SIR- સાર્વત્રિક મતાધિકાર ભાવનાનું ઉલ્લંઘન
ઉત્તર પ્રદેશમાં SIR પ્રક્રિયાએ લગભગ 18% મતદારોને દૂર કર્યા, 15.4 કરોડ મતદારોમાંથી 12.6 કરોડ લોકો જ પોતાના ફોર્મ પરત કરી શક્યા

Published : January 11, 2026 at 7:01 AM IST
અરુંધતી દુરુ અને સંદીપ પાંડે:
જ્યારે ભારત આઝાદ થયું ત્યારે સ્વતંત્રતાની લડાઇના સ્વપ્નદ્રષ્ટા નેતાઓના કારણે લોકોને મત આપવાનો અધિકાર એક મૂળભૂત અધિકાર તરીકે મળ્યો. આ લોકશાહીમાં સ્વાભાવિક વાત માનવામાં આવી, ખાસ કરીને તે લોકો માટે જે વિદેશી શાસન હેઠળ મૂળભૂત નાગરિક અધિકારોથી પણ વંચિત હતા. સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવીઝનની પ્રક્રિયા શરૂ થયા પહેલા, ભારતમાં રહેતા દરેક વ્યક્તિને વોટર તરીકે રજિસ્ટર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને લોકોને કોઇ બીજા ઓળખના પુરાવાના આધાર પર મત આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા, જો તેમની પાસે ચૂંટણી ફોટો ઓળખ કાર્ડ ન હોય અને તેમનું નામ ચૂંટણી પંચની યાદીમાં હતું. એવું માનવામાં આવતું હતું કે વિદેશીઓ જ્યાં સુધી ભારતીય નાગરિકતા પ્રાપ્ત કરવા માટે પૂરતા લાંબા સમય સુધી ભારતમાં રહ્યા ન હોય ત્યાં સુધી મતદાન નહીં કરે. તેથી જે કોઈ પોતાને ભારતીય નાગરિક માનતા હતા તેમને મતદાન કરવાનો અધિકાર હતો. આ સાર્વત્રિક મતાધિકારનો વિચાર છે.
હવે, SIR ના આગમન સાથે સાર્વત્રિક મતાધિકારની વિભાવના ખોરવાઈ ગઈ છે. તે ફક્ત તેના નામ મુજબ સુધારો નથી. તે મતદારોની યાદીઓ નવેસરથી બનાવી રહ્યું છે. SIRનો જણાવેલ હેતુ મૃત, ડુપ્લિકેટ અને કાયમી રીતે સ્થળાંતરિત લોકોને દૂર કરવાનો છે. પરંતુ વાસ્તવમાં તે સંખ્યાબંધ અન્ય કેટેગરીના લોકોને પણ હટાવી રહ્યું છે જેઓ જો માત્ર સુધારો કરવામાં આવ્યો હોત તો યાદીમાં સ્થાન મેળવી શક્યા હોત.

ઉત્તર પ્રદેશનો કિસ્સો લઇએ, જ્યાં 16.1 કરોડની પુખ્ત વસ્તી છે. રાજ્યએ હાલમાં જ આગામી પંચાયત ચૂંટણી માટે બૂથ લેવલ અધિકારીઓ દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને મતદારોની સંખ્યા 12.7 કરોડ દર્શાવી છે. આ ફક્ત ગ્રામીણ મતદારો છે. જોકે, ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર યુપી - ગ્રામીણ અને શહેરીમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયામાં, જ્યાં મતદાર યાદીમાં રહેલા 15.4 કરોડ મતદારોમાંથી દરેકને ગણતરી ફોર્મ ભરવાનું કહેવામાં આવ્યું હતું, તેમાંથી માત્ર 12.6 કરોડ લોકો જ પોતાના ફોર્મ પરત કરી શક્યા. આનો અર્થ એ થાય કે SIR પ્રક્રિયા પછી સમગ્ર યુપીના ગ્રામીણ વિસ્તારોમાં પંચાયત ચૂંટણી માટે મતદારોની સંખ્યા યાદીમાં રહેલા મતદારો કરતા ઓછી છે! આ વિસંગતતાને આપણે કેવી રીતે સમજાવી શકીએ? મૃત, ડુપ્લિકેટ અને કાયમી રીતે સ્થળાંતરિત મતદારો ઉપરાંત, મતદારોની અન્ય શ્રેણીઓ પણ હતી જેમણે તેમના BLOને તેમના એન્યુમરેશન ફોર્મ પરત કર્યા ન હતા.
ઘણા મતદારો એવા પણ છે જેમને કંટાળાજનક પ્રક્રિયા હોવા છતાં પોતાના ફોર્મ ઓનલાઇન ભર્યા હતા. મતદારનો મોબાઈલ નંબર તેમના આધાર કાર્ડ અને EPIC સાથે લિંક હોવો જોઈએ અને બે કાર્ડ પરનું તેમનું નામ બરાબર મેચ થતું હોવું જોઇએ, આ એક ઓપ્શન છે જે તેમણે મેન્યુઅલી એન્યૂમરેશન ફોર્મ ભરતા સમયે મળે છે, નહીં તો તમે ઓનલાઇન પ્રોસેસમાં આગળ વધી નહીં શકો. જ્યારે મતદાર ફરીથી ECI વેબસાઇટ પર તેમના એન્યૂમરેશન ફોર્મની સ્થિતિ તપાસવા માટે જાય છે ત્યારે લિંક એક નવું ફોર્મ ખોલવા માટે ખુલે છે. જે મતદારોએ તેમના BLOને ફોર્મ સબમિટ કર્યા હતા અને જેમના ફોર્મ પછીથી અપલોડ કરવામાં આવ્યા હતા તેમને વેબસાઇટ પર એક મેસેજ મળે છે કે તેમના ફોર્મ પહેલાથી જ સબમિટ થઈ ગયા છે. 18 ડિસેમ્બર, 2025ના રોજ CECને આવા એન્યૂમરેશન ફોર્મ સફળતાપૂર્વક ઓનલાઈન ભરવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે પછીથી તપાસવામાં આવી ત્યારે ECI વેબસાઇટ પરથી 'ફોર્મ પહેલાથી જ સબમિટ થઈ ગયો છે' મેસેજ આપતો નહતો. ફરિયાદ પર પણ કોઇ જવાબ મળ્યો ન હતો.

કેટલાક મતદારો પાસે માન્ય EPIC હોય છે પરંતુ જ્યારે તેઓ ECI સાઇટ પર તેમના EPICની સ્થિતિ તપાસે છે, ત્યારે તે લખે છે કે 'કોઈ પરિણામ મળ્યું નથી.' એવું લાગે છે કે તેમના નામ આકસ્મિક રીતે અથવા જાણી જોઈને દૂર કરવામાં આવ્યા છે. પરંતુ તકનીકી રીતે તેમની પાસે EPIC હોવાથી તેમના નામ વર્તમાન મતદાર યાદીમાં હોવા જોઈએ. ગંભીર પ્રશ્ન એ છે કે તેમને તેમનું એન્યૂમરેશન ફોર્મ કેમ ન મળ્યું? કારણ કે તેમને કોઈ એન્યૂમરેશન ફોર્મ મળ્યું ન હોવાથી તેઓ કોઈ ફોર્મ સબમિટ કરી શક્યા નહતા, એટલે કે જ્યારે ECI તેની ડ્રાફ્ટ યાદી પ્રકાશિત કરશે ત્યારે તેમના નામ ગાયબ થઈ જશે.
કેટલાક એવા પણ મતદારો છે જેમની પાસે EPIC નથી પણ તેમના નામ અથવા તેમના માતાપિતા અથવા દાદા-દાદીના નામ 2002-03ની છેલ્લી SIR યાદીમાં દેખાય છે, જેનો અર્થ એ થાય કે તેઓ ECIની નાગરિકતા ટેસ્ટ પાસ કરે છે. પરંતુ તેમને કોઈ એન્યૂમરેશન ફોર્મ મળ્યા નથી, તેથી તેઓ પણ કોઈપણ ફોર્મ સબમિટ કરી ના શક્યા, તેમના નામ પણ ડ્રાફ્ટ રોલમાં દેખાશે નહીં.

એવા મતદારો પણ છે જેમના નામ વર્તમાન મતદાર યાદીમાં છે પરંતુ કોઈ વિકાસ પ્રોજેક્ટને કારણે સરકારે તેમને મોટા પાયે વિસ્થાપિત કર્યા હતા, જેમ કે લખનૌના જૂના અકબર નગરના રહેવાસીઓ. તેમના BLOએ તેમને એન્યૂમરેશન ફોર્મ એમ કહીને આપ્યાન હતા કે તેઓ કાયમી ધોરણે બીજી વિધાનસભામાં જતા રહ્યા છે. યોગ્ય પ્રક્રિયા એ હોવી જોઇતી હતી કે ગણતરી ફોર્મ આપવામાં આવે અને સાથે જ તેમના સરનામા બદલવા માટે ફોર્મ 8 ભરાય. આવા મતદારો પણ કોઇ ગણતરી ફોર્મ સબમીટ ના કરી શક્યા અને તેમણે ડ્રાફ્ટ યાદીમાંથી પોતાનું નામ ગાયબ મળશે.
જોકે, ઉપરોક્ત કેટેગરીના તમામ મતદારો જેમના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવશે તેમને ફોર્મ 6 ભરવાનું કહેવામાં આવી રહ્યું છે, જે પહેલી વાર મતદાર બનવા જઈ રહેલા મતદાતા દ્વારા ભરવામાં આવે છે. આ ફોર્મ ભરતી વખતે એક બાંયધરી આપવી પડશે કે તેઓ ભૂતકાળમાં કોઈપણ મતદાર યાદીમાં નહોતા. તેથી અધિકારીઓ લોકોને ફોર્મ 6 ભરતી વખતે ખોટું બોલવાનું કહી રહ્યા છે અને આનાથી શંકા ઉભી થાય છે કે શું SIR પ્રક્રિયાના પરિણામે દૂર કરાયેલા લગભગ 3 કરોડ નામોમાંથી ઉપરોક્ત કિસ્સાઓ જેવા સાચા મતદારો ક્યારેય મતદાર યાદીમાં સ્થાન મેળવી શકશે?

એ વાત સ્પષ્ટ છે કે આગામી યુપી પંચાયત ચૂંટણીઓ માટે યાદીઓમાં સુધારો કરવા માટે કરવામાં આવેલા સરળ ડોર-ટુ-ડોર સર્વેને બદલે, લોકોને એન્યૂમરેશન ફોર્મ ભરવા માટે કહેવાની SIR પ્રક્રિયાએ લગભગ 18% મતદારોને દૂર કર્યા છે, જેમાંથી મોટી સંખ્યામાં સાચા મતદારો છે. યુપી માટે એક મૂળભૂત પ્રશ્ન એ પણ ઊભો થાય છે કે બે અલગ અલગ સ્તરની ચૂંટણીઓ માટે મતદારોની યાદીમાં સુધારો કરવા માટે બે અલગ અલગ પ્રક્રિયાઓ શા માટે અપનાવવામાં આવી, જેમાં એક જ પુખ્ત વસ્તી માટે બે અલગ અલગ યાદી બનાવવામાં આવી? શું અમલદારશાહીની ઉદ્ધતતા, ગેરવહીવટ અને જનતાનો સમય અને પૈસાની બરબાદીનો આનાથી વધુ સંક્ષિપ્ત ઉદાહરણ હોઈ શકે છે, જે BLOના કિંમતી જીવનનો ઉલ્લેખ કરવા સિવાય, જે આ બધાનો ભોગ બન્યા હતા. શું આ સાર્વત્રિક મતાધિકારની ભાવના વિરુદ્ધ નથી?

નોંધ: અરુંધતી ધુરુ નેશનલ એલાયન્સ ઓફ પીપલ્સ મુવમેન્ટ્સ સાથે જોડાયેલા છે અને સંદીપ પાંડે સોશિયાલિસ્ટ પાર્ટી (ઇન્ડિયા) સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો:

