પશ્ચિમ એશિયા સંઘર્ષની ભારત પર અસરો અને તેની પહોંચી વળવા માટે સરકારની નીતિઓ
ઈરાન-અમેરિકા યુદ્ધની ભારતીય અર્થતંત્ર પર શું અસર પડી છે? પશ્ચિમ એશિયાઈ કટોકટીના સંચાલન માટે ભારત સરકાર શું કરી રહી છે?

Published : May 6, 2026 at 7:20 PM IST
એસ. મહેન્દ્ર રાવ
છેલ્લા દાયકામાં દુનિયા સતત અવ્યવસ્થાની સ્થિતિમાં દેખાઈ રહી છે જેમાં ખાસ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) સહિત ઝડપી ટેક્નોલોજીકલ પ્રગતિ, ભૂ- રાજકીય સંઘર્ષો, ટ્રેડ વૉર, સપ્લાય ચેઇનની સમસ્યાઓ અને તાજેતરમાં અમેરિકા-ઇઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો સમાવેશ થાય છે. 28 ફેબ્રુઆરીએ પશ્ચિમ એશિયામાં શરૂ થયેલા આ સંઘર્ષને બે મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે. ઊર્જા નિષ્ણાતો લાંબા સમયથી ચેતવણી આપતા આવ્યા છે કે ઈરાનમાં યુદ્ધ ઇતિહાસમાં સૌથી મોટો તેલ પુરવઠાનો ઝટકો આપી રહ્યું છે. આ સંઘર્ષ ટૂંક સમયમાં સમાપ્ત થતો દેખાતો નથી.
આ સંદર્ભમાં, ભારતીય અર્થતંત્ર પર આ યુદ્ધનો શું પ્રભાવ પડે છે? પશ્ચિમ એશિયાના આ સંકટ પર નિયંત્રણ માટે ભારતીય સરકારે કયા પગલાં લીધા છે?
એ હકીકત છે કે, આ સંઘર્ષનો ભારતીય અર્થતંત્ર પર નોંધપાત્ર પ્રતિકૂળ અસર થશે, કારણ કે દેશ તેની ક્રૂડ ઑઈલની જરૂરિયાતનો 90% અને ગેસ (LNG)ની જરૂરિયાતનો 50% આયાત કરે છે. તેમ છતાં, પશ્ચિમ એશિયાના યુદ્ધથી ઉત્પન્ન થયેલા વૈશ્વિક પડકારો સામે ભારતે સ્થિતિસ્થાપકતા દર્શાવી છે. મજબૂત મૂળભૂત તત્ત્વોને કારણે અર્થતંત્ર મજબૂત અને સ્થિર રહ્યું છે: નાણાંકીય ખાધ GDPના 4.4% છે; ડેબ્ડ-જીડીપી રેશિયો કેન્દ્ર માટે GDPના 56% છે; રાજ્યો સાથે મળીને 81% GDP છે; અન્ય દેશોના ઊંચા દેવા સાથે સરખામણી કરતાં ભારતનું દેવું સૌથી ઓછામાંનું એક છે; એક્સટર્નવ ડેબ્ડ-જીડીપી રેશિયો માત્ર 19.1% છે; હાલમાં ચલણ ખાતાની ખાધ લગભગ 1.2% છે; બેંકિંગ અને ખાનગી ક્ષેત્ર સારી સ્થિતિમાં છે; સરકારે મૂડી ખર્ચ વધાર્યો છે.
જોકે પુરવઠા તરફના આંચકા આવ્યા છે, માંગ તરફ હજુ પણ મજબૂત સ્થિતિ છે, જેમાં પેસેન્જર વાહનોનું વધુ વેચાણ, GST કલેક્શન, મધ્યમ અને ભારે વાહનોના વેચાણ વગેરેનો સમાવેશ થાય છે. માર્ચ મહિનાના વેપાર આંકડાઓ દર્શાવે છે કે વેપાર સંતુલન પર મર્યાદિત અસર થઈ છે, જેમાં મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડિફિસિટ હકીકતમાં USD 21.69 બિલિયનથી ઘટીને USD 20.67 બિલિયન થયું છે. આ દર્શાવે છે કે વિવિધ બજારોમાં સારા નિકાસ પ્રદર્શનના કારણે યુદ્ધનો પ્રભાવ ઘટાડવામાં આવી રહ્યો છે.
રૂપિયો નબળો થયો છે એ હકીકત છે અને તે પ્રતિ US ડોલર 94 થી 95 સુધી પહોંચ્યો છે. આ ભાગે સ્ટોક માર્કેટમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPI) દ્વારા વેચાણના કારણે છે. પશ્ચિમ એશિયામાં સ્થિતિ સામાન્ય બનશે ત્યારે FPIs ફરીથી ભારતમાં પાછા ફરશે. કુલ FDI પ્રવાહ 2025-26માં $90 બિલિયન રહેવાની અપેક્ષા છે. સુધારાઓ અને સપ્લાય ચેઇનના પરિવર્તનોના સમર્થનથી 2030 સુધી વાર્ષિક પ્રવાહ $100 બિલિયન સુધી પહોંચી શકે છે.
ભારતમાં રોકાણની ગતિ નીતિની સ્પષ્ટતા, સંસ્થાકીય પ્રતિબદ્ધતા અને વૈશ્વિક રોકાણકારો દ્વારા ભારતની વ્યવસ્થાઓ પર મૂકવામાં આવેલા વિશ્વાસનું સીધું પરિણામ છે. તેમજ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, મધ્ય પ્રદેશ, તેલંગાણા અને અન્ય કેટલાક રાજ્યો સક્રિય નીતિઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસના કારણે ટોચના રોકાણ કેન્દ્રો તરીકે ઉભર્યા છે.
COVIDથી ભિન્ન રીતે, ભારત પશ્ચિમ એશિયા શૉકનો સામનો મજબૂત વૃદ્ધિ અને નિયંત્રિત મોંઘવારી સાથે કરી રહ્યું છે. 2025-26 માટે GDP વૃદ્ધિ 7.6% તરીકે અંદાજવામાં આવી છે અને સંઘર્ષ પહેલાં 2026-27 માટેની વૃદ્ધિ લગભગ 7% નજીક ગણવામાં આવી હતી. RBIના અંદાજ મુજબ, 2026-27 માટે વાસ્તવિક GDP વૃદ્ધિ 6.9% રહેશે અને મોંઘવારી 4.6% રહેશે, જે $85 પ્રતિ બેરલ ક્રૂડ ઑઈલના ભાવના અનુમાન પર આધારિત છે. જો ક્રૂડ ઑઈલનો ભાવ $95 પ્રતિ બેરલ માનવામાં આવે, તો 2026-27માં GDP વૃદ્ધિ 6.7% અને મોંઘવારી 5% રહેશે. આ દર્શાવે છે કે વૈશ્વિક કાચા તેલના ભાવમાં વધારો થાય છતાં વૃદ્ધિ અને મોંઘવારી પરનો પ્રભાવ નિયંત્રણમાં રહેશે. હા, આ સમગ્ર વિશ્લેષણ એ બાબત પર આધારિત છે કે યુદ્ધ કેટલો લાંબો ચાલે છે અને વિક્ષેપ કેટલો લાંબો સમય રહે છે.
પશ્ચિમ એશિયાના સંકટના પ્રભાવને પહોંચી વળવા માટે સરકારની નીતિઓ શું છે?
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષના પ્રભાવને ઘટાડવા માટે નાણાંકીય (fiscal), નાણાંકીય નીતિ (monetary), વેપાર અને પુરવઠા-પક્ષના હસ્તક્ષેપોનું સંયોજન અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. સરકારે એક ઇમરજન્સી રિસ્પોન્સ મિકેનિઝમ વિકસાવ્યું છે, જે COVID પછીથી સંકટોને પહોંચી વળવામાં મદદરૂપ થયું છે.
નાણાંકીય ક્ષેત્રમાં, ભારતીય રિઝર્વ બેંકે ચલણની સ્થિરતા જાળવવા, લિક્વિડીટી પ્રેશન ઘટાડવા અને નિકાસ ક્રેડિટ સમયમર્યાદા વધારવા માટે પગલાં લીધાં છે, જ્યારે નિકાસકારો અને અસરગ્રસ્ત ક્ષેત્રોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. આંતર-મંત્રાલય સંકલન જૂથ અને સશક્ત સમૂહો જેવા સંસ્થાકીય મિકેનિઝમ વેપાર વિક્ષેપોની સક્રિય દેખરેખ રાખી રહ્યા છે અને ઝડપી નીતિ પ્રતિસાદ સુનિશ્ચિત કરી રહ્યા છે, જેમાં યુદ્ધ જોખમ વીમા માળખાની રચનાનો પણ સમાવેશ થાય છે.
LPGના ભાવમાં વધારો માત્ર વાણિજ્યિક ક્ષેત્ર માટે છે, સામાન્ય ગ્રાહકો પર તેનો પ્રભાવ પડતો નથી. તેવી જ રીતે, ATFના ભાવમાં વધારો માત્ર આંતરરાષ્ટ્રીય ઉડાનો માટે છે, જ્યારે સ્થાનિક મુસાફરોને તેની અસરથી બચાવવામાં આવ્યા છે.
બાહ્ય ક્ષેત્રમાં, ઊર્જા સ્ત્રોતોના વિવિધિકરણ, લાંબા ગાળાના ઇંધણ પુરવઠાની સુરક્ષા અને પૂરતા જથ્થાની જાળવણી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, સાથે જ વેપાર બજારોને વિવિધ બનાવવા માટે FTAs નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
દેશની અંદર, મોંઘવારી નિયંત્રણ માટે ખાતર સબસિડી ચાલુ રાખવી અને ગભરાટમાં ખરીદી (panic buying)ને નિરોત્સાહિત કરવાના પગલાં લેવામાં આવી રહ્યા છે, જે સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. આ પગલાંઓને જાહેર મૂડી ખર્ચમાં સતત વધારો, નિશાનબદ્ધ હસ્તક્ષેપ માટે ઉપલબ્ધ નાણાકીય જગ્યા અને મજબૂત ઇમરજન્સી પ્રતિસાદ પ્રણાલીઓનો આધાર મળ્યો છે, જે મળીને ભારતની બાહ્ય આંચકાઓ સામેની સ્થિતિસ્થાપકતા વધારવામાં સહાય કરે છે.
આ સંઘર્ષે દર્શાવ્યું છે કે, ભારત કોમોડિટી શૉક્સ, ખાસ કરીને તેલ માટે કેટલું સંવેદનશીલ છે. આ સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવી શકાય? વર્તમાન સંઘર્ષ એક સુવ્યવસ્થિત જોખમ-વ્યવસ્થાપન અભિગમના મહત્ત્વને ઉજાગર કરે છે. પહેલાં, ભારતે ઊર્જા, ખાદ્યપદાર્થો, ખાતરો, ધાતુઓ અને મહત્વપૂર્ણ ખનીજોમાં આવેલા આર્થિક “ચોકપોઈન્ટ્સ”ની ઓળખ કરીને જથ્થા અને કિંમતો બંનેના જોખમોને સક્રિય રીતે ઘટાડવા જોઈએ. આ માટે વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર અને મુખ્ય કોમોડિટીના જથ્થા સહિત ભૌતિક બફર્સને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાની જરૂર છે, જેથી પરંપરાગત રીતે ફોરેક્સ અને ખાદ્ય જથ્થા પરના ધ્યાનથી આગળ વધાઈ શકે.
બીજું, આયાત પરની અતિ નિર્ભરતા ઘટાડવા માટે સપ્લાયના સ્ત્રોતો અને વેપાર માર્ગોનું વિવિધિકરણ કરવું જરૂરી છે, જેને વધુ અસરકારક રીતે FTAs નો ઉપયોગ કરીને સમર્થન મળી શકે. ત્રીજું, મધ્યમ ગાળામાં સૌથી ટકાઉ ઉકેલ એ છે કે ફોસિલ ફ્યુઅલ પરની રચનાત્મક નિર્ભરતા ઘટાડવા માટે રિન્યુએબલ એનર્જી, ઊર્જા સંગ્રહ અને વીજળીકરણ તરફના પરિવર્તનને ઝડપી બનાવવું, જેથી અર્થતંત્રને વારંવાર થતા બાહ્ય કોમોડિટી આંચકાઓથી સુરક્ષિત રાખી શકાય.
આ ઉપરાંત, અભ્યાસો દર્શાવે છે કે અન્ય પણ ચોકપોઈન્ટ્સ છે. ભારતના લગભગ 70% સક્રિય ફાર્માસ્યુટિકલ ઘટકો (APIs) ચીનમાંથી આવે છે અને કેટલાક અંદાજો મુજબ એન્ટિબાયોટિક્સ માટે આ પ્રમાણ લગભગ 90% સુધી પહોંચે છે. તે જ રીતે, સોલાર પેનલ્સમાં વપરાતા પોલિસિલિકોનનું સંપૂર્ણ આયાત થાય છે અને 90% કરતાં વધુ લિથિયમ-આયન બેટરીઓ પણ ચીનમાંથી આવે છે. તેથી, ભારત આ કોન્સન્ટ્રેશન રિસ્કને ઘટાડવા માટે બહુ-આયામી અભિગમ અપનાવી રહ્યું છે.
આગળ જોતા, લક્ષ્ય માત્ર “સરેરાશ વૃદ્ધિ દર” વધારવાનું ન હોવું જોઈએ, પરંતુ શૉક્સને વધુ સારી રીતે ઝીલવા માટે વૃદ્ધિમાં અસ્થિરતા ઘટાડવાનું હોવું જોઈએ. આ “જોખમ વ્યવસ્થાપન”નો અભિગમ સરકારના તમામ સ્તરે વ્યાપક રીતે અપનાવવામાં આવવો જોઈએ.
પશ્ચિમ એશિયાના યુદ્ધથી ઊભા થયેલા વર્તમાન ઊર્જા આંચકાથી ફોસિલ ફ્યુઅલથી દૂર જવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે. ભારત પહેલેથી જ 2070 સુધી નેટ ઝીરો (Net Zero) હાંસલ કરવાની દૃષ્ટિ માટે પ્રતિબદ્ધ છે. 2031-35 માટેના નેશનલી ડિટર્માઇન્ડ કોન્ટ્રિબ્યુશન્સ (NDC)ના તાજેતરના અપડેટ્સમાં આ દિશામાં સ્પષ્ટ લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં GDPની ઉત્સર્જન તીવ્રતા ઘટાડવી, નોન-ફોસિલ આધારિત સ્થાપિત ક્ષમતામાં વધારો કરવો અને જંગલો તથા વૃક્ષ આવરણ દ્વારા વધારાનો કાર્બન સિંક બનાવવાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે અગાઉના NDCના લક્ષ્યો સમય પહેલાં જ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.
પરમાણુ ઊર્જાના સંદર્ભમાં, SHANTI અધિનિયમ ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે અનુકૂળ માળખું પૂરૂં પાડે છે. પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે તાજેતરમાં ક્રિટિકાલિટી હાંસલ કરી છે, જે લાંબા ગાળાની ઊર્જા સુરક્ષા પ્રાપ્ત કરવા માટેનું મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે.
રાષ્ટ્રીય સ્તરે, તેલ પરની નિર્ભરતા ઘટાડવા માટે વિવિધ નીતિ પહેલો અમલમાં છે, ખાસ કરીને પરિવહન ક્ષેત્રમાં, જેમ કે બાયોફ્યુઅલ્સનો ઉપયોગ, કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG), સસ્ટેનેબલ એવિએશન ફ્યુઅલ (SAF) અને ઇલેક્ટ્રિક મોબિલિટી તરફનો પ્રોત્સાહન. તાજેતરના બનાવોએ ઊર્જા પુરવઠાના વિવિધ સ્ત્રોતોના મહત્વને ફરીથી ઉજાગર કર્યું છે. સમય જતાં ઑઈલ મોનોપોલીઝની શક્તિ ઘટશે. વિકલ્પ સ્ત્રોતોની ઉપલબ્ધતાને કારણે તેલના ભાવ લાંબા સમય સુધી ઊંચા રહેવાની શક્યતા ઓછી છે.
આ વર્ષે ભારતીય કૃષિ અને અર્થતંત્ર માટે બીજી એક ચિંતા એલ નીનો પ્રભાવવાળું ચોમાસું છે. ભારતીય કૃષિ પર એલ નીનોનો પ્રભાવ તેની તીવ્રતા તેમજ વરસાદના ભૂગોળીય અને સમયગત વિતરણ પર આધાર રાખે છે. અનુમાન મુજબ જુલાઈ પછી એલ નીનો વિકસવાની શક્યતા છે. પાકોની વૃદ્ધિ માટે જુલાઈનો વરસાદ સૌથી મહત્વપૂર્ણ હોય છે. તે જ રીતે, પ્રાદેશિક સ્તરે વરસાદનું વિતરણ અલગ અલગ રહેશે. ઇન્ડિયન ઓશન ડાયપોલ (IOD) એલ નીનોના પ્રભાવને કંઈક હદ સુધી સમતોલ કરી શકે છે.
જોકે સામાન્ય કરતાં ઓછો વરસાદ ધરાવતું ચોમાસું જોખમો ઊભા કરી શકે છે, આજે ગ્રામ્ય અર્થતંત્ર પર તેનો પ્રભાવ અગાઉના દાયકાઓની સરખામણીમાં ઢાંચાગત રીતે અલગ છે. સિંચાઈ આવરણ, પાણી વ્યવસ્થાપન પદ્ધતિઓ, સુધારેલા બીજ અને પાક વૈવિધ્યકરણમાં નોંધપાત્ર સુધારા થયા છે, જેના કારણે 1970 અને 1980ના દાયકાની જેમ નહીં, નબળું ચોમાસું આપમેળે ખાદ્ય મોંઘવારીમાં તીવ્ર વધારો અથવા ઉત્પાદનના ગંભીર નુકસાન તરફ દોરી જતું નથી. સંગ્રહ અને પુરવઠા શૃંખલા માળખાને પણ મજબૂત બનાવવામાં આવી છે. તેથી, પૂરતા જળાશય સ્તરો અને સુધારેલી સિંચાઈના કારણે કૃષિ પરનો કુલ પ્રભાવ અગાઉના દાયકાઓની તુલનામાં ઓછો રહેવાની શક્યતા છે.
તેમ છતાં, પરિસ્થિતિ સતત બદલાતી રહી છે અને તેની નજીકથી દેખરેખ જરૂરી છે, ખાસ કરીને પાકની ઉપજ અને ખેડૂતોના ઇનપુટ ખર્ચ પર પડતા કોઈપણ પ્રતિકૂળ પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે.
અંતમાં, પશ્ચિમ એશિયાનો સંઘર્ષ ભારતીય અર્થતંત્ર માટે નોંધપાત્ર ચિંતાઓ ઊભી કરે છે. તેમ છતાં, કુલ મળીને જોવામાં આવે તો, અસરની વ્યાપકતા સંઘર્ષ કેટલો લાંબો ચાલે છે તેના પર નિર્ભર રહેશે, છતાં ભારતના મજબૂત મેક્રોએકોનોમિક મૂળભૂત તત્ત્વો તેને આવા આંચકાઓને શોષી લેવા માટે તુલનાત્મક રીતે વધુ લવચીક સ્થિતિમાં મૂકે છે.
તે જ રીતે, એલ નીનોના સંભવિત પ્રભાવને સંતુલિત કરવા માટે સરકાર વિવિધ નીતિ પગલાંઓ દ્વારા પહેલેથી જ વધુ સારી રીતે તૈયાર છે.
આ પણ વાંચો:

