SC-ST અને માઇનોરિટી સાથે ભેદભાવ? વિધાનસભામાં કોંગ્રેસનો હંગામો, ગૃહમાંથી વોકઆઉટ
કોંગ્રેસનો આક્ષેપ- ST, SC અને માઇનોરિટી સમાજ માટે ઓછી રકમની ફાળવણી કરવામાં આવે છે અને જે ફાળવણી થાય છે તે પણ અસરકારક રીતે વપરાતી નથી.

Published : February 26, 2026 at 2:11 PM IST
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી દરમિયાન તણાવપૂર્ણ દૃશ્યો સર્જાયા. બજેટ ફાળવણીમાં ભેદભાવના આક્ષેપો સાથે કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસનો આરોપ છે કે રાજ્ય સરકાર દ્વારા ST, SC અને માઇનોરિટી સમાજ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં જણાવ્યું કે, રાજ્યની બહુમતી વસ્તી હોવા છતાં ST, SC અને માઇનોરિટી સમાજને વસ્તી પ્રમાણમાં બજેટ ફાળવવામાં આવતું નથી. તેમણે દાવો કર્યો કે, ફાળવવામાં આવતું બજેટ પણ સંપૂર્ણપણે ખર્ચાતું નથી, જેના કારણે કલ્યાણ યોજનાઓનો લાભ હકદાર લોકો સુધી પહોંચતો નથી.
તેમણે આંકડા રજૂ કરતા જણાવ્યું કે, વર્ષ 2024-25 દરમિયાન સફાઈ કામદાર વિકાસ નિગમને 76.50 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તેમજ પછાત વિકાસ નિગમને 41 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી અંદાજે 35 ટકા રકમ વપરાઈ જ નથી. વધુમાં, કોળી વિકાસ નિગમને 81 કરોડ રૂપિયા ફાળવાયા હોવા છતાં તેની આશરે 81 ટકા રકમ ખર્ચાઈ નથી.
કોંગ્રેસનો આક્ષેપ છે કે, એક તરફ ST, SC અને માઇનોરિટી સમાજ માટે ઓછી રકમની ફાળવણી કરવામાં આવે છે અને જે ફાળવણી થાય છે તે પણ અસરકારક રીતે વપરાતી નથી. જ્યારે અન્ય નિગમો માટે મોટી રકમ ફાળવવામાં આવે છે. કોંગ્રેસે સરકાર પર બજેટમાં ભેદભાવ રાખવાનો ગંભીર આરોપ મૂક્યો.
અંતે કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે સ્પષ્ટ ચર્ચા અને યોગ્ય જવાબની માંગ સાથે ગૃહમાંથી વોકઆઉટ કર્યું. કોંગ્રેસે કહ્યું કે, ભાજપ સરકાર ST, SC અને માઇનોરિટી વિરોધી છે અને ભાજપના ધારાસભ્યો પણ આ સમાજ માટે અવાજ ઉઠાવવા તૈયાર નથી. હવે નજર એ બાબતે રહેશે કે સરકાર આ આક્ષેપોને લઈને શું જવાબ આપે છે અને આગામી દિવસોમાં આ મુદ્દે વિધાનસભામાં શું વલણ રહે છે.
આ પણ વાંચો:

