ETV Bharat / lifestyle

માતા દુર્ગાના આશીર્વાદ અને કૃપા રહે તે માટે નવરાત્રિમાં આ આઠ મંદિરોની અચૂક મુલાકાત લો!

માન્યતા છે કે નવરાત્રીના સમયગાળા દરમ્યાન આ મંદિરના દર્શનથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દેવી દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

નવરાત્રીના સમયગાળા દરમ્યાન આ મંદિરના દર્શનથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દેવી દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે
નવરાત્રીના સમયગાળા દરમ્યાન આ મંદિરના દર્શનથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને દેવી દુર્ગાનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે (GETTY IMAGES)
author img

By ETV Bharat Gujarati Team

Published : October 9, 2026 at 1:43 PM IST

3 Min Read
Choose ETV Bharat

હૈદરાબાદ: રવિવાર, 11 ઑક્ટોબરથી સમગ્ર દેશમાં શારદીય નવરાત્રિ 2026ની ઉજવણી શરૂ થશે. નવ દિવસ સુધી માતા દુર્ગાનાં વિવિધ સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવશે. આ પવિત્ર દિવસોમાં વૈષ્ણો દેવીથી લઈને મીનાક્ષી અમ્મન મંદિર સુધીનાં આઠ પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તો દર્શન માટે જાય છે. માન્યતા છે કે નવરાત્રિ દરમિયાન આ મંદિરોની મુલાકાત લેવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

ભારતમાં માતા દુર્ગાને સમર્પિત અનેક દિવ્ય અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવતાં મંદિરો આવેલાં છે. આ અહેવાલમાં જાણીએ આવા આઠ મંદિરો વિશે.

વૈષ્ણો દેવી મંદિર, કટરા

કટરા નજીક ત્રિકૂટ પર્વતમાળામાં આવેલું વૈષ્ણો દેવીનું મંદિર માતા દેવીને સમર્પિત ભારતનાં સૌથી મહત્ત્વનાં તીર્થસ્થળોમાંનું એક છે. આ પવિત્ર ધામની યાત્રાને તીર્થયાત્રાનો આવશ્યક ભાગ માનવામાં આવે છે. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે. આ મંદિર કટરાથી લગભગ 12 કિલોમીટરના પગપાળા અંતરે આવેલું છે.

આ મંદિર સાથે જોડાયેલી કથા મુજબ, માતા વૈષ્ણવીના દિવ્ય તેજથી આકર્ષાઈને ભૈરવ નાથ નામના તાંત્રિકે તેમનો પીછો કરવાનું શરૂ કર્યું. તેનાથી બચવા માતા ત્રિકૂટ પર્વતની એક ગુફામાં ગયાં. ભૈરવ નાથે ગુફામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો ત્યારે માતાએ મહાકાળીનું સ્વરૂપ ધારણ કરીને તેનું મસ્તક ધડથી અલગ કરી નાખ્યું.

અંતિમ ક્ષણોમાં ભૈરવ નાથને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેણે માતાની ક્ષમા માગી. માતા વૈષ્ણો દેવીએ તેને ક્ષમા કરીને વરદાન આપ્યું કે મુખ્ય મંદિરનાં દર્શન કર્યા પછી ભૈરવ નાથના મંદિરની મુલાકાત લીધા વિના કોઈ ભક્તની યાત્રા પૂર્ણ ગણાશે નહીં.

જ્વાલા જી મંદિર, કાંગડા

હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું મા જ્વાલા દેવીનું મંદિર ૫૧ શક્તિપીઠોમાંનું એક છે. અહીં કોઈ મૂર્તિ નથી; તેના બદલે ખડકમાંથી સીધી જ જ્વાળાઓ પ્રગટે છે. માન્યતા અનુસાર, આ એ સ્થાન છે જ્યાં દેવી સતીની જીભ પડી હતી.

આ મંદિર સાથે એક દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે તેલ કે ઘી વિના પ્રજ્વલિત રહેતી ‘અખંડ જ્યોતિ’ વિશે જાણ્યા પછી મુઘલ સમ્રાટ અકબરે તેને ચમત્કાર તરીકે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે જ્યોત પર પાણી રેડવાનો અને તેની ઉપર લોખંડની પ્લેટો મૂકવાનો આદેશ આપ્યો, છતાં અગ્નિ બુઝાયો નહીં.

પોતાની ભૂલ સમજાતાં અકબર ક્ષમા માગવા ખુલ્લા પગે મંદિર ગયા અને સોનાનું છત્ર અર્પણ કર્યું. જોકે, દેવીએ તેનો સ્વીકાર કર્યો નહીં અને સોનું અજાણી ધાતુમાં પરિવર્તિત થઈ ગયું.

ચામુંડા દેવી મંદિર, હિમાચલ પ્રદેશ

હિમાચલ પ્રદેશના કાંગડા વિસ્તારમાં આવેલું આ મંદિર દેવી દુર્ગાના ઉગ્ર સ્વરૂપ દેવી ચામુંડાને સમર્પિત છે. માન્યતા છે કે દેવીએ આ જ સ્થળે ચંડ અને મુંડ નામના રાક્ષસોનો વધ કર્યો હતો. અહીંનું રમણીય સૌંદર્ય અને ભક્તિમય વાતાવરણ તેને નવરાત્રિની યાત્રા માટે ઉત્તમ સ્થળ બનાવે છે.

દક્ષિણેશ્વર કાલી મંદિર, કોલકાતા

હૂગલી નદીના કિનારે આવેલું દક્ષિણેશ્વર કાલી મંદિર કોલકાતાનાં સૌથી પ્રખ્યાત આધ્યાત્મિક સ્થળોમાંનું એક છે. દેવી કાલીને સમર્પિત આ મંદિર નવરાત્રિ અને દુર્ગા પૂજાના ઉત્સવ દરમિયાન ભક્તો તથા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બને છે.

મનસા દેવી મંદિર, હરિદ્વાર

હરિદ્વારમાં બિલ્વ પર્વતની ટોચ પર આવેલું મનસા દેવી મંદિર એક મહત્ત્વપૂર્ણ શક્તિપીઠ છે, જે વર્ષભર ભક્તોને આકર્ષે છે. નવરાત્રિ દરમિયાન હરિદ્વારમાં ભક્તિનો માહોલ છવાય છે. શ્રદ્ધાળુઓ વિવિધ મંદિરોની મુલાકાત લે છે, પ્રાર્થના કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લે છે.

અંબાજી મંદિર, ગુજરાત

ગુજરાતમાં આવેલું અંબાજી મંદિર શક્તિ ઉપાસના માટેનાં ભારતનાં મુખ્ય તીર્થસ્થળોમાંનું એક છે. તે ખાસ કરીને ભવ્ય નવરાત્રિ ઉત્સવો માટે જાણીતું છે. ગુજરાત તેની જીવંત ગરબા અને દાંડિયા પરંપરાઓ માટે પ્રખ્યાત છે. તેથી નવરાત્રિ દરમિયાન ભક્તિ અને સંસ્કૃતિ—બંનેનો અનુભવ કરવા ઇચ્છતા લોકો માટે અંબાજી ઉત્તમ સ્થળ છે.

કામાખ્યા મંદિર, આસામ

ગુવાહાટીમાં નીલાચલ પહાડી પર આવેલું કામાખ્યા મંદિર ભારતનાં સૌથી મહત્ત્વનાં શક્તિ મંદિરોમાંનું એક છે. આ મંદિર શક્તિ ઉપાસના સાથે જોડાયેલી અનોખી પરંપરાઓ અને વિધિઓ માટે જાણીતું છે, જે તેને દેવીને સમર્પિત અન્ય ઘણાં મંદિરોથી અલગ પાડે છે.

મીનાક્ષી અમ્મન મંદિર, મદુરાઈ

મદુરાઈનું મીનાક્ષી અમ્મન મંદિર દક્ષિણ ભારતનાં સૌથી પ્રખ્યાત મંદિર સંકુલોમાંનું એક છે. દેવી મીનાક્ષીને સમર્પિત આ મંદિર ભવ્ય સ્થાપત્યકલા, રંગીન શિલ્પો, ધાર્મિક પરંપરાઓ અને સાંસ્કૃતિક વારસા માટે જાણીતું છે.

ડિસક્લેમર: આ લેખ માત્ર સામાન્ય માહિતીના હેતુથી છે. ETV ભારત તેની ચોકસાઈ કે વિશ્વસનીયતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો...

  1. મીટિંગ-ડેડલાઇન વચ્ચે પણ ધબકે છે ‘ગરબાનો તાલ’! અમદાવાદના કોર્પોરેટ કલ્ચરમાં નવરાત્રિએ કેવી રીતે બનાવી પોતાની ખાસ જગ્યા?
  2. ગણેશોત્સવમાં જીવન બચાવવાનો સંદેશ; 15.59 મીટરની ‘ઓર્ગન ઓફ હોપ’ કૃતિએ રચ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ