નર્મદા ભાજપમાં ચાલતા આંતરિક વિવાદનો ગાંધીનગરમાં આવ્યો સુખદ અંત! ડૉ. દર્શના દેશમુખ જિલ્લા પ્રમુખથી હજુ નારાજ?
ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વારંવાર થતા અપમાન અને પક્ષમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ અંગે ગાંધીનગર ખાતે પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરી છે.

Published : June 20, 2026 at 9:07 PM IST
નર્મદા: નર્મદા ભાજપમાં ચાલી રહેલો આંતરિક વિવાદ હવે પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચ્યો છે. ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે વારંવાર થતા અપમાન અને પક્ષમાં ચાલી રહેલા કેટલાક મુદ્દાઓ અંગે ગાંધીનગર ખાતે પ્રદેશ નેતૃત્વ સમક્ષ રજૂઆત કરી છે. તેમણે મંત્રી નરેશ પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને મળીને પોતાની વાત રજૂ કરી હોવાનું જણાવ્યું છે.
આ સમગ્ર મામલામાં જિલ્લા પ્રમુખ નીલ રાવ તરફથી હજુ સુધી ધારાસભ્ય સાથે કોઈ ફોન પર કે રૂબરૂ મુલાકાત થઈ નથી, તેવી માહિતી પણ ધારાસભ્યએ આપી હતી. આવનારા સમયમાં તમામ નેતાઓ એક જ મંચ પર જોવા મળશે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં ધારાસભ્યએ "નો કોમેન્ટ" કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું. રાજકીય વર્તુળોમાં આ જવાબને જિલ્લા પ્રમુખ પ્રત્યેની નારાજગી તરીકે પણ જોવામાં આવી રહ્યો છે.
બીજી તરફ જિલ્લા પ્રમુખ નીલ રાવ હજુ સુધી આ મુદ્દે મીડિયા સમક્ષ ખુલ્લી પ્રતિક્રિયા આપવા આગળ આવ્યા નથી. જોકે પક્ષના નેતૃત્વ સમક્ષ સાંસદ અને ધારાસભ્ય દ્વારા કેટલાક પુરાવા રજૂ કરાયા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે.
નર્મદા ભાજપામાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા આંતરિક વિવાદનો આખરે ગાંધીનગરમાં સુખદ અંત આવ્યો છે. રાજપીપળા ખાતે ધારાસભ્યના અપમાનના મુદ્દે શરૂ થયેલો વિવાદ પ્રદેશ નેતૃત્વ સુધી પહોંચ્યો હતો. હવે ગાંધીનગરમાં યોજાયેલી બેઠક બાદ તમામ મતભેદો દૂર થયાનો દાવો કરવામાં આવ્યો છે.
સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી એક પરિવારની જેમ કાર્ય કરતી પાર્ટી છે અને પરિવારમાં નાના-મોટા મતભેદો થતા હોય છે. પરંતુ પ્રદેશ નેતૃત્વના માર્ગદર્શનથી તમામ મતભેદોનો ઉકેલ આવી ગયો છે. તેમણે કહ્યું કે, પાર્ટી અને પ્રજાના હિત માટે સૌએ સાથે મળીને કાર્ય કરવું જરૂરી છે. સાંસદે વધુમાં જણાવ્યું કે, નર્મદા જિલ્લો પછાત જિલ્લો હોવાથી તેના વિકાસ માટે સંગઠિત પ્રયાસોની જરૂર છે. સોશિયલ મીડિયામાં વિવાદાસ્પદ પોસ્ટો અને એકબીજા સામેની ટિપ્પણીઓ બંધ કરવા માટે પણ કાર્યકરોને અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો:

