર્મ કરશે અને 'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી હોસ્ટિંગ કરી રહી છે. સચિન, સૂર્યા અને બચ્ચનના આગમનથી સુરત એરપોર્ટ અને હોટલ ખાતે વાલીઓ અને ક્રિકેટ પ્રેમીઓએ તસવીરો લેવા પડાપડી કરી હતી. આગામી એક મહિના સુધી સુરતમાં ક્રિકેટ અને ગ્લેમરનો અનોખો સંગમ જોવા મળશે.
આ પણ વાંચો:
સુરતમાં 9 જાન્યુ.થી ISPL સીઝન-3નો ભવ્ય પ્રારંભ, સચિન, અમિતાભ, અક્ષય સહિત આ સેલેબ્રિટી રહેશે હાજર

