ETV Bharat / politics

YEAR ENDER 2025: નવા મંત્રી મંડળથી વિસાવદરવાળી સુધી, આ વર્ષે ગુજરાતની કઈ રાજકીય ઘટના સૌથી વધુ ચર્ચામાં રહી?

નવું મંત્રી 'મંડળ' સમસ્યા કે સમાધાન? વિસાવદરવાળી બન્યું રાજકીય સૂત્ર, 19 રાજકીય ઘટનાઓ ગુજરાતમાં સત્તા માટેની સાપ સીડી બની.

ગુજરાતમાં 2025માં કઈ ઘટનાઓ વધુ ચર્ચામાં રહી?
ગુજરાતમાં 2025માં કઈ ઘટનાઓ વધુ ચર્ચામાં રહી? (ETV Bharat GFX)
author img

By ETV Bharat Gujarati Team

Published : December 22, 2025 at 7:00 AM IST

9 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: વર્ષ - 2025 ગુજરાત માટે રાજકીય રીતે મહત્વપૂર્ણ સાબિત થયું છે. રાજ્યના મંત્રી મંડળમાં ફેરબદલ સાથે ભાજપ અને કોંગ્રેસ પક્ષને તેના પ્રાદેશિક પ્રમુખ તરીકે નવા ચહેરા મળ્યા. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ ખાતે યોજાયું અને વિસાવદર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો. સહકાર રાજકારણમાં ભાજપની અંદર મેન્ડેટ વિરુદ્ધ મતદાન તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામત, મતદાર સુધાર પ્રક્રિયા અને ગેરકાયદેસર દબાણ હટાવવાના મુદ્દા રાજકીય સ્તરે ચર્ચાતા રહ્યા છે. આ છે વર્ષ - 2025ની મહત્વની રાજકીય ઘટના, જેના રાજ્યમાં ચર્ચા જન્માવી હતી.

પહલગાંવ આતંકી હુમલો, ઓપરેશન સિંદુર થકી સરહદોની થઈ સુરક્ષા
22, એપ્રિલના રોજ કાશ્મીર પહેલગામ ખાતે આતંકી હુમલો થતા ગુજરાતના ત્રણ વ્યક્તિઓના નિધન થયા હતા. પહેલગામના આતંકી હુમલા બાદ જવાબી કાર્યવાહીમાં ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યુ હતું. પાકિસ્તાને તેની નાપાક હરકતોથી ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી વિસ્તારમાં ડ્રોન છોડી ઉશ્કેરણી કરી હતી. 1965ના ભારત-પાક યુદ્ધ બાદ 60 વર્ષે પાકિસ્તાને ગુજરાત સરહદે ડ્રોન થકી છમકલા કર્યા હતા. જેનો ભારતીય સૈન્યએ યોગ્ય જવાબ આપ્યો હતો. ઓપરેશન સિંદૂર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે આવી રોડ-શો કર્યો હતો. વર્ષ - 2025ની મહત્વની ઘટનામાં ઓપરેશન સિંદુરનો સમયગાળો રાજ્ય માટે અતિ સંવેદનશીલ અને મહત્વનો રહ્યો છે.

ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળમાં ફેરબદલ, જૂના જોગીની બાદબાદી, નવાને મંત્રી તરીકે પ્રમોશન
દિવાળી પર્વ પહેલા 17, ઓક્ટોબરના રોજ રાજ્યના મંત્રી મંડળમાં ફેરબદલ કરવામાં આવ્યો. ઓકટોબરમાં નવા રચાયેલા મંત્રી મંડળમાં પહેલા 17 મંત્રીઓના સ્થાને હવે રાજ્યમાં 26 મંત્રીઓ કાર્યરત છે. જેમાં આઠ કેબિનેટ અને 18 રાજ્યકક્ષાના મંત્રીઓનો સમાવેશ કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પરષોત્તમ સોલંકી, પ્રફુલ પાનસેરિયા તથા કનુભાઈ દેસાઈ સિવાય તમામ મંત્રીઓને મંત્રીમંડળથી પડતા મુકાયા હતા. દેવગઢ બારીયાના ધારાસભ્ય અને મંત્રી બચુ ખાબડના પુત્રો સામે મનરેગા યોજનામાં ગેરરીતિની ફરિયાદ થતા તેમને પડતા મુકાયા હતા. કોંગ્રેસથી આવેલા બળવંતસિંહ રાજપુત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરીયા, મુળુ બેરા, કુબેર ડિંડોર, મુકેશ પટેલ, કુંવરજી હળપતિ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ સહિતના 10 મંત્રીઓને પડતા મુકાયા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ બનતા નિકોલના ધારાસભ્ય જગદીશ વિશ્વકર્મા પણ ભૂપેન્દ્ર પટેલ સરકારથી બહાર રહ્યા છે.

હર્ષ સંઘવી સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી, રાજ્યને ચાર વર્ષ બાદ મળ્યા નાયબ મુખ્યમંત્રી
છેલ્લા લાંબા સમયથી ભૂપેન્દ્ર પટેલ સરકારમાં નંબર ટુ ના સ્થાને જેની ચર્ચા થાય છે એ હર્ષ સંઘવી હવે રાજ્યના સૌથી યુવા નાયબ મુખ્યમંત્રી છે. આ સાથે તેઓ ગૃહ વિભાગનો સ્વતંત્ર હવાલો ધરાવતા કેબિનેટ મંત્રી બન્યા છે. હર્ષ સંઘવી રાજ્યના સૌથી ઓછી વય ધરાવતા નાયબ મુખ્યમંત્રી બન્યા છે. હર્ષ સંઘવી પાસે હવે ગૃહ વિભાગનો હવાલો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે હવે ગૃહ વિભાગનો હવાલો રહ્યો નથી. રાજ્યમાં ચાર વર્ષ બાદ નાયબ મુખ્યમંત્રી મળ્યા છે. આ અગાઉ વિજય રુપાણી સરકારમાં નીતિન પટેલ અને ચિમન પટેલ (સંયુક્ત સરકારમાં) કેશુભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી હતા. 40 વર્ષે હર્ષ સંઘવી રાજ્યના સૌથી યુવા વયના નાયબ મુખ્યમંત્રી બની વિક્રમ સ્થાપ્યો છે.

નવા મંત્રીઓ, પહેલી વારના ધારાસભ્યો સાથે અનુભવી મંત્રીઓ
નવ રચિત ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં પહેલી વાર ચૂંટાયેલા મંત્રીઓ પૈકી મોટાભાગના મંત્રીઓ પહેલી વારના ધારાસભ્ય છે. કુલ 19 નવા મંત્રીઓમાં રીવાબા જાડેજા, અર્જુન મોઠવાડિયા, ત્રિકમ છાંગા, સ્વરુપજી ઠાકોર, પ્રધુમ્ન વાજા, કૌશિક વેકરીયા, રમણ સોલંકી, કમલેશ પટેલ, જયરામ ગામીત, પી. સી. બંરડા અને નરેશ પટેલનો સમાવેશ થાય છે. પૂર્વ મંત્રી તરીકે રહી ચૂકેલા જીતુ વાઘાણીનો પણ નવા મંત્રી મંડળમાં સમાવેશ થાય છે.

બહુ ચર્ચિત ચહેરાઓને મંત્રી મંડળમાં ન મળ્યું સ્થાન
વર્ષ - 2025ની મહત્વની રાજકીય ઘટનામાં ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળ 3.0 જે મંત્રીઓ પસંદ થયા એની ચર્ચા તો થઈ હતી. પણ જે બહુ ચર્ચિત ચહેરાઓ હતા જેને મંત્રી મંડળમાં સ્થાન ન મેળવી શક્યા એ ધારાસભ્યો અંગે મીડિયા અને સોશિયલ મીડિયામાં બહુ ચર્ચા થઈ હતી. સૌથી વધુ ચર્ચા જયેશ રાદડિયા, પાટીદાર અનામત આંદોલનથી જાણીતા બનેલા પૂર્વ કોંગ્રેસી અને હાલ વિરમગામના ધારસભ્ય હાર્દિક પટેલ, ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને પૂર્વ સનદી અધિકારી અને કોંગ્રેસથી આવેલા સી. જે. ચાવડાની હતી. પણ આ ધારાસભ્યો નવા મંત્રી મંડળમાં સમાવેશ ન થતા નિરાશ થયા હતા.

ભાજપને મળ્યા નવા પ્રદેશ પ્રમુખ, કોંગ્રેસના અમિત ચાવડા નવા કેપ્ટન
વર્ષ - 2025માં ભાજપને સી. આર. પાટીલના સ્થાને નિકોલના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જગદીશ વિશ્વકર્મા નવા પ્રદેશ પ્રમુખ તરીકે મળ્યા. સી. આર. પાટીલ કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ રાજ્યમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બને એ મુદ્દે ચર્ચાઓ જામી હતી. જગદીશ વિશ્વકર્મા ઓબીસી સમાજથી આવે છે, અને અમદાવાદ ભાજપના શહેર પ્રમુખ તરીકે કાર્ય કરેલું હતું. જગદીશ વિશ્વકર્માની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી થઈ એ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિકોલ ખાતે રોડ-શો કરી જાહેર સભા યોજી હતી. ભાજપને 2025માં નવા પ્રદેશ પ્રમુખ અને નવું મંત્રીમંડળ મળ્યું છે. કોંગ્રેસને પણ 2025માં જ નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા મળ્યા છે. અમિત ચાવડાની કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે 17 જુલાઈએ નિમણૂક થઈ હતી. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે પેટા ચૂંટણી હાર બાદ રાજીનામું આપતા કોંગ્રેસ કેન્દ્રીય મોવડી મંડળે આણંદના આંકલાવ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પુનઃ પસંદ કર્યા છે.

64 વર્ષ બાદ અમદાવાદ ખાતે યોજાયું 84મું અખિલ ભારતીય કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન
કોંગ્રેસનું 84મું રાષ્ટ્રીય અધિવેશન સરદાર પટેલ મેમોરિયલ સ્મારક ખાતે 8 અને 9 એપ્રિલના રોજ યોજાયું હતું. જેમાં કોંગ્રેસની કાર્યકારિણી બેઠક પણ યોજાઈ હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન સાથે સરદાર પટેલની 150મી જન્મજયંતિ અંગે પણ રાષ્ટ્રીય કોંગ્રેસી નેતાઓએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ અધિવેશન દરમિયાન રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધી સહિત દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ હાજર રહ્યા હતા. બે દિવસના અધિવેશનમાં કોંગ્રેસે ગાંધી આશ્રમ ખાતે સાંધ્ય પ્રાર્થના સભા યોજી હતી. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને રાહુલ ગાંધીના પ્રવાસો બાદ પણ કોંગ્રેસ વિધાનસભાની બે પેટા ચૂંટણી જીતવામાં નિષ્ફળ ગઈ હતી.

સરદાર પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી, ભાજપે આખું વર્ષ કરી ઉજવણી
દેશના લોહપુરુષ સરદાર પટેલની 150મી જન્મ જયંતિનો નરેન્દ્ર મોદી સરકાર અને ગુજરાત સરકારે વર્ષ આખું ઉજવણી કરી દેશમાં સરદાર પટેલના કાર્યોનો પ્રસાર કર્યો. મૂળે કોંગ્રેસના નેતા અને દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર પટેલના 150મા જન્મ દિવસ પ્રસંગે નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા. ભાજપે કરમસદથી કેવડિયા ખાતે એકતા યાત્રા યોજી સરદાર પટેલની 150મી જન્મ જયંતિને રાષ્ટ્ર વ્યાપી ઉત્સવ બનાવ્યો હતો.

પેટા ચૂંટણીમાં વિસાવદરમાં AAP, કડીમાં ભાજપ અને કોંગ્રેસને નિરાશા
2025ની મોટી રાજકીય ઘટનામાં વિસાવદર ખાતેની પેટા ચૂંટણીને ગણાવી શકાય. જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક અને મહેસાણાની કડી બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. બે બેઠકો પરની પેટા ચૂંટણીમાં સૌથી વધુ રોમાંચ વિસાવદર બેઠક પર હતો, જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના પોતાના પ્રતિસ્પર્ધી ભાજપના કિરીટ પટેલને 17,554 મતે હરાવી આંચકો આપ્યો હતો. જેના મુદ્દે રાજ્યમાં વિસાવદર વાળી થશે એ સૂત્ર ભાજપના આંતરિક અસંતોષ વ્યક્ત કરવામાં વપરાવા લાગ્યું છે. મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા બેઠક પરની પેટા ચૂંટણીમાં ભાજપના કરસન સોલંકીએ કોંગ્રેસના રમેશ ચાવડાને હરાવી ભાજપે બેઠક જાળવી રાખી છે. બે પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ફાળે એક પણ બેઠક ન આવતા કોંગ્રેસના ખાતામાં નિરાશા મળી છે.

ગુજરાતમાં કોમન સિવિલ કોડ માટે સમિતિની રચના, અહેવાલ તૈયાર
દેશમાં ઉત્તરાખંડ રાજ્ય બાદ ગુજરાતમાં કોમન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા માટે રાજ્ય સરકારે સુપ્રિમ કોર્ટના નિવૃત જસ્ટિસ રંજના દેસાઈની આગેવાની હેઠળ સમિતિની રચના કરી છે. આ કમિટિમાં વરિષ્ઠ સનદી અધિકારી સી. એલ. મીણા, એડવોકેટ આર. સી. કોડેકર, પૂર્વ વાઈસ ચાન્સેલર દક્ષેશ પાઠક અને સામાજિક કાર્યકર ગીતાબેન શ્રોફનો સમાવેશ થયો છે. સમાન નાગરિક સંહિતા અંગે સમિતિએ વિગતવાર અભ્યાસ કર્યો છે અને અંતિમ અહેવાલ તૈયાર થઈ રહ્યો છે.

ભાજપની એકતા યાત્રા, તો કોંગ્રેસની જનઆક્રોશ રેલી - 2025નુ વર્ષ રાજકીય રેલીનું રહ્યું
વર્ષ - 2025નું વર્ષ રાજ્ય માટે રાજકીય રેલી, મહારેલી અને જાહેર પ્રદર્શનનું બની રહ્યું. ભાજપે સરદાર પટેલની જન્મ જયંતિને ઉજવવા માટે એકતા યાત્રા યોજી સરદાર પટેલના જીવન અને કર્મને દેશ વ્યાપી પ્રસારી. કોંગ્રેસે રાજ્યમાં વ્યાપ ખેડૂતોને નુકસાન સામે વળતર, ખેત પેદાશોના ટેકાના ભાવ સહિત જાહેર સુવિધાના મુદ્દે સમગ્ર રાજ્યમાં જનાક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં પ્રમાણમાં સારો પ્રતિભાવ મળ્યો હતો.

આપ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ
આમ આદમી પાર્ટીના બોલકા નેતા અને ડેડિયાપાડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાને તાલુકા પંચાયતના પ્રમુખને લાફા મારવાના આક્ષેપ સામે પોલીસ ફરિયાદ નોંધાતા જેલની સજા થઈ હતી. રાજ્યના ચોમાસુ વિધાનસભા સત્રમાં હાજર રહેવા ચૈતર વસાવાને ત્રણ દિવસ માટે હંગામી જામીન અપાયા હતા. જેલવાસ અને જામીન, તથા આદિવાસી જમીન માલિકીના મુદ્દે ચૈતર વસાવા વર્ષ દરમિયાન સતત માધ્યમોમાં છવાયેલાં રહ્યા છે.

ગણેશ ગોંડલ કેસ અને પાયલ ગોટી કેસ રહ્યો સતત વિવાદમાં
ગોંડલ ફરીથી વર્ષ દરમિયાન સતત વિવાદો અને સમાચારોમાં રહ્યું છે. રાજકુમાર જાટની હત્યા કે અકસ્માતના કેસમાં ગણેશ ગોંડલ સામેના આક્ષેપ હોય કે પાટીદારો અને ક્ષત્રિય સમાજ વચ્ચેના તનાવ હોય. પણ ગોંડલ શહેર સતત વિવાદોમાં રહ્યું છે. છેલ્લી માહિતી પ્રમાણે રાજકુમાર જાટના અપમૃત્યુ કેસમા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો છે. હવે પરિણામને આધારે અગામી કાર્યવાહી થશે. આ સાથે અમરેલીની પાયલ ગોટીના લેટરકાંડ કેસનો વિવાદ પણ વર્ષ દરમિયાન રાજકીય વિવાદમાં રહ્યો હતો. ગત વર્ષે થયેલા બોગસ લેટરપેડ કેસમાં પાયલ ગોટીને જેલવાસ બાદ જામીન મળ્યા. પણ પાયલ ગોટી કેસ પાટીદાર સમાજના ગૌરવ અને મહિલા સન્માનના પ્રતિક તરીકે ગણાઈ. પાયલ ગોટી કેસમાં અમરેલીનું રાજકીય અને સહકારી રાજકારણને પણ અસર થઈ. અંતે વિસાવદરની પેટા ચૂંટણીમાં પાયલ ગોટીના કેસનો રાજકીય લાભ પરિણામને મળ્યો છે.

2025નું સહકારીતા વર્ષમાં ગુજરાતના સહકારી ક્ષેત્રે રહ્યા વિવાદ
રાજ્યમાં સહકાર ક્ષેત્રે મેન્ડેટ આપવાનો વિવાદ સતત છવાયો રહ્યો. ઇફક્કોની ચૂંટણીમાં તત્કાલીન ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ભાજપના સહકારી સેલના બિપીન ગોતાને જીતાડવા મેન્ડેટ આપ્યું હતુ. આ મેન્ડેટની વિરુદ્ધ જઈ જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા બેંકના અગ્રણી અને સૌરાષ્ટ્રના યુવા નેતા જયેશ રાદડિયાએ મતદાન કરી બિપીન ગોતાને હરાવ્યા હતા. પક્ષે આપેલા સહકાર ક્ષેત્રના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કરી પક્ષની નારાજગી વહોરનાર જયેશ રાદડિયાની નવ રચિત મંત્રી મંડળમાં બાદબાકી થઈ છે. જે ખુદમાં જ ભાજપના નેતાઓને આંતિરક સંદેશ ગણાય છે.

ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકાયું

જામનગરમાં 5 ડિસેમ્બરના રોજ એક જાહેર સભામાં AAPના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી. ગોપાલ ઇટાલિયા સ્ટેજ પર પોતાનું ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેજની નીચે બેઠેલી એક વ્યક્તિએ ઊભા થઈને ધારાસભ્ય તરફ જૂતું ફેંક્યું હતું. ઘટના બાદ ત્યાં હાજર પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. જોકે આ દરમિયાન AAPના કાર્યકરોએ આરોપીને પકડીને તેને માર માર્યો હતો. ખાસ છે કે, અગાઉ ગોપાલ ઈટાલિયા દ્વારા પણ 2017માં તત્કાલિન ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવાની ઘટના બની હતી.

ખેડૂતોને 10,000 કરોડનું વરસાદી નુકસાન સામે રાહત પેકેજ
વર્ષ - 2025માં રાજ્ય માટે ચોમાસું લાંબુ રહ્યું. ચોમાસા બાદ વરસેલા કમોસમી વરસાદથી ખેતર અને માર્કેટ યાર્ડમાં રહેલા પાક ઉત્પાદનોનું મોટા પાયે નુકસાન થયું હતું. આ સમયે ખેડૂતો, ખેડૂત સંગઠનો અને વિરોધ પક્ષની સતત માંગણીઓ અને પ્રદર્શનોએ સરકાર વિરોધી માહોલ ઉભો કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સરકારે વધતા ખેડૂત અસંતોષ અને આંદોલનોને ધ્યાને લેતા તત્કાળ પાક સર્વે વિવિધ અસરગ્રસ્ત જિલ્લામાં હાથ ધરાયો હતો. પ્રાથમિક નુકસાની સર્વે બાદ રાજ્ય સરકારે ખેડૂતોના નુકસાન સામે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું હતું. ખેડૂતોને થયેલ નુકસાન, સર્વેની પદ્ધતિ અને રાહત પેકેજ અંગે રાજ્યભરમાં નાના પાટે વિરોધ અને આંદોલનો થયા હતા.

વાવ-થરાદ બન્યો 34મો જિલ્લો અને રાજ્યને મળ્યા નવા 17 તાલુકા
વર્ષ - 2025માં રાજ્યની વહિવટી ભૂગોળ બદલાઈ. રાજ્યના 33 જિલ્લામાં વાવ-થરાદ નામનો નવો જિલ્લો ઉમેરાતા હવે રાજ્યમાં 34 જિલ્લા અસ્તિત્વમાં આવ્યા. રાજ્યમાં વહિવટી સરળતા માટે નવા 17 તાલુકાની રચના 24, સપ્ટેમ્બરના રોજ કરાઈ. નવરચિત જિલ્લા અને નવા તાલુકામાં નવી વ્યવસ્થા, વહિવટી તંત્ર અને સુવિધા ઉભી કરવામાં સરળતા રહેશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામતનો કાયદો
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતથી રાજ્યમાં રાજકીય ચિત્ર બદલાશે. અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલા અનામત હતી. વર્ષ - 2025 દરમિયાન રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી સમાજની અનામત જાહેર કરી છે. રાજ્ય ચૂંટણી આયોગનો આ નિર્ણય રાજ્યની રાજનીતિને બદલશે.

સર એટલે કે મતદાર યાદી ખાસ સુધારા પ્રક્રિયાનો અમલ અને તેના પરિણામો
રાજ્યમાં સર એટલે કે મતદાર યાદી ખાસ સુધારણા પ્રક્રિયાનો અમલ થયો છે. રાજ્યમાં અંદાજે સાત જેટલા બીએલઓના નિધન પણ મતદાર યાદી ખાસ સુધારા પ્રક્રિયા દરમિયાન થયા છે. સતત દોઢ માસ ચાલેલી SIRની અસરકારક કામગીરી બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિધ્ધ કરવામાં આવી જેમાં 4.34 કરોડ મતદારો નોંધાયા હતા, તો 73.73 લાખ મતદારોના નામ મુસદ્દા મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યાં.

આ પણ વાંચો:

  1. 2026ની શરૂઆતથી જ હાડ થીજવતી ઠંડી શરૂ થશે, જુનાગઢ હવામાન વિભાગે જાહેર કર્યું અનુમાન
  2. નિરોગી રાખતો નીરો, શિયાળામાં કેમ વધી જાય છે નીરાની માંગ ? જાણો...