ETV Bharat / sports

અમરેલીના સાવરકુંડલામાં અનોખા રમતોત્સવનું કરાયું આયોજન, વડીલોએ હોંશે હોંશે લીધો ભાગ

અમરેલીના સાવરકુંડલામાં વડીલો માટે રમતોત્સવનું આયોજન કરાયું જેનો મુખ્ય ઉદ્દેશ વડીલોને આનંદ અને સ્વાસ્થ્યલાભ આપવાનો હતો.

સાવરકુંડલામાં વડીલો માટે રમોત્સવ
સાવરકુંડલામાં વડીલો માટે રમોત્સવ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : March 1, 2026 at 3:19 PM IST

|

Updated : March 1, 2026 at 3:31 PM IST

1 Min Read
Choose ETV Bharat

સાવરકુંડલા: શહેરના સાવરકુંડલા વ્યાયામ મંદિર ખાતે 50 વર્ષથી વધુ ઉંમરના ભાઈ-બહેનો માટે એક અનોખા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં 50 વર્ષથી લઈને 84 વર્ષ સુધીની ઉંમરના આશરે 200 જેટલા વડીલોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવનો મુખ્ય ઉદ્દેશ વડીલોને આનંદ અને સ્વાસ્થ્યલાભ આપવાનો હતો, જે સફળ રહ્યો.

રમતોત્સવ દરમિયાન ધીમી વિઘ્ન દોડ, સંગીત ખુરશી સહિતની સરળ પરંતુ આનંદદાયક રમતો યોજાઈ હતી. આ રમતોએ સ્પર્ધકોના બાળપણની મીઠી યાદો તાજી કરાવી હતી. લાંબા સમય પછી રમતોમાં ભાગ લેતા વડીલોના ચહેરા પર આનંદ અને ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સ્પર્ધકો એકબીજાને ઉત્સાહિત કરતા અને હસતાં-રમતાં જોવા મળ્યા હતા, જેણે આખા વાતાવરણને ઉત્સવમય બનાવી દીધું હતું.

સાવરકુંડલામાં વડીલો માટે રમોત્સવ (Etv Bharat Gujarat)

આ રમતોત્સવમાં માનવ મંદિરના સંત ભક્તિ બાપુ, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળા, વ્યાપારીઓ, ડોક્ટરો, રાજકીય મહાનુભાવો અને સમાજના વિવિધ ક્ષેત્રોના ભાઈ-બહેનોએ સ્પર્ધક તરીકે ભાગ લીધો હતો. ધારાસભ્ય મહેશ કસવાળાએ જાતે રમતોમાં ભાગ લઈને વડીલોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ પ્રસંગે સંત ભક્તિ બાપુએ જણાવ્યું કે, "આવી નાની પરંતુ આનંદ આપતી રમતો વડીલો માટે ખૂબ લાભદાયક છે. આ રમતો તેમના શારીરિક સ્વાસ્થ્યને જાળવવામાં મદદ કરે છે અને માનસિક આનંદ પણ પ્રદાન કરે છે. દર વર્ષે આવી પ્રવૃત્તિઓ યોજવી જોઈએ." તેમણે ઉમેર્યું કે વડીલોની સંભાળ અને તેમના માટે આવા કાર્યક્રમો સમાજની જવાબદારી છે.

ધારાસભ્ય મહેશ કસવાળાએ કહ્યું કે આવા કાર્યક્રમોથી વડીલો અલગતા અનુભવતા નથી અને સમાજ સાથે જોડાયેલા રહે છે.

રમતોત્સવના અંતે તમામ સ્પર્ધકોને પ્રોત્સાહક ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભાગ લેનારા તમામ વડીલોએ આ આયોજનની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની માંગ ઉઠી હતી.

આયોજકો અને સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વડીલોના ચહેરા પરનો આનંદ જ આ રમતોત્સવની સૌથી મોટી સફળતા હતી. આ રમોત્સવ સાવરકુંડલા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

આ પણ વાંચો:

Last Updated : March 1, 2026 at 3:31 PM IST