Explained: ખામેનેઇનું મોત અને હૉર્મુઝ સંકટ વચ્ચે ચર્ચામાં કેમ છે ભારતનું 'તેલ સુરક્ષા કવચ'?
હોર્મુઝ સ્ટ્રેટ એ સાંકડો દરિયાઈ માર્ગ છે જેના દ્વારા વિશ્વના તેલનો પાંચમો ભાગ પસાર થાય છે. ભારત પોતાની જરૂરિયાતો માટે તેના પર નિર્ભર છે.

Published : March 2, 2026 at 8:26 AM IST
અમેરિકા-ઇઝરાયેલના હુમલામાં શનિવારે ઇરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઇના મોતે પશ્ચિમ એશિયા (મિડલ ઇસ્ટ)ને દાયકાઓમાં તેના સૌથી અસ્થિર સમયગાળામાં ધકેલી દીધો છે. આ ઘટનાબાદ મોટા પ્રાદેશિક યુદ્ધનો ખતરો દરરોજ વધી રહ્યો છે. આ ચિંતા ત્યારે વધી ગઇ જ્યારે રવિવારે ઓમાને સમાચાર આપ્યા કે 'હોર્મુઝ સ્ટ્રેટ' નજીક તેના એક ઓઇલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો છે.
હોર્મુઝ સમુદ્રધુનીએ સાંકડો દરિયાઇ માર્ગ છે જેમાંથી લગભગ વિશ્વના પાંચમા ભાગનું તેલ પસાર થાય છે. ભારત માટે, જે પોતાની તેલ જરૂરિયાતો માટે આ દરિયાઇ માર્ગો પર ખૂબ નિર્ભર છે, આ સંકટે 'વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (SPR) અથવા ઇમરજન્સી તેલ ભંડાર તરફ ફરી ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
ભારત વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ આયાતકારોમાંનોએક છે, જે તેના વપરાશના લગભગ 80-90 ટકા ભાગ આયાત દ્વારા પૂર્ણ કરે છે. દર મહિને આવતા ક્રૂડ ઓઇલ શિપમેન્ટનો એક મોટો ભાગ હોર્મુઝમાંથી પસાર થાય છે.
હોર્મુઝની નજીક ઓમાનના તેલ ટેન્કર પર થયેલા હુમલાના અહેવાલોએ એવી આશંકા વધુ વધારી છે કે વિશ્વનો આ સૌથી મહત્ત્વપૂર્ણ ઉર્જા માર્ગ યુદ્ધભૂમિ બની શકે છે. ભારત માટે, જેની ઉર્જા જીવનરેખા આ વિવાદિત દરિયાઈ માર્ગોમાંથી પસાર થાય છે, વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)નું મહત્ત્વ 'લાંબા ગાળાની સાવચેતી' થી 'તાત્કાલિક આર્થિક સુરક્ષા કવચ' માં બદલાઈ ગયું છે.

SPR શું છે અને તેની કલ્પના ક્યારે કરવામાં આવી હતી?
અમેરિકાનું SPR (સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ)એ વિશ્વનો સૌથી મોટો ઇમરજન્સી ક્રૂડ ઓઇલ રિઝર્વ છે, તેની સ્થાપના મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનોના પુરવઠામાં વિક્ષેપોની અસર ઘટાડવા અને આંતરરાષ્ટ્રીય ઉર્જા કાર્યક્રમ હેઠળ વોશિગ્ટન (અમેરિકન સરકાર)ની જવાબદારીઓને પૂર્ણ કરવા માટે કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારની માલિકીનું આ તેલ ભંડાર 'ગલ્ફ ઓફ અમેરિકા'ના દરિયા કિનારા પર ચાર સ્થળોએ મોટા ભૂગર્ભ મીઠાની ગુફાઓમાં સંગ્રહિત છે. SPRનો વિશાળ આકાર (રિપોર્ટ્સ અનુસાર, તેની ક્ષમતા 71.4 કરોડ બેરલ છે) તેને તેલ આયાત કાપ સામે એક મુખ્ય રક્ષણ અને મુખ્ય વિદેશ નીતિનો હથિયાર બનાવે છે.
જ્યારે પણ અમેરિકાના રાષ્ટ્રપતિને 'ઉર્જા નીતિ અને સંરક્ષણ અધિનિયમ' (EPCA) હેઠળ લાગે છે કે તેલ વેચવું જરૂરી છે ત્યારે SPRના તેલને વેચવામાં આવે છે. ઐતિહાસિક રીતે, અમેરિકાના રાષ્ટ્રપતિએ અત્યાર સુધી ચાર વખત SPRમાંથી ઇમરજન્સી તેલ જાહેર કરવાની પરવાનગી આપી છે.
ભારતે પોતાનો SPR બનાવવાનો નિર્ણય કેમ લીધો?
ભારતમાં SPR બનાવવાનો વિચાર 1991ના ગલ્ફ વોરથી શરૂ થયો હતો, જ્યારે ઇરાકના કુવૈત પરના આક્રમણથી વૈશ્વિક તેલ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને કિંમતોમાં તીવ્ર ઉછાળો આવ્યો હતો. તે સમયે, ભારત ગંભીર ચુકવણી સંતુલનના સંકટનો સામનો કરતું હતું અને તેની પાસે ફક્ત થોડા અઠવાડિયાની આયાતને આવરી લેવા માટે પૂરતો વિદેશી હૂંડિયામણ ભંડાર હતો. આ તેલ સંકટથી પશ્ચિમ એશિયામાં ભૂ-રાજકીય ઘટનાઓ પ્રત્યે ભારતની નબળાઈ છતી થઈ હતી.

આ સંકટે લાંબા ગાળાની ઉર્જા સુરક્ષા વ્યૂહરચના માટે બીજ વાવ્યા હતા, જોકે તેને અમલમાં મૂકવામાં એક દાયકાથી વધુ સમય લાગ્યો. 2000ના દાયકાની શરૂઆતમાં ઔપચારિક SPR માટેના પ્રસ્તાવને વેગ મળ્યો. 1998 માં, સરકારે ઇમરજન્સી તેલ ભંડાર બનાવવાની સંભાવનાઓની તપાસ માટે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ આંતરરાષ્ટ્રીય ઉર્જા સુરક્ષા ધોરણો અનુસાર ઓછામાં ઓછા 90 દિવસની આયાત જેટલી જ સ્ટોરેજ બનાવવાની ભલામણ કરી હતી.
2004માં, ભારત સરકારે SPR કાર્યક્રમના પ્રથમ તબક્કામાં ભૂગર્ભ ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સુવિધાઓના નિર્માણને ઔપચારિક રીતે મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે, 2006માં ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ્સ લિમિટેડ (ISPRL)ની રચના કરવામાં આવી હતી.
ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર ક્યાં છે?
ભારતનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર (SPRs) ત્રણ સ્થળોએ સ્થિત છે. વિશાખાપટ્ટનમ, મેંગલુરુ અને પાદુર (ઉડુપી નજીક). આ વ્યૂહાત્મક ભંડાર તેલ કંપનીઓ દ્વારા રાખવામાં આવેલા હાલના ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ઉત્પાદન ભંડાર કરતા વધારાનો છે, જે કોઈપણ પુરવઠા વિક્ષેપ દરમિયાન એક સુરક્ષા કવચ તરીકે કામ કરી શકે છે.
આ સુવિધાઓનું નિર્માણ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય હેઠળ તેલ ઉદ્યોગ વિકાસ બોર્ડ (OIDB)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની, ISPRL દ્વારા સંચાલિત કરવામાં આવી રહ્યું છે.
આ ક્રૂડ ઓઇલ ભંડાર ભૂગર્ભ જમીનની નીચે ખડક ગુફાઓમાં સ્થિત છે અને ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારા પર સ્થિત છે. આ ગુફાઓમાંથી ક્રૂડ ઓઇલ ભારતીય રિફાઇનરીઓને પાઇપલાઇન દ્વારા અથવા પાઇપલાઇન અને દરિયાઇ માર્ગોના સંયોજન દ્વારા સપ્લાય કરી શકાય છે. ભૂગર્ભ ખડક ગુફાઓને હાઇડ્રોકાર્બન (જેમ કે ક્રૂડ તેલ) સંગ્રહિત કરવાનું સૌથી સુરક્ષિત સાધન માનવામાં આવે છે.
ભારતના SPRની ક્ષમતા કેટલી છે?
અત્યાર સુધી, ભારતના SPR નેટવર્કની કુલ સ્થાપિત ક્ષમતા 5.33 મિલિયન મેટ્રિક ટન (MMT) છે જેમાં વિશાખાપટ્ટનમમાં 1.33 MMT, મેંગલોરમાં 1.50 MMT અને પાદુરમાં 2.50 MMTનો સમાવેશ થાય છે. જો માત્ર તેનો જ ઉપયોગ કરવામાં આવે તો આ સુવિધા સામુહિક રીતે ભારતના કુલ તેલ વપરાશના આશરે 9 થી 10 દિવસ પૂરા કરવા માટે પૂરતી છે.
સામાન્ય રીતે, આ વ્યૂહાત્મક તેલ ભંડારનો ઉપયોગ માત્ર મુખ્ય પુરવઠા કટોકટી દરમિયાન જ થાય છે અને તે તેલ રિફાઇનરીઓ અને કંપનીઓ દ્વારા રાખવામાં આવેલા વ્યાપારી સ્ટોકથી અલગ હોય છે. જ્યારે SPR ક્ષમતાને રિફાઇનરીઓ અને ફ્લોટિંગ સ્ટોરેજ (જહાજો પર સંગ્રહ) માં રાખવામાં આવેલા સ્ટોક સાથે જોડવામાં આવે છે, ત્યારે ભારતનો કુલ તેલ ભંડાર આશરે 74 દિવસની ચોખ્ખી આયાત જરૂરિયાતો જેટલો હોવાનો અંદાજ છે - ઊર્જા સુરક્ષાનો એક વ્યાપક માપ અને તેમાં ઉપલબ્ધ તમામ પુરવઠાનો સમાવેશ થાય છે.
બીજા તબક્કા હેઠળ વિસ્તારની યોજના
ભૌગોલિક રાજકીય અસ્થિરતા અને વધતી જતી ઉર્જા માંગ દ્વારા ઉભા થયેલા જોખમોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)ની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવા માટે મહત્ત્વાકાંક્ષી ફેઝ II વિસ્તરણ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ, સરકારે ઓડિશામાં ચાંડીખોલ (4 MMT) ખાતે વધારાની વાણિજ્યિક-કમ-વ્યૂહાત્મક તેલ સંગ્રહ સુવિધાઓના નિર્માણ અને પાદુર (2.5 MMT) સુવિધાના વિસ્તરણને મંજૂરી આપી છે.
બીજા તબક્કા હેઠળ આ નવા કેન્દ્ર મળીને સામૂહિક રીતે 6.5 MMTની વધારાની ક્ષમતા ઉમેરશે. જ્યારે 5.33 MMTની વર્તમાન ક્ષમતા સાથે જોડવામાં આવે છે, ત્યારે ભારતની કુલ SPR ક્ષમતા લગભગ 11.83 MMT ક્રૂડ ઓઇલ સુધી વધી જશે.
મિડલ ર્ઇસ્ટ સંકટ ભારતના SPRનું મહત્ત્વ કેમ વધારે છે?
દુનિયાનું લગભગ 20 ટકા ક્રૂડ ઓઇલ અને LNG પુરવઠો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થાય છે. અહીં નાનો વિક્ષેપ અથવા ખતરાની આશંકા પણ તેલની કિંમતમાં ભારે ઉછાળો લાવી શકે છે. ભારત આ રસ્તા પરથી રોજના લગભગ 26 લાખ બેરલ ક્રૂડ ઓઇલ આયાત કરે છે અને અહીં કોઇપણ વિક્ષેપ તાત્કાલિક પુરવઠાની અછત અથવા કિંમતોમાં ભારે વધારો કરી શકે છે.
આવી સ્થિતિમાં, પોતાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ (SPR)નો ઉપયોગ કરીને ભારતને વૈકલ્પિક સ્ત્રોતો અથવા માર્ગો સ્થાપિત ન થાય ત્યાં સુધી તેની રિફાઇનરીઓ અને સ્થાનિક ઇંધણ પુરવઠાનું સંચાલન જાળવવામાં મદદ કરી શકે છે. આ આંતરરાષ્ટ્રીય તેલના ભાવમાં ટૂંકા ગાળાના વધારાને પણ ઘટાડી શકે છે, જે અન્યથા ભારતમાં મોંઘવારી અને આર્થિક દબાણનું કારણ બનતું.
જોકે ભારતે રશિયા અને અમેરિકામાંથી આયાત વધારીને અને ગલ્ફ દેશો પર તેની નિર્ભરતા ઘટાડીને તેના તેલ સ્ત્રોતોમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આ બદલાવમાં સમય લાગે છે અને આ વૈશ્વિક લોજિસ્ટિક્સ અને કિમતો પર આધાર રાખે છે. જ્યાર સુધી લાંબા ગાળાની વ્યૂહરચનાઓ લાગુ ન થાય ત્યાં સુધી આ વ્યૂહાત્મક ભંડાર એક તાત્કાલિક સ્થિરતા તરીકે કામ કરે છે.
ભારતના SPR હવે માત્ર એક નાનો ઇમરજન્સી બફર નથી રહ્યો પરંતુ રાષ્ટ્રીય અને વૈશ્વિક મહત્ત્વના ઊર્જા સુરક્ષા માળખામાં વિકસિત થયો છે.
આ પણ વાંચો:

