રવિવારે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશેે, 1377 સ્પર્ધકો ગિરનારને આંબવા મુકશે દોટ
જૂનાગઢમાં રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે.

Published : January 3, 2026 at 3:28 PM IST
જૂનાગઢ: રવિવારે રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ- અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું છે, જેમાં ગુજરાતના 30 જિલ્લાના કુલ 1377 સ્પર્ધકોએ ભાગ લીધો છે. 4 વય જૂથમાં આયોજિત થનારી આ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોમાં 10-10 વિજેતાઓને ઈનામો આપીને તેને બિરદાવવામાં આવશે. રાજ્ય કક્ષાની સ્પર્ધાના વિજેતા તમામ 40 સ્પર્ધકો રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં યોગ્યતા પણ પ્રાપ્ત કરશે. વહેલી સવારે 7:30 કલાકે સ્પર્ધા શરૂ થશે.
ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા
રવિવારે રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાશે. દર વર્ષે આયોજિત થતી આ સ્પર્ધાના તમામ વિજેતાઓ ફેબ્રુઆરી મહિનામાં આયોજિત થનાર રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધામાં પાત્રતા ધરાવતા ખેલાડી તરીકે તેમને પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ગુજરાતના 33 જિલ્લામાંથી કુલ 1377 સ્પર્ધકોએ ભાગ લેવા માટે તેમની દાવેદારી નોંધાવી છે.


602 સિનિયર ભાઈઓમાં 602, 345 જુનિયર ભાઈઓમાં મળીને કુલ 947 એવી જ રીતે 161 સિનિયર બહેનો, 269 જુનિયર બહેનો મળીને કુલ 430 મહિલા ખેલાડીઓએ ગિરનાર સ્પર્ધામાં ભાગ લેવા માટે આવેદન આપ્યું છે. સમગ્ર સ્પર્ધા દરમિયાન ભાઈઓ માટે સનાતન ધર્મશાળા અને તળપદા કોળી સમાજ તેમજ બહેનો માટે ભરવાડ સમાજની વાડીમાં રહેવાની અને ભોજનની વ્યવસ્થા પણ યુવા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા કરવામાં આવી છે.


યુવા રમત વિકાસ અધિકારીએ આપી વિગતો
જુનાગઢ જિલ્લા યુવા રમત વિકાસ અધિકારી નીતાબેન વાળાએ રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને વિગતો આપી છે. દર વર્ષે જાન્યુઆરી મહિનાના પહેલા રવિવારે આયોજિત થતી આ સ્પર્ધાના તમામ 40 વિજેતાઓને સીધા રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રવેશ આપવામાં આવે છે. જુનિયર અને સિનિયર ભાઈઓ અને બહેનોની કેટેગીરીમાં 40 જેટલા સ્પર્ધકોને 01 થી 10 ક્રમે વિજેતા જાહેર કરવામાં આવે છે.


વિજેતા બનેલા તમામ રમતવીરોને રોકડ, પ્રમાણપત્ર અને ટ્રોફી આપીને તેમની રમતગમત પ્રત્યેની કટિબદ્ધતાને નવાજવામાં આવે છે વહેલી સવારે સાત વાગ્યે રીપોર્ટીગ સાથે સ્પર્ધા શરૂ થાય છે અને બપોરના 12:00 વાગ્યાની આસપાસ ઇનામ વિતરણ સાથે આ સ્પર્ધાને પૂર્ણ જાહેર કરવામાં આવે છે. ફેબ્રુઆરી મહિનાના પહેલા રવિવારે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન થતું હોય છે.
આ પણ વાંચો:

