ગાંધીનગર મનપા ચૂંટણી: AAPનો ભાજપ પર ગંભીર આક્ષેપ, ઉમેદવારને ધમકાવી સમર્થન લેવાયું હોવાનો ગોપાલ ઇટાલિયાનો દાવો
ભાજપના લોકો દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

Published : October 6, 2026 at 1:14 PM IST
ગાંધીનગર: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટીએ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. AAPના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો છે કે, ભાજપના લોકો દ્વારા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ડરાવવા-ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વોર્ડ નંબર 7ના AAP ઉમેદવાર રાહુલ વાઘેલાને ધમકીઓ આપવામાં આવી હોવાનો દાવો તેમણે કર્યો છે.
ભાજપ AAPના ઉમેદવારોને ધમકાવતું હોવાનો ઇટાલિયાનો આરોપ
ગોપાલ ઇટાલિયાના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 7માંથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે રાહુલ વાઘેલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે, ફોર્મ ભરાયા બાદ ચૂંટણીના અંતિમ તબક્કામાં રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન જાહેર કર્યું છે. આ ઘટનાને લઈને AAP દ્વારા ભાજપ સામે સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, રાહુલ વાઘેલાને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો દ્વારા ડરાવવામાં અને ધમકાવવામાં આવ્યા હતા અને તેમના દાવા મુજબ, રાહુલ વાઘેલાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી અને તેમના પરિવારને પણ ધમકાવવામાં આવ્યો હતો જેના કારણે લાચાર બનીને રાહુલ વાઘેલાએ ભાજપને સમર્થન આપવાનો નિર્ણય કર્યો હોવાનો ઇટાલિયાએ દાવો કર્યો હતો.
ઇટાલિયાએ વધુમાં જણાવ્યું કે, ભાજપ દ્વારા ચૂંટણી જીતવા માટે રાજકીય દબાણનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. AAPના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાંથી હટાવવા માટે ડરાવવા-ધમકાવવાની રાજનીતિ કરવામાં આવી રહી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
રાહુલ વાઘેલા અગાઉ પણ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી ચૂક્યા હોવાનું ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું. આ વખતે તેમણે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી હતી. જોકે, હવે તેમણે ભાજપને સમર્થન જાહેર કરતાં ગાંધીનગર મનપાની ચૂંટણીમાં આ મુદ્દો રાજકીય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના આક્ષેપો બાદ હવે ભાજપ તરફથી આ અંગે શું પ્રતિક્રિયા આપવામાં આવે છે તે જોવું મહત્વનું રહેશે. જોકે, રાહુલ વાઘેલાને ખરેખર ધમકીઓ આપવામાં આવી હતી કે કેમ તે અંગે કોઈ સ્વતંત્ર પુષ્ટિ હાલ સામે આવી નથી.
આ પણ વાંચો:

