ડાકોરમાં રંગોત્સવનો પ્રારંભ: આમલકી અગિયારસે અબીલ ગુલાલની છોળો સાથે ડાકોરના ઠાકોરની નીકળી સવારી
યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સવારી નીકળી હતી.

Published : February 27, 2026 at 9:50 PM IST
ખેડા: સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી મહારાજની વાજતે ગાજતે સવારી નીકળી હતી. એ સાથે જ યાત્રાધામમાં પાંચ દિવસિય રંગોત્સવનો પ્રારંભ થયો છે. પરંપરા મુજબ આમલકી અગિયાસે ભગવાન ભાવિકો પર અબીલ ગુલાલની છોળો ઉડાડતા નીકળે છે. એ સાથે પાંચ દિવસીય રંગોત્સવનો પ્રારંભ થાય છે. ડાકોર ખાતે 1 થી 3 માર્ચ દરમિયાન ફાગણી પુનમનો મેળો ધામધૂમ પૂર્વક યોજાશે.જેને લઇ તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.
યાત્રાધામ ડાકોર ખાતે આમલકી અગિયારસ નિમિત્તે રાજાધિરાજ રણછોડરાયજી ભગવાનની ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સવારી નીકળી હતી. આ સવારી નિજ મંદિરથી નીકળી ગૌશાળામાં બિરાજમાન થઈ બીજી કુંજમાં બિરાજમાન થઈ લાલબાગમાં પ્રવેશી લક્ષ્મીજી મંદિરે પહોંચી હતી. જય રણછોડના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ખૂબ હર્ષોલ્લાસ સાથે ભગવાનની સવારીમાં જોડાયા હતા.
આમલકી એકાદશીથી પાંચ ભોગમાં નવ રંગોથી ઠાકોરજી હોળી ખેલે છે
આમલકી એકાદશીથી દરેક ભોગ એટલે પાંચ ભોગમાં પાંચ વખત નવ રંગોથી શ્રીજી મહારાજ હોળીનો ઉત્સવ ખેલે છે.જે ફુલડોળ સુધી ચાલે છે. ભગવાનને શણગારનું પણ વિશેષ મહત્વ રહેલું છે. જેને લઈ પાંચ દિવસ વિશેષ શણગાર કરાય છે. પાંચે પાંચ દિવસ અલગ અલગ શણગારમાં રાજાધિરાજ દિવ્ય દર્શન આપે છે. ફુલડોળના દિવસે રાજાધિરાજ ફુલોના હિંડોળા પર બિરાજમાન થઈ પાંચ વખત નવ રંગોનો ખેલ કરે છે અને ભક્તોને હોળી રમાડે છે.

દર્શન કરીને ખૂબ આનંદ થયો: ભાવિક
ભાવિક પિયુષે જણાવ્યું હતું કે, અમે સુરતથી આવ્યા છીએ આમલકી અગિયારસે અહીં રાજાધિરાજના દર્શન કરવા આવ્યા હતા. રાજાધિરાજ સવારીમાં ગુલાલ ઉડાવતા નીકળે છે, તેનો આનંદ લેવા આવ્યા હતા. અમને ખૂબ મજા પડી દર્શન કરીને આનંદ થયો.

આજથી ફાગણોત્સવની શરૂઆત થઈ: પૂજારી
મંદિરના પૂજારી પુનિત ખંભોળજાએ જણાવ્યું હતું કે, આજથી ફાગણોત્સવની શરૂઆત થઈ. રાજાધિરાજ રણછોડરાય રંગોની છોળો ઉડાડતા આજે નગરચર્યા પર નીકળ્યા છે. આ રંગોત્સવની આજથી શરૂઆત થઈ પાંચ દિવસ સુધી આ રંગોત્સવ ચાલશે.
આ પણ વાંચો:

