ETV Bharat / opinion

શું ભાજપની ચાલમાં ફસાયા છે વિરોધ પક્ષો? જાણો જ્ઞાનેશ કુમારને હટાવવાની કાયદાકીય પ્રક્રિયા કેટલી મુશ્કેલ છે

શું ભાજપ પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા વિરોધ પક્ષનું ધ્યાન ભટકાવી રહ્યું છે?

ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર
ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર (ANI)
author img

By Sachin Sharma

Published : October 8, 2026 at 8:13 PM IST

7 Min Read
Choose ETV Bharat

દેશના ઘણા મુખ્ય વિરોધ પક્ષો અત્યારે ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમાર વિરુદ્ઘ દેશભરમાં દેખાવો કરી રહ્યા છે અને તેમને પોતાના પદ પરથી હટાવવા માંગે છે. વિરોધ પક્ષોનો અન્ય એક મુદ્દો પણ છે, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR). વિરોધ પક્ષ તેમાં ગોલમાલ થયાની ફરિયાદ કરી રહ્યો છે. આ મુદ્દાને લઇને વિરોધ પક્ષોના 'ઇન્ડિયા ગઠબંધન' સહિત કોકરોચ જનતા પાર્ટી (CJP) તેમજ ડાબેરીઓનું વિદ્યાર્થી સંગઠન આઇસા (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોસિયેશન) પણ એક્શનમાં છે. તેઓ પણ સામાન મુદ્દાઓને લઇને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ સમગ્ર મુદ્દો એક અંગ્રેજી અખબારના એ રિપોર્ટને આધાર બનાવીને ઉઠવવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્દ્રિય ચૂંટણી પંચના કુલ ત્રણ કમિશ્નરમાંથી બે સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત જ્ઞાનેશ કુમારના નિર્ણય પર લેખિત વિરોધ દર્શાવ્યો હતો. એક અખબારના રિપોર્ટના આધારે વિરોધ પક્ષનું આટલા મોટા આંદોલનમાં ઝંપલાવવું એ પણ ત્યારે જ્યારે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીને થોડા મહિના જ બાકી છે. તો આવો સમજીએ કે આ આંદોલન સત્તાધારી પક્ષ ભાજપને ફાયદો કરી શકે છે કે મુશ્કેલીઓ વધારી શકે છે.

અખબારનો રિપોર્ટ શું છે?

અંગ્રેજી અખબાર ઇન્ડિયન એક્સપ્રેસે પોતાના 23 સપ્ટેમ્બર 2026ના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 મહિનામાં મુખ્ય ચૂંટણી કમિશ્નરના ઘણા નિર્ણયોથી અન્ય બે ચૂંટણી કમિશ્નર સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી સહમત ન હતા. આ અસહમતિ તેમણે માત્ર મૌખિક નહીં પરંતુ લેખિતમાં પણ જણાવી હતી. અસહમતિના મુખ્ય મુદ્દામાં સ્પેશ્યલ ઇન્ટેસિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા સામેલ હતી. આ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાનારા ફોર્મ-6 પર પણ અસહમતિ દર્શાવી હતી. નવા મતદારો માટે ઉપયોગમાં લેવામાં આવનારા આ ફોર્મ-6માં જે સંશોધન પ્રસ્તાવિત હતા તેના પર બંને ચૂંટણી કમિશ્નર સહમત ન હતા. ખાસ કરીને તે મુદ્દા પર જેમાં નવા મતદારો પાસેથી તેમના દાદા-દાદી કે નાના-નાનીના જૂના ચૂંટણી રેકોર્ડની માહિતી માંગવા માટે કહેવામાં આવ્યું છે. આ સિવાય બધા ચૂંટણી રેકોર્ડને પમ દિલ્હી મુખ્ય મથકમાં કેન્દ્રીકૃત કરવાનો પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આવી રીતે કુલ 14 વખત બંને કમિશ્નરોએ લેખિતમાં જ્ઞાનેશ કુમારને જણાવ્યું હતું કે તેની સલાહ અને જાણકારી વિના તમામ નિર્ણય લેવામાં આવ્યા છે. આ રિપોર્ટથી વિરોધ પક્ષને મુદ્દો મળી ગયો. વિરોધ પક્ષો પહેલેથી જ જ્ઞાનેશ કુમારનો વિરોધ કરી રહ્યા હતા. ઇન્ટેન્સિવ રિવિઝનને પણ ખોટો ગણાવી રહ્યા હતા. SIRને કોંગ્રેસ સતત વોટ ચોરીની વ્યાખ્યા આપી રહ્યું હતું. આ રિપોર્ટ છપાયા બાદ દેશના જુદાજુદા ભાગોમાં વિરોધ પક્ષો દ્વારા ચૂંટણી પંચની પદ્ઘતિ અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ઘ આંદોલન કરવામાં આવી રહ્યું છે. ઘણા વિરોધ પક્ષો એક થયા છે. મજાની વાત એ છે કે કેટલાક મહિના પહેલા માત્ર વિદ્યાર્થીઓના મુદ્દા ઉઠાવનાર કોકરોચ જનતા પાર્ટી (CJP) અને આઇસા (ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એસોશિયેશન) પણ આ રાજકીય વિષયને લઇને મેદાનમાં ઉતરી ગયા છે. જો કે આ વખતે પહેલા જેટલી વિદ્યાર્થીઓની ભીડ તેમની સાથે નથી દેખાઇ રહી અને સરકાર પણ આ વખતે તેમને વિદ્યાર્થીઓના પ્રતિનિધિના રુપમાં નથી જોઇ રહી.

CJPના સ્થાપક અભીજીત દિપકે પોતાના સમર્થકો સાથે વિરોધમાં ભાગ લેતા નજરે પડે છે.
CJPના સ્થાપક અભીજીત દિપકે પોતાના સમર્થકો સાથે વિરોધમાં ભાગ લેતા નજરે પડે છે. (IANS)

શું મુખ્ય ચૂંટણી કમિશ્નરને જ્ઞાનેશ કુમારને હટાવવા સરળ છે?

જુલાઇમાં જંતર મંતર પર થયેલા કોકરોચ જનતા પાર્ટીના આંદોલન બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. વડાપ્રધાને પણ તેમનું રાજીનામું મંજૂર કરી આ આંદોલનને શાંત પાડ્યું હતું. પરંતુ આ વખતે મામલો એટલો સરળ નથી. કેરલ કેડરના 1988 બેચના IAS અધિકારી જ્ઞાનેશ કુમાર અત્યારે ભારતના 26મા મુખ્ય ચૂંટણી કમિશ્નર છે. તેમની નિમણૂક 19 ફેબ્રુઆરી 2025ના રોજ થઇ હતી. તેમની પાસેથી કેન્દ્ર સરકાર રાજીનામું ન માંગી શકે. તેમને પદ પરથી હટાવવા એટલું જ મુશ્કેલ છે જેટલું સુપ્રીમ કોર્ટના કોઇ ન્યાયાધીશને હટાવવા. ભારતના સંવિધાનના અનુચ્છેદ 324નું સુરક્ષા કવચ ચૂંટણી કમિશ્નરને મળેલું હોય છે. એટલે કે તેમના કાર્યકાળને સુરક્ષા પ્રાપ્ત થયેલી હોય છે. જેથી તેમનાથી નારાજ કાર્યપાલિકા તેમના પર કોઇપણ પ્રકારનું દબાણ ન બનાવી શકે. તેમને માત્ર 'અસક્ષમતા' અને 'સિદ્ઘ દુર્વ્યવહાર' ના કારણે હટાવી શકાય છે. તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા હેઠળ સંસદના બંને સદનોમાંથી વિશેષ પ્રસ્તાવ પસાર કરવાનો હોય છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિએ તે પ્રસ્તાવ સ્વિકાર કરી તેના પર આદેશ આપવાનો હોય છે. સંસદના બંને સદનોમાં આ પ્રસ્તાવને રજૂ કર્યા પહેલા લોકસભામાં આ મુદ્દે ઓછામાં ઓછા 100 સંસદ સભ્યો અને રાજ્યસભાના 50 સંસદ સભ્યોની સહી જરુરી હોય છે. ત્યાર બાદ તપાસ સમિતિની રચના અને દોષિત સાબિત થયા બાદ સંસદના બંને સદનોમાં મતદાન થાય છે. વિશેષ બહુમતિથી પ્રસ્તાવ પસાર થયા બાદ તેને રાષ્ટ્રપતિ પાસે મોકલવાની જોગવાઇ છે. છેલ્લે રાષ્ટ્રપતિ જો ઇચ્છે તો મુખ્ય ચૂંટણી કમિશ્નરને હટાવવાનો આદેશ આપી શકે છે.

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ટીએન શેષન (ફાઇલ ફોટો)
ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નર ટીએન શેષન (ફાઇલ ફોટો) (PTI)

ચૂંટણી કમિશ્નરોને લઇને વિવાદ કોઇ નવી વાત નથી

વિરોધ પક્ષ ચૂંટણી પંચ અને ચૂંટણી કમિશ્નરોને લઇને કોઇ પહેલી વાર નારાજ નતી. જ્યારે તેમને મરજીના પરિણામ ન મળે ત્યારે તેઓ નારાજ થાય તે સ્વાભાવિક છે. આજે ભાજપ ટેબલની આ તરફ છે અને એક સમય હતો જ્યારે તે ટેબલની બીજી તરફ હતું. વર્ષ 2009ની લોકસભા ચૂંટણી પહેલા વિરોધ પક્ષે એટલે કે ભાજપ-એનડીએએ તત્કાલીન ચૂંટણી કમિશ્નર નવીન ચાવલા વિરુદ્ઘ સંસદથી લઇને રાષ્ટ્રપતિ ભવન સુધી ઘેરાવ કર્યો હતો. લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વમાં 200થી વધુ સાંસદોએ રાષ્ટ્રપતિને આવદેન આપી ચાવલાને હટાવવા માટે માંગણી કરી હતી. ચાવલાના ગાંધી-નહેરુ સાથેના જૂના સંબંધના રેકોર્ડ પણ લહેરાવ્યા હતા. એ જ રીતે 1990થી 1996 દરમિયાન ટી.એન.શેષનના મુખ્ય ચૂંટણી કમિશ્નર તરીકેના કાર્યકાળને કોણ ભૂલી શકે? તે સમયે તો વિરોધ પક્ષની સાથે સાથે સત્તા પક્ષો પણ શેષન વિરુદ્ઘ બોલી રહી હતી. મુલાયમ સિંહ યાદવ અને લાલુ યાદવ જેવા ક્ષેત્રિય નેતાઓ પણ શેષન વિરુદ્ઘ મેદાનમાં આવી ગયા હતા. શેષનને સંસદમાં મહાભિયોગ લાવી હટાવવાની પણ કોશિશ કરવામાં આવી હતી. પરંતુ આ પ્રસ્તાવ પાસ ન થઇ શક્યો. શેષને ખૂબ જ કડકાઇથી ચૂંટણીઓમાં બાહુબળ અને ધનબળ પર લગામ લાગવી હતી. આચાર સંહિતાનું પાલન સુનિશ્ચિત કર્યું હતું. મતદાન ઓળખ પત્ર ફરજીયાત કર્યું હતું. એટલું જ નહીં જ્યાં પણ મતદાન ઓળખ પત્ર યોગ્ય રીતે અમલી ન બની શક્યા ત્યાં ચૂંટણીઓ અટકાવી દીધી હતી. શેષનને તેમના દબંગ સ્વભાવને કારણે આજે પણ યાદ કરવામાં આવે છે. ચૂંટણી પંચની અસલી તાકાત શેષનના કાર્યકાળમાં દેશના લોકોએ જોઇ હતી.

સુપ્રીમ કોર્ટ, ચૂંટણી પંચ અને રાજકીય પક્ષોનું સ્ટેન્ડ

મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરુદ્ઘ લડાઇ લડી રહેલા રાજકીય પક્ષો જ્યાં રસ્તાથી સંસદ સુધી આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ કેટલીક અપીલ પણ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે જેના મુદ્દા લગભગ સમાન છે. શૈલેન્દ્ર મણિ ત્રિપાઠી, રાકેશ કુમાર સિંહ અને સુધાર સિંહ તરફથી કરવામાં આવેલી અપીલ પર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેચ દ્વારા સુનાવણી કરવામાં આવી. જો કે કોર્ટે તેમાં નોટિસ જાહેર કરી કેન્દ્ર સરકાર અને ભારતીય ચૂંટણી પંચને એક અઠવાડિયામાં જવાબ રજૂ કરવા કહ્યું હતું તેમજ સાથે જ એમ પણ કહ્યું હતું કે માત્ર મીડિયા આધારિત સમાચારો પર કોઇ વચ્ચગાળાનો આદેશ આપી શકાય નથી કારણ કે તે સમાચાર સાચા કે ખોટા હોઇ શકે છે. તો ચૂંટણી પંચ આ આંદોલન પર વધુ સ્પષ્ટાતાઓ આપતું નજર નથી આવી રહ્યું. ઉગ્ર થતાં રાજકીય પક્ષો માટે ચૂંટણી પંચે એટલું જ કહ્યું કે ચૂંટણી કમિશ્નરો વચ્ચે સહમતિ અને અસહમતિન ચાલ્યા કરે છે પરંતુ અંતિમ નિર્ણય તો સર્વસંમતિથી જ લેવામાં આવે છે. આ એક રુટિન પ્રોસેસ છે. SIRની પ્રક્રિયાનો બચાવ કરતા પંચે તેને સંપૂર્ણ રીતે કાયદાકીય અને નિયમાનુસાર ગણાવ્યું. ચૂંટણી પંચ પર રાજકીય પક્ષોને ન મળવાનો આરોપ અંગેતેમનું નિવેદન આવ્યું કે 300 લોકોની ભીડ સાથે વાતચીત કરી શકાતી નથી.કોઇપણ રાજકીય પક્ષે પોતાના સીમિત પ્રતિનિધિમંડળ સાથે પંચને મળવા માટેનો સમય નથી માગ્યો. ફોર્મ-6 વિશે પણ ચૂંટણી પંચે કહ્યું કે તેમાં માત્ર એક ઘોષણા પત્ર જોડવામાં આવ્યું છે. તો ભાજપ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશ્નરનો બચાવ કરતું નજરે પડે છે. વિરોધ પક્ષ ભાજપને લાભાર્થી બતાવી રહ્યો છે તો ભાજપ તર્ક આપી રહ્યો છે કે જ્ઞાનેશ કુમાર તો માત્ર છેલ્લા દોઢ વર્ષથી મુખ્ય ચૂંટણી કમિશ્નર બન્યા છે જ્યારે કોંગ્રેસ સતત 12 વર્ષથી ચૂંટણી હારી રહ્યું છે.

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને અટકાયતમાં લેતી દિલ્હી પોલીસ
લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને અટકાયતમાં લેતી દિલ્હી પોલીસ (PTI)

પાંચ રાજ્યોની ચૂંટણી પહેલા શું ભાજપ વિરોધ પક્ષોનું ધ્યાન ભટકાવી રહ્યું છે?

ફેબ્રુઆરી-માર્ચ 2027માં દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં સૌથી મહત્વનું રાજ્ય ઉત્તર પ્રદેશ છે કારણ કે તેની વસ્તી સૌથી વધુ છે. ત્યાંથી સૌથી વધુ લોકસભા અને રાજ્યસભાની સીટો પણ છે. આ સિવાય પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવામાં પણ ચૂંટણી છે. એવામાં જ્યારે કોંગ્રેસ સહિત બધા વિરોધ પક્ષોને મજબૂતી સાથે ચૂંટણીની તૈયારીઓ કરવી જોઇએ ત્યારે તેઓ ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર વિરુદ્ઘ પંચના એક ઇન્ટરનલ કમ્યુનિકેશનના લીક થયેલા એક પાર્ટ પર બ્યુગલ વગાડી રહ્યા છે. ધ્યાન આપવાની બાત એ છે કે આગામી ચૂંટણી જે રાજ્યોમાં છે તે તમામ પાંચ રાજ્યોમાં કોંગ્રેસની સરકાર નથી. ચારમાં ભાજપ અને પંજાબમાં આદ આદમી પાર્ટીની સરકાર છે. એવામાં પોતાના વિરોધીઓ વચ્ચે કોંગ્રેસ પાસે ગુમાવવા જેવું કશું નથી પરંતુ મેળવવા માટે ઘણું બધું છે. જ્ઞાનેશ કુમારને હટાવવા માટે એક જટિલ પ્રક્રિયાનું પાલન કરવું પડશે અને તેમાં કેન્દ્ર સરકાર તે રસ્તા પર જોશે પણ નહીં. એવામાં રાજકીય નિષ્ણાતો વિરોધ પક્ષોને એક એવી રાજકીય ચાલના ચક્રવ્યુહમાં ફસાયેલો જુએ છે કે જ્યાં તેમની ઉર્જાનો ખોટી દિશામાં ઉપયોગ થઇ રહ્યો છે. ચૂંટણી થવાની છે તે રાજ્યોમાં જઇને સ્થાનિક મુદ્દાઓ પર સંઘર્ષ કરવાના બદલે મુખ્ય ચૂંટણી પક્ષ કોંગ્રેસ ચૂંટણી પંચને નિશાન બનાવી રહ્યું છે. જ્યારે તેણે ખરેખરમાં તો પાંચ રાજ્યોની સત્તાધારી સરકારોને સ્થાનિક સમસ્યાઓ પર ઘેરવી જોઇએ. જનતાની મુશ્કેલીઓ માટે તેમનો અવાજ બનવું જોઇએ. હવે એ જોવું રહ્યું કે આગામી સમયમાં કોંગ્રેસનું વર્તમાન સ્ટેન્ડ તેને આગામી ચૂંટણીમાં લાભ અપાવશે કે ફરીથી તે વિરોધ પક્ષ બનીને રહી જશે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર અને તથ્ય લેખકના પોતાના છે.)

આ પણ વાંચો:

જર્મનીમાં કટ્ટર દક્ષિણપંથી રાજનીતિનું પુનરુત્થાન

બ્રિક્સ સમિટ બાદ શું ભારત-ચીનના સંબંધ નવી રીતે શરુ થયા, શું તેમાં પરિવર્તન આવ્યું?