ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર, રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ બનાવવાનું વચન
ભાજપનું સંકલ્પ પત્ર જાહેર: ‘આદર્શ ગાંધીનગર’ના વિઝન સાથે સ્માર્ટ રોડથી નમો લાઇબ્રેરી અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સુધીના વાયદા

Published : October 8, 2026 at 8:33 PM IST
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી-2026ને લઈને ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી આગામી પાંચ વર્ષમાં ગાંધીનગરના વિકાસનો રોડમેપ રજૂ કર્યો છે. આધુનિક, સ્માર્ટ, સ્વચ્છ, હરિયાળું અને સર્વસમાવેશી શહેર બનાવવાના વિઝન સાથે ભાજપે માળખાગત સુવિધા, ટેકનોલોજી, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ, પર્યટન, પર્યાવરણ તેમજ ગ્રામ્ય-શહેરી વિકાસને પ્રાથમિકતા આપી છે.
સંકલ્પ પત્રના જાહેર કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ ડૉ. આશિષ દવે, ધારાસભ્ય રીટા પટેલ, મેયર મીરા પટેલ સહિત ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. હર્ષ સંઘવીએ આગામી સમયમાં ગાંધીનગરને વધુ સુવિધાસભર અને ભવિષ્યલક્ષી શહેર બનાવવાના ભાજપના વિઝનને રજૂ કર્યું હતું.
LIVE: ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી સંદર્ભે ભારતીય જનતા પાર્ટીના 'સંકલ્પ પત્ર'ની ઘોષણા સ્થળ: હોટલ નિલાયા, પથિકાશ્રમ, ગાંધીનગર. https://t.co/iPknYW3Lv5
— Harsh Sanghavi (@sanghaviharsh) October 8, 2026
સ્માર્ટ રોડ અને ટ્રાફિક વ્યવસ્થા
ભાજપે ચ-રોડને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનો સંકલ્પ કર્યો છે. રોડ નંબર-2 અને 3 તેમજ ઘ-7થી પેથાપુર સુધીના માર્ગને સ્માર્ટ રોડ બનાવવાની યોજના છે. વિવિધ સેક્ટરના એપ્રોચ રોડનું આધુનિકીકરણ અને શહેરના રસ્તાઓને તબક્કાવાર CC રોડમાં રૂપાંતરિત કરવાની જાહેરાત કરવામાં આવી છે. ટ્રાફિક સિગ્નલને AI આધારિત બનાવવાની સાથે ખ-2થી વાવોલ ઓવરબ્રિજ અને ક-7થી રાંધેજા તરફના ઓવરબ્રિજના કામને આગળ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
સેક્ટરોને મળશે આગવી ઓળખ
Theme Based Urban Design હેઠળ ગાંધીનગરના સેક્ટરોનો વિકાસ કરાશે. પ્રવેશદ્વાર, સ્ટ્રીટ ફર્નિચર, ફૂટપાથ, મુખ્ય માર્ગો અને જાહેર સ્થળોનું એકરૂપ સૌંદર્યીકરણ કરવામાં આવશે. સેક્ટર-1 અને સેક્ટર-19માં સ્ટ્રીટ લાઇટ પોલ બદલવાની પણ જાહેરાત કરાઈ છે.
AI, રોબોટિક્સ અને સ્માર્ટ શિક્ષણ પર ભાર
મનપા સંચાલિત શાળાઓમાં AI Lab, Smart Classroom, Digital Learning, STEM અને Robotics આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવાની યોજના છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ સ્કૂલોનો વ્યાપ વધારવા ઉપરાંત ગાંધીનગરને AI, Robotics, Digital Education અને Knowledge Economyનું કેન્દ્ર બનાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આધુનિક Namo Library વિકસાવાશે. મનપામાં સમાવિષ્ટ ગામોમાં પણ પુસ્તકાલય અને વાંચન સુવિધા ઊભી કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરને Sports Capital બનાવવાનો સંકલ્પ
રાંધેજામાં ક્રિકેટ સ્ટેડિયમ અને પેથાપુરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મહિલાઓ માટે અલાયદા જીમ તેમજ વિવિધ રમતોની તાલીમ માટેની સુવિધાઓ વિકસાવવાનું વચન આપવામાં આવ્યું છે.
City Centreથી ‘ગાંધીનગર શહેરી દર્શન’ સુધી
ગાંધીનગરમાં આધુનિક City Centre, Performing Arts Facility અને Town Hall વિકસાવવાની યોજના છે. મીના બજારના પુનઃવિકાસ અને ઘ-5 Open Air Theatreને વધુ સુવિધાસભર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ગાંધીનગરને Tourist Destination તરીકે વિકસાવવા ‘ગાંધીનગર શહેરી દર્શન’ નામે Theme Based Double-Decker AC Bus Service શરૂ કરવાની દિશામાં આયોજન કરાશે. અંબાપુર વાવના Heritage Site Development Project હેઠળ વિકાસ અને સૌંદર્યીકરણ પણ કરાશે.
સેક્ટર-1 તળાવનું રિ-ડેવલપમેન્ટ
ગાંધીનગરની હરિયાળી ઓળખને વધુ મજબૂત બનાવવા સેક્ટર-1 તળાવનું રિ-ડેવલપમેન્ટ કરાશે. વોક-વે, લેન્ડસ્કેપિંગ, બેઠક અને મનોરંજનની સુવિધાઓ ઊભી કરવાની સાથે મુખ્ય માર્ગો અને સેક્ટરોમાં થીમ આધારિત પ્લાન્ટેશન કરવામાં આવશે.
ગામડાઓમાં શહેર જેવી સુવિધાઓનો વાયદો
મનપામાં સમાવિષ્ટ ગોકુળપુરા, કતેપુરા, આદીવાડા અને કુબેરનગર સહિતના વિસ્તારોમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, ગટર, પાણી સહિતની માળખાગત સુવિધાઓ વિકસાવવાની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ્ય ચોક અને લેબર ચોક તેમજ રાંધેજામાં Community Hall વિકસાવવાનો પણ સંકલ્પ છે.
Zonal Office અને Urban Challenge Fund
નાગરિકોને ફરિયાદો અને પ્રમાણપત્રો માટે દૂર સુધી ન જવું પડે તે માટે Zonal Offices વિકસાવવાની યોજના છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના યોગદાનથી મળનારા Urban Challenge Fundનો ઉપયોગ મોટા અને ભવિષ્યલક્ષી Urban Infrastructure Projects માટે કરવાની વાત સંકલ્પ પત્રમાં કરવામાં આવી છે.
સ્વચ્છતા અને આરોગ્ય પર ભાર
સોલિડ વેસ્ટના નિકાલ માટે બાયોમાઇનિંગ પદ્ધતિ અપનાવવાની સાથે ખાદ્યપદાર્થોની ગુણવત્તા ચકાસવા Mobile Food Safety Testing Van/Laboratory શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. પશુઓ માટે આધુનિક Animal Hospital, રખડતા અને બીમાર પશુઓની સારવાર તથા પશુઓના મૃતદેહના વૈજ્ઞાનિક અને સન્માનજનક નિકાલ માટે અંતિમ સંસ્કારની વ્યવસ્થા ઊભી કરવાનો પણ સંકલ્પ છે.
ભરતસિંહ સોલંકીનો ભાજપના સંકલ્પ પત્ર પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ભાજપના સંકલ્પ પત્ર પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપની કરણી અને કથણી અલગ છે. કોંગ્રેસનો મેનિફેસ્ટો પ્રજાલક્ષી છે, જ્યારે ભાજપ મોટા મોટા વાયદા કરે છે પરંતુ ગાંધીનગરના ખાડા પણ સાચા અર્થમાં પૂરી શકતું નથી અને બ્યુટીફિકેશનની વાતો કરે છે.
તેમણે કહ્યું કે ભાજપ વર્ષોથી સ્માર્ટ સિટીની વાતો કરે છે. ગાંધીનગર પહેલાં સુંદર અને ગ્રીન સિટી તરીકે ઓળખાતું હતું, પરંતુ હવે ગ્રીન સિટીમાં ઝાડ કાપવામાં આવ્યા છે. પ્રાથમિક સુવિધાઓથી વંચિત નાગરિકોને ગુમરાહ કરવા માટે ભાજપે આ મેનિફેસ્ટો જાહેર કર્યો હોવાનો આક્ષેપ પણ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો.
આ પણ વાંચો:

