ETV Bharat / politics

સુરત: કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ ફગાવી, રાહુલ ગાંધી પર કર્યા ગંભીર આક્ષેપ

ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અંગે ગિરિરાજ સિંહે સ્પષ્ટ વલણ અપનાવતાં કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે?

કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ
કેન્દ્રિય મંત્રી ગિરિરાજ સિંહ (X/@girirajsinghbjp)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 9, 2026 at 10:24 PM IST

3 Min Read
Choose ETV Bharat

સુરત: કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ આજથી ત્રણ દિવસીય સુરતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેમણે શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગની મુલાકાત લીધી હતી. ત્યારબાદ સુરત સર્કિટ હાઉસ ખાતે મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં તેમણે ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ, શ્રમિકોની સાપ્તાહિક રજા, સુરતમાંથી શ્રમિકોના પલાયન અને દેશની આર્થિક સ્થિતિ સહિતના મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ પર રાહુલ ગાંધીને જવાબ
ચીફ ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ અંગે ગિરિરાજ સિંહે સ્પષ્ટ વલણ અપનાવતાં કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું શા માટે આપે? તેમણે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં જણાવ્યું હતું કે જો કંઈ ગેરકાયદેસર થયું હોય તો રાહુલ ગાંધીએ પહેલાં લોકસભામાંથી રાજીનામું આપવું જોઈએ અને કર્ણાટક તથા તેલંગાણાની સરકારો પાસેથી પણ રાજીનામું અપાવવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે.

રાહુલ ગાંધી દેશમાં અરાજકતાનો માહોલ બનાવવા માગે છે: ગિરિરાજ સિંહ
'દિલ્હી ચલો'ના આહ્વાન અને વિપક્ષના સતત વિરોધ પ્રદર્શનો અંગે પ્રતિક્રિયા આપતાં કેન્દ્રીય મંત્રીએ રાહુલ ગાંધી પર દેશમાં અરાજકતાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે બાંગ્લાદેશ અને નેપાળની સ્થિતિનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કેટલાક લોકો ભારતમાં પણ આવો માહોલ ઊભો કરવા માગે છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી અને તેમની સાથે રહેલા વિપક્ષી નેતાઓના ઇરાદા હવે લોકો સમક્ષ ખુલ્લા પડી ગયા છે.

શ્રમિકોની સાપ્તાહિક રજા અંગે મિલમાલિકો અને મજૂરોને સાથે રાખવાની વાત
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોને કાયદા મુજબ સાપ્તાહિક રજા ન મળતી હોવાની, રજાની માગણી કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવતા હોવાની અને 12-12 કલાકની ડ્યૂટી કરાવવામાં આવતી હોવાની ફરિયાદો અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, તેઓ મિલમાલિકો અને મજૂરોને એકબીજાના વિરોધી માનતા નથી.

તેમણે જણાવ્યું હતું કે, મિલ માલિક અને મજૂર એક જ સિક્કાની બે બાજુ છે. મિલ માલિકે મજૂરને પોતાના પરિવારનો સભ્ય માનવો જોઈએ અને મજૂરે પણ મિલ માલિક સાથે પારિવારિક સંબંધ જાળવવો જોઈએ. આ પ્રકારનો સંબંધ સૌથી સારો છે. જોકે, શ્રમિકોની સાપ્તાહિક રજા અને અન્ય ફરિયાદોના ઉકેલ માટે કોઈ ચોક્કસ નિર્ણયની જાહેરાત કર્યા વિના તેમણે આ મુદ્દે આગળ વાત કરવાની તૈયારી દર્શાવી હતી.

સુરતમાંથી શ્રમિકોના પલાયનને ગણાવ્યું વિપક્ષનું નેરેટિવ
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાંથી શ્રમિકો વતન તરફ જઈ રહ્યા હોવાની ચર્ચા અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપો અંગે ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, 'પલાયન' શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી અને આ વિપક્ષ દ્વારા ઊભું કરવામાં આવેલું નેરેટિવ છે.

તેમણે દાવો કર્યો હતો કે, ડબલ એન્જિન સરકારના કારણે વિવિધ રાજ્યોમાં રોજગારીની તકો વધી છે. બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ રોજગારની તકો ઊભી થઈ રહી છે. જો કોઈ શ્રમિકને પોતાના વતનમાં વધુ સારું કામ મળતું હોય અને તે ત્યાં જવા માગતો હોય, તો તેને પલાયન કહી શકાય નહીં. તેમણે વિપક્ષના આક્ષેપોને રાજકીય નેરેટિવ ગણાવી ફગાવી દીધા હતા.

દેશની આર્થિક પ્રગતિ અને નિકાસમાં વૃદ્ધિનો દાવો
ટેક્સટાઇલ ક્ષેત્રમાં મંદી અને કંપનીઓ દ્વારા મનસ્વી રીતે ભાવ વધારવાના સવાલ પર કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, ખાડી ક્ષેત્રના યુદ્ધની અસર સમગ્ર વિશ્વ પર પડી છે. તેમ છતાં, તેમની દલીલ મુજબ ઉત્પાદનોના ભાવમાં પ્રમાણસર વધારો થયો નથી. કંપનીઓ દ્વારા ભાવ વધારાના મુદ્દે તેમણે તપાસ કર્યા બાદ જ યોગ્ય જવાબ આપી શકાશે તેમ જણાવ્યું હતું. દેશના અર્થતંત્ર અંગે વાત કરતાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો થયો હોવાનો દાવો કર્યો હતો. તેમણે દેશના વૈશ્વિક આર્થિક સ્થાન અને નિકાસમાં વૃદ્ધિનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, ભારતની નિકાસમાં નોંધપાત્ર વધારો થયો છે.

ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નો વચ્ચે મંત્રીના નિવેદનથી ચર્ચા
ત્રણ દિવસીય સુરત મુલાકાત દરમિયાન કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે એક તરફ દેશની આર્થિક પ્રગતિ અને રોજગારીની તકો વધ્યાનો દાવો કર્યો હતો, તો બીજી તરફ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગમાં શ્રમિકોની સાપ્તાહિક રજા, લાંબી ડ્યૂટી અને નોકરીમાંથી કાઢી મૂકવા જેવી ફરિયાદો અંગે મિલમાલિકો તથા મજૂરો વચ્ચે સારા સંબંધો જાળવવાની વાત કરી હતી.

આ પણ વાંચો:

  1. ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા પોલીસની કામગીરીને લઇને આક્ષેપ, મેવાણી સહિતના નેતાઓએ નોંધાવ્યો વિરોધ
  2. CJPના દિલ્હી પ્રદર્શન પહેલા ગુજરાત પોલીસની કાર્યવાહી, અમદાવાદમાં જીજ્ઞા વ્યાસ- દેવ દેસાઇ સહિત અનેક કાર્યકરો ડિટેઇન