ગુજરાતમાં સિંહોના હુમલામાં સતત મોતને ભેટી રહ્યાં છે લોકો, કોની જવાબદારી ?
સિંહોની વધતી સંખ્યા, તેમના સંવર્ધનનો ખતરો અને ઘટતો ખોરાકનો પુરવઠો સામાન્ય લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો છે.

Published : July 19, 2026 at 1:55 PM IST
|Updated : July 24, 2026 at 3:48 PM IST
સચિન શર્મા: છેલ્લા બે મહિનાથી ગુજરાતમાંથી ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. છેલ્લા બે મહિનામાં એશિયાઈ સિંહોએ છ લોકોને મારી નાખ્યા. ગત વર્ષોની સરખામણીમાં આ સૌથી મોટો મોતનો આંકડો છે, જ્યાં માનવ-વન્યજીવ સંઘર્ષમાં સતત લોકો જીવ ગુમાવી રહ્યા છે. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. આ મૃત્યુની ઘટનાઓનીથી વન્યજીવ નિષ્ણાતોએ કરેલી બે આગાહીમાંથી એક આગાહી સાચી ઠરી રહી છે કે, ગુજરાતમાં સિંહોની વધતી સંખ્યાથી નવ જીવન ઉપર જોખમ ઉભું થશે. નિષ્ણાંતોની બીજી વાત સાચી ઠરશે તો તે વિનાશક હશે. આ મૂલ્યાંકન એવું સૂચવે છે કે, ઇનબ્રીડિંગના કારણે, આ સિંહોમાં વહેલા કે મોડા કોઈ રોગચાળો ફાટી નીકળશે, જે એક જ વખતમાં તેમની સમગ્ર વસ્તીનો નાશ કરી નાખવાનું જોખમ છે. ઇનબ્રીડિંગનો અર્થ એ છે કે સિંહોના પરિવારોની અંદર જ પ્રજનન થઈ રહ્યું છે. તેમની વસ્તી ગુજરાતના એક નાના વિસ્તારમાં રહેલી છે. તેથી, ઇનબ્રીડિંગને કારણે થતો કોઈપણ રોગચાળો સમગ્ર વસ્તી માટે ઘાતક સાબિત થઈ શકે છે.
શું છે સિંહો સાથે સંકળાયેલો આ સમગ્ર મામલો ?
એશિયામાં, સિંહો ફક્ત ભારતમાં જ જોવા મળે છે. અને તે પણ એક જ રાજ્યમાં અને તે છે ગુજરાત. ગીરના આ સિંહોને એશિયાટિક સિંહ કહેવામાં આવે છે. આ ઉપરાંત આ સિંહો ફક્ત આફ્રિકામાં જ જોવા મળે છે, અને તેમને આફ્રિકન સિંહ કહેવામાં આવે છે. ગુજરાતમાં, આ સિંહોનું આશ્રયસ્થાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે ત્રણ જિલ્લાઓમાં ફેલાયેલું છે, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી. આ રાષ્ટ્રીય ઉદ્યાન 1,412 ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલું છે, જેમાંથી 258 કિલોમીટર મુખ્ય વિસ્તાર છે, જેનો અર્થ ગાઢ જંગલ છે. બાકીના જંગલને બફર ઝોન કહેવામાં આવે છે. એક સમયે જૂનાગઢના નવાબના શિકારનો વિસ્તાર રહેલા આ જંગલમાં 1913 માં ફક્ત 20 સિંહ બચ્યા હતા. 18 સપ્ટેમ્બર, 1965 ના રોજ, આ જંગલને રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો, અને ત્યારથી, સિંહોની વસ્તી સતત વધી રહી છે.
VIDEO | Caught on CCTV: Lions on the prowl, chasing cattle at night in Gujarat's Amreli.
— Press Trust of India (@PTI_News) July 14, 2026
(Source: Third Party)
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/qvffSInzgv
2006 થી 2010 ની વચ્ચે, ઉદ્યાનમાં લગભગ 400 સિંહ હતા. 2020 માં, તેમની સંખ્યા વધીને 674 થઈ ગઈ હતી, અને હવે તેઓ 891 પર પહોંચી ગઈ છે. હવે, આ સંખ્યા એટલી વધી ગઈ છે કે, આ સિંહો જંગલમાંથી બહાર નીકળીને લોકોના ઘરોમાં પણ ઘૂસી રહ્યા છે, પશુઓને મારી રહ્યા છે અને ગામડાની શેરીઓમાં પણ વિહાર કરી રહ્યા છે. આ સિંહો લોકોને જંગલમાં ખેંચીને લઈ જઈ રહ્યા છે. તાજેતરમાં, ગિરનાર પર્વતની સીડી પરથી ખેડા જિલ્લાના 11 વર્ષના મયુરસિંહ ચૌહાણ નામના બાળકને ન માત્ર ખેંચી લીધો પરંતુ બે સિંહોએ મળીને તેને ફાડી પણ ખાધો હતો. તાજેતરમાં એક ઘટના ખુબ વાયરલ થઈ, જ્યારે ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજિયા ગામના કાળુભાઈ ગોભાયા પરમાર નામના એક માલધારીને એક સિંહણે 30 મિનિટ સુધી પોતાના પંજા અને જડબામાં ઝકડી રાખ્યો હતો. આ દ્રશ્ય જોઈને સૌ કોઈના રૂંવાટા ઉભા થઈ ગયા હતાં. આ સ્થિતિમાં કાળુભાઈ સ્વસ્થ અને શાંત રહ્યા અને વગર ધૈર્ય ગુમાવ્યે પોતાના ડરને દૂર કરીને, સિંહણને હળવેથી વ્હાલ પૂર્વક હાથ ફેરવતા રહ્યા. સિંહણે તેમને ન માર્યા અને થોડીવાર પછી ત્યાંથી સિંહણ ચાલી ગઈ, પરંતુ દરેક વ્યક્તિ કાળુભાઈ જેટલા નસીબદાર ન હોઈ શકે.

આ સમસ્યાનો ઉકેલ હતો, પરંતુ ગુજરાત સરકારના વલણથી વાત ન બની
આ વાત 20 વર્ષ જૂની છે. 2006 માં, હું દેહરાદૂનના વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં પ્રખ્યાત વન્યજીવન વૈજ્ઞાનિક યાદવેન્દ્ર વી. ઝાલા સાથે બેઠો હતો. વિષય આ જ હતો. મેં પૂછ્યું કે ગુજરાતમાં સિંહોની વસ્તી ઝડપથી વધીને 500 થઈ રહી છે તેનાથી શું અસર પડશે. તેમણે જવાબ આપ્યો કે, સમગ્ર સિંહોની વસ્તી હવે જોખમમાં છે. ઇનબ્રીડિંગથી રોગચાળો વકરી શકે છે. સિંહોથી લોકોના જીવને જોખમ પણ વધશે. જેને પગલે સિંહોને ત્યાંથી સ્થળાંતર કરવાની યોજના છે. તે અન્ય જગ્યા હતી, મધ્યપ્રદેશના શ્યોપુરમાં આવેલું કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન. હા, એ જ જંગલ જ્યાં ચિત્તાઓ હાલમાં દોડાદોડી કરી રહ્યાં છે, સાથે મળીને શિકાર કરી રહ્યાં છે અને મિત્રોની જેમ રહી રહ્યાં છે. કુનોનું જંગલ ખુબ સુંદર છે. હું ઘણી વખત તેની મુલાકાત લઈ ચુક્યો છું. તે જંગલ એશિયાટિક સિંહોનું બીજું ઘર બનવાનું હતું, પરંતુ ગુજરાત રાજ્યના હઠીલા વલણે આવું થવા ન દીધું. ગુજરાત સરકાર તેની યુએસપી (યુનિક સેલિંગ પ્રપોઝિશન) ને જાળવી રાખવાની ચિંતા કરતી હતી. આનો અર્થ એ થયો કે ગુજરાત રાજ્ય તેમના સિંહોને અન્ય કોઈ રાજ્ય સાથે વહેંચવા માંગતું ન હતું. ગુજરાતે હંમેશા સિંહોને સાંકળીને પોતાની ઓળખ જાહેર કરી છે, એવામાં તે મધ્યપ્રદેશને પોતાના સિંહો આપવામાં માંગતુ ન હતું. જોકે, આનાથી ગુજરાતની પ્રજા અને સિંહોની વસ્તીને નુકસાન થવાની શક્યતા હતી. બાદમાં આ મામલો 2006 માં સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, પરંતુ તેના પર કોઈ નિર્ણય આવી ન શક્યો. બીજી તરફ, મધ્યપ્રદેશ સરકાર કુનો પર 14 કરોડ રૂપિયા ખર્ચ કરી ચુકી હતી, તે ગુજરાત પાસેથી ફક્ત એક જ ગૌરવ એટલે સિંહોનો પરિવાર, જેમાં અડધો ડઝનથી એક ડઝન સભ્યો હોઈ શકે છે. આ મામલો ઘણા વર્ષો સુધી સુપ્રીમ કોર્ટમાં લટકતો રહ્યો, પરંતુ ગુજરાતે એક પણ ગૌરવ આપ્યું નહીં. ત્યારબાદ, 2011 માં, તત્કાલીન કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશના કાર્યકાળ દરમિયાન, કુનોમાં ચિત્તાઓને લાવવાની યોજના બનાવવામાં આવી. ઘણા ઉતાર-ચઢાવ પછી, આખરે આ યોજના શરૂ થઈ, અને 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ, નામિબિયાથી આઠ ચિત્તાને લાવવામાં આવ્યા. ત્યારબાદ, દક્ષિણ આફ્રિકાથી 12 વધુ ચિત્તા અને બોત્સ્વાનાથી 9 વધુ ચિત્તા લાવવામાં આવ્યા. ચિત્તાઓને કુનોનો આ વિસ્તાર ખુબ જ માફક આવી ગયો અને ત્યાં પ્રજનન પણ કર્યું. આનાથી કુનોમાં ચિત્તાઓની કુલ સંખ્યા 49 થઈ ગઈ છે, જેમાં બચ્ચાનો પણ સમાવેશ થાય છે. અહીંથી 3 ચિત્તાઓને ગાંધી સાગર અભયારણ્યમાં પણ રાખવામાં આવ્યા છે. આ રીતે મધ્યપ્રદેશમાં હવે કુલ કુલ ચિતાઓની સંખ્યા 52 થઈ ગઈ છે, અને તે દેશનું ટાઈગર સ્ટેટ હોવાની સાથે ચિત્તા સ્ટેટ પણ બની ગયું છે, અને દેશનું એકમાત્ર એવું રાજ્ય બનીને ઉભર્યુ છે જ્યાં ચિત્તા જોવા મળે છે.

સિંહો ઉપર પણ સંકટ
એવું નથી કે માનવીઓ પર હુમલો કર્યા પછી સિંહો પર જોખમ નથી મંડરાતુ. તેમને બે બાજુ જોખમનો સામનો કરવો પડે છે. માનવભક્ષી બનેલા સિંહને બેભાન કરીને તેને રેસ્ક્યૂ કરવામાં આવે છે, અને પછી તેને રેસક્યૂ સેન્ટરમાં મોકલી દેવામાં આવે છે. ત્યાર બાદ આવા સિંહને જંગલમાં પરત છોડવાની શક્યતા નહિંવત થઈ જાય છે. હાલમાં જ અમરેલીમાં એક યુવાન પર થયેલા સિંહના જીવલેણ હુમલાથી ભગત નામના સિંહ અને તેના પરિવાર ઉપર આવું જ સંકટ આવી પડ્યું. રાત્રિ દરમિયાન એક યુવાન જ્યારે જીપમાંથી ઉતરીને ભગતનો વીડિયો ઉતારી રહ્યો હતો તે દરમિયાન તેણે આ યુવક પર જીવલેણ હુમલો કરીને તેનું મૃત્યું નીપજાવ્યું. આ ઘટના બાદ વન વિભાગે તે સિંહને પકડીને તેને રેસક્યૂ સેન્ટરમાં મોકલી દીધો. હવે, ભગતનો પરિવાર જંગલમાં કોઈ મોભી નર વગરનો થઈ ગયો છે. વહેલા કે મોડા, અન્ય વિચરતા નર તેના પરિવાર પર હુમલો કરીને તેના બચ્ચાઓને મારી નાખશે. તેવી જ રીતે, સિંહોના ગામડાઓની આસપાસ ફરતા સિંહો અને તેમના દ્વારા કરાયેલા પશુઓના મારણને શ્વાનો દ્વારા ખાવાથી સિંહોમાં કેનાઇન ડિસ્ડેંપર નામનો જીવલેણ રોગ ફેલાઈ છે. વર્ષ 2018 માં, આ રોગથી જ 23 સિંહોના મૃત્યું થયા હતાં, જ્યારે આ વર્ષે મે-જૂનમાં, આ રોગથી અન્ય 8 સિંહોના મૃત્યું થયા. આમ, માનવ-વન્યજીવ સંઘર્ષના પરિણામો બંને પક્ષ ભોગવે છે.

ગુજરાતના લોકો સામે છે વાસ્તવિક જોખમ
ગીર રાષ્ટ્રીય ઉદ્યાનના સિંહો કોર ઝોન કરતાં બફર ઝોનમાં વધુ રહે છે. કોર ઝોનમાં 394 સિંહો છે, જ્યારે લગભગ 500 સિંહો બફર ઝોનમાં રહે છે. ગુજરાત સરકારની હઠ છે કે, સિંહોની વસ્તી ગુજરાતની અંદર જ રહે તેનાથી સૌથી મોટું જોખમ અહીંના લોકો ઉપર જ છે. પહેલાં, સિંહો દ્વારા માનવીઓને મારી નાખવાના જૂજ જ બનાવો બનતા હતા. સિંહો સામાન્ય રીતે તેમના પરિવારો સાથે ખુલ્લામાં રહે છે, અને લાંબા સમયથી, એક સામાન્ય નિયમ હતો કે તેઓ માણસો પર હુમલો કરતા નથી. આપણે અસંખ્ય એવા વીડિયો જોયા છે જેમાં સિંહો બેઠા હોવા છતાં લોકો બાઈક કે જીપથી તેની આસપાસથી પસાર થતાં રહે છે. હવે, સિંહોનીવધતી વસ્તી સાથે, સિંહો પર દબાણ વધી રહ્યું છે. તેમના માટે જંગલમાં ખોરાક સતત ઘટી રહ્યો છે. સિંહોનો આહાર મુખ્યત્વે શાકાહારી પ્રાણીઓ હોય છે. હરણ અને અન્ય શિકારમાં ઘટાડો થતાં, સિંહોએ સૌપ્રથમ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસના ગામડાઓમાં પશુઓનો શિકાર કરવાનું શરૂ કર્યું, અને હવે તેઓ માણસો પર હુમલો કરી રહ્યા છે. મોટી બિલાડીઓમાં, વાઘ અને દીપડાઓનો માણસો પર હુમલો કરવાનો લાંબો ઇતિહાસ છે. ઉત્તરાખંડમાં, ચંપાવતની માનવભક્ષી વાઘણે 436 લોકોને મારી નાખીને કાળનો કોળીયો બનાવ્યો હતો, જે એક ઇતિહાસ છે. બાદમાં, પ્રખ્યાત શિકારી જીમ કોર્બેટે તે વાઘણને મારી નાખી હતી. સિંહો હજુ સુધી તે સ્તરે પહોંચ્યા નથી, પરંતુ જો તેઓ આ રીતે પહોંચવા લાગે, તો ગીરની આસપાસ રહેતા લોકો જીવ પર મોટું જોખમ મંડરાઈ જશે. આ સંદર્ભે થોડા સમય પહેલા 2007 થી 2012 દરમિયાન મધ્યપ્રદેશના મુખ્ય વન્યજીવન વોર્ડન અને પીસીસીએફ તરીકે સેવા આપી ચુકેલા આર.એસ.નેગી સાથે વાતચીત થઈ રહી હતી,તેઓ વિતેલી યાદોમાં ગરકાવ થઈ જાય છે. તેઓ કહે છે કે, તે દરમિયાન સુપ્રીમ કોર્ટના વલણથી એવું લાગતું હતું કે, તે ગુજરાત સરકારને સિંહોને કુનોમાં સ્થળાંતરિત કરવાનો આદેશ બસ આપવાના જ હતા, પરંતુ આવું ન થઈ શક્યું. જો તે સમયે એવું થયું હોત, તો કુનોમાં સિંહોની સારી એવી વસ્તી થઈ ચુકી હોત હોત, અને ગીર પર ઘણાં અંશે દબાણ આવ્યું હોત. નેગી હાલમાં કુનોને ચિત્તાઓથી આબાદ જોઈને ખુશ છે, પરંતુ તેઓ એવું પણ ઇચ્છે છે કે ગુજરાતના સિંહોની એક નિર્ઘારતી વસ્તીને તેમના માટે વધુ યોગ્ય બીજા રાજ્યના જંગલમાં સ્થાનાંતરિત કરવામાં આવે. આ સ્પષ્ટપણે જરૂરી છે, અને જો તેમ નહીં થાય, તો ગુજરાતના લોકો સિંહોના જીવલેણ હુમલાનો ભોગ બનીને તેમની સરકારની જીદની કિંમત ચૂકવતા રહેશે.
(ડિસ્ક્લેમર: આ લેખમાં વર્ણાવેલા વિચારો,મંતવ્યો અને તથ્યો લેખકના પોતાના છે.)

