ETV Bharat / opinion

એપિક ઑફ ગિલગમેશ: માનવ જીવનના અર્થની પ્રાચીન શોધ, શું ખાસ છે 4600 વર્ષ જૂના દુનિયાના પ્રથમ વાર્તારૂપી મહાકાવ્યમાં

માનવજીવનના અનેક પાસાઓને કોતરતી અને સચોટ મેસેજ આપતી 'એપિક ઑફ ગિલગમેશ' એક રસપ્રદ અને અર્થસભર કહાની છે

માનવજીવનના અનેક પાસાઓને કોતરતી અને સચોટ મેસેજ આપતી 'એપિક ઑફ ગિલગમેશ' એક રસપ્રદ અને અર્થસભર કહાની છે
માનવજીવનના અનેક પાસાઓને કોતરતી અને સચોટ મેસેજ આપતી 'એપિક ઑફ ગિલગમેશ' એક રસપ્રદ અને અર્થસભર કહાની છે (WIKIPEDIA)
author img

By ETV Bharat Gujarati Team

Published : April 23, 2026 at 7:00 AM IST

3 Min Read
Choose ETV Bharat

અમદાવાદ: 1853માં ઈરાક (ઐતિહાસિક રીતે મેસાપોટેમિયા)ના મૌસૂલમાં એક આર્કિયોલોજિસ્ટને ખોદકામ વખતે 11 માટીની ટેબ્લેટ્સ મળી. શોધકર્તાએ તેના પર શું લખાયેલું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો. રિસર્સ કરતા સામે આવ્યું કે, તેના પર જે લખાણ છે તે Cuneiform લિપિમાં છે અને તે એક કાવ્યાત્મક અંદાજમાં લખાયેલ વાર્તા હતી! શોધકર્તાઓ માટે આ એક સુખદ આશ્ચર્ય હતું કેમ કે, તેમને અત્યાર સુધી કોઈ નેરેટિવ (વાર્તારૂપી) દસ્તાવેજ પર ક્યારેય મળ્યો નહોતો. બીજા બધા જે લખાણો હતા રાજકીય અથવા કોઈ નોંધ હોતી પણ આ લખાણ તેનાથી અલગ અને વિશેષ હતું. આ રીતે દુનિયાને મળી તેની પ્રથમ લેખિત વાર્તા/મહાકાવ્ય. જેનું નામ હતું, 'એપિક ઑફ ગિલગમેશ'. બાદમાં તેને પુસ્તક રૂપે પ્રકાશિત કરવામાં આવી. 'એપિક ઑફ ગિલગમેશ' ઘણા અર્થોમાં મહાન કૃતિ છે. તેમાં વાંચકને જકડી રાખનારા તમામ એલિમેન્ટ્સ હોવાની સાથે-સાથે અનેક મેટાફર છે. આટલી પ્રાચીન વાર્તા હોવા છતાં તેમાં વાર્તા કહેવાના દરેક એલિમેન્ટ્સ હોવા એ વાતનો પૂરાવો આપે છે કે, માનવ ઈતિહાસમાં વાર્તા કહેવાની સમજણ કેટલી જૂની છે. તો ચાલો જાણીએ શું છે આ 'એપિક ઑફ ગિલગમેશ'ની વાર્તા...

શું છે ગિલગમેશની વાર્તા?

આ મહાકાવ્યનો મુખ્ય પાત્ર ગિલગમેશ છે, તે એક પુરુષ અને દૈવીના મિલનથી જન્મ્યો હતો. ગિલગમેશ એક શક્તિશાળી પરંતુ અહંકારી રાજા હતો. તે સિંહ સાથે લડી શકે એટલો શક્તિશાળી હતો પણ તેનામાં દયાનો અભાવ અને ખૂબ જ ઘમંડ હતો, તે પોતાના રાજ્ય ઉરુકની પ્રજા પર ખૂબ ત્રાસ ગુજારતો હતો, તેમને જબરદસ્તી સૈન્યમાં ભરતી કરવા, ઊંચા ટેક્સ વસૂલવા, સજાઓથી પ્રજા ત્રસ્ત હતી. દેવતાઓ આ અહંકારને કાબૂમાં લેવા માટે એન્કિડુ નામનો જંગલી માણસ બનાવે છે. શરૂઆતમાં બંને વિરોધી હોય છે, પરંતુ પછી તેઓ વચ્ચે ગાઢ મિત્રતા બંધાય છે. આ મિત્રતા કાવ્યનું હાર્દ છે. એક એવી મિત્રતા જે ગિલગમેશના જીવનને સંપૂર્ણપણે બદલી નાખે છે.

બંને મિત્રો સાથે મળીને અનેક સાહસો કરે છે, પરંતુ કથાનો સૌથી ભાવનાત્મક ભાગ ત્યારે આવે છે જ્યારે એન્કિડુનું મૃત્યુ થાય છે. આ ઘટનાથી ગિલગમેશને પહેલીવાર મૃત્યુનો ડર લાગે છે. તે સમજવા લાગે છે કે, બધું જ હોવા છતાં માણસ અંતે મૃત્યુથી બચી શકતો નથી. આ ડર તેને અમરત્વની શોધ માટે એક લાંબી અને કઠિન યાત્રા પર લઈ જાય છે.

એપિક ઑફ ગિલગમેશ
એપિક ઑફ ગિલગમેશ (UNESCO DIGITAL LIBRARY)

ગિલગમેશની આ યાત્રા માત્ર શારીરિક નથી, પરંતુ માનસિક અને આધ્યાત્મિક પણ છે. તે જીવનના સત્યને શોધવાનો પ્રયત્ન કરે છે. અંતે તેને સમજ થાય છે કે અમરત્વ મનુષ્ય માટે શક્ય નથી. સાચું અમરત્વ આપણાં કાર્યો, સંબંધો અને યાદોમાં વસે છે. આ વિચાર ખૂબ જ ઊંડો છે અને આજે પણ દરેક વ્યક્તિને સ્પર્શે છે.

આ મહાકાવ્યમાં એક વિશેષ વાત એ છે કે તેમાં પૂરની એક વાર્તા પણ છે, જે વિશ્વના બીજા ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી વાર્તાઓ જેવી લાગે છે. આથી સમજાય છે કે પ્રાચીન સંસ્કૃતિઓમાં ઘણી સમાન માન્યતાઓ અને કથાઓ હતી.

માનવજીવનના પાસાઓને સ્પર્શ કરતી કૃતિ

“એપિક ઑફ ગિલગમેશ” આપણને શીખવે છે કે જીવનમાં અહંકાર કરતાં સંબંધો વધારે મહત્વના છે, અને અમર થવા કરતાં અર્થપૂર્ણ રીતે જીવવું વધુ જરૂરી છે. આ કાવ્ય માત્ર એક પ્રાચીન વાર્તા નથી, પરંતુ માનવ હૃદયની સદીઓ જૂની સફર છે, જે આજે પણ આપણને જીવન વિશે વિચારવા પ્રેરણા આપે છે.

માનવ ઇતિહાસમાં ઘણા મહાકાવ્યો લખાયા છે, પરંતુ “એપિક ઑફ ગિલગમેશ”નું સ્થાન ખૂબ વિશિષ્ટ છે. આ કૃતિ માત્ર એક સાહસિક રાજાની વાર્તા નથી, પરંતુ જીવન, મિત્રતા અને મૃત્યુ જેવા ગંભીર પ્રશ્નો પર વિચાર કરાવતું એક ગહન સાહિત્ય છે. હજારો વર્ષ પહેલાં લખાયેલું હોવા છતાં, આ કાવ્ય આજે પણ એટલું જ પ્રાસંગિક લાગે છે.

આ પણ વાંચો